________________
હીન કહેવાઈએ. ઘણું થયું, હવે ખમૈયા કરો નાથ ! સંસારને અધિક યુદ્ધથી સ્મશાન ન બનાવો !'
‘શું કાલ-મહાકાલની પત્નીઓ તને ભેટી ગઈ ? એ ઠેર ઠેર યુદ્ધવિરોધી પ્રચાર આદરી બેઠી છે ! શું કરું ? એ સ્ત્રી છે, અને વળી નાના ભાઈની વહુઓ છે. નહિ તો ક્યારની કારાગારમાં હડસેલી દીધી હોત. રાજદ્રોહ તો અક્ષમ્ય અપરાધ છે.' અજાતશત્રુ બોલ્યો.
‘એવો અક્ષમ્ય ગુનો કરવાનું હવે તો મને પણ મન થયું છે, નાથ ! સંસાર પરથી સંગ્રામ જવા જોઈએ. શા માટે કોઈ પ્રજાને ગુલામ બનાવે ? શા માટે પ્રજાપ્રજા ભાઈ ન બને ? પણ રાજકુમાર કાલની પત્ની સાચું કહેતી હતી કે જ્યાં સુધી રાજાઓ છે, સામંતો છે, સ્થાપિત હકો છે, ત્યાં સુધી સંગ્રામ રહેવાનો જ ! એ કોઈ કદી પ્રજાને એક નહિ થવા દે. એ અસ્મિતાનો દારૂ પાઈ પાઈને એક્બીજાંનાં ગળાં કપાવશે. સંગ્રામ...સંગ્રામ... હવે તો મને એ શબ્દથી જ બીક લાગે છે, સ્વામી !' રાણી પદ્મા બીતી હોય તેમ ધ્રૂજી રહી.
‘ઓહ રાણી ! આટલાં કમજોર ! તમે તો ભારતવર્ષના ચક્રવર્તીનું સ્ત્રીરત્ન છો ! રાણી, યુદ્ધે ચઢનાર પતિને તમારે તો પાનો ચઢાવવો જોઈએ.’ અજાતશત્રુએ રાણીને હિંમત આપવા માંડી.
હું રાણી છું, પણ એથી વધુ એક સ્ત્રી છું. સંગ્રામના જોરે રાણીની મહારાણી બની શકું, પણ સંગ્રામમાં ભારે જોખમ છે : સધવાની વિધવા પણ થઈ જાઉં, સનાથની અનાથ પણ બની જાઉં. મારા કુંવર ઉદયનને પિતાની જરૂર છે. એ કહે છે કે મા, મારા પિતાને મારા અને તારા કરતાં સંગ્રામ પર વધુ સ્નેહ લાગે છે ! અરે, સંસારના બીજા પિતાઓ પુત્રને કેવું વહાલ કરે છે ! ઉદયને વહાલ જ મળ્યું નથી. એને પિતા જોઈએ છે, સ્વામી ! અને હું પતિ માગું છું. સ્ત્રીને ચક્રવર્તી સ્વામી ન જોઈએ, સ્નેહાળ પતિ જોઈએ. પણ આપણે આખરે તો માણસ જ છીએ ને ! મને તો તમારાં કાર્યોમાં માણસાઈની નરી વિકૃતિ દેખાય છે.’
‘રાણી ! જાઓ, રાજમહેલમાં આરામ કરો. તમારું ચિત્ત અત્યારે અસ્વસ્થ છે. સારા વૈદને બોલાવી ઓસડ લો. તમારું ગજું કેટલું ? સ્ત્રી આખરે સ્ત્રી ! દેડકો ગમે તેટલું પેટ ફુલાવે પણ કંઈ હાથીની બરોબરી કરી શકે ?' અજાતશત્રુએ કહ્યું. એ શબ્દોમાં રાણી પદ્માની ઘોર ઉપેક્ષા ભરી હતી.
કોઈ ઝાડ મૂળથી ઊખડી પડે, એમ રાણી નીચે ઢળી પડી. મહારાજ મગધેશ્વરે હાકલ કરી : ‘દિલની કમજોરી હું જાણતો નથી. હાથી હાંકો ! રણભેરી વગડાવો !' સેનાની કૂચ શરૂ થઈ. ધરતી પર યુદ્ધનાં વાવંટોળ ફરી છવાઈ ગયા. 392 ] શત્રુ કે અજાતશત્રુ
નાસભાગ મારકાપ ચાલુ થઈ.
મગધની સેનામાં નિરાશાનું ભયંકર મોજું પ્રસરેલું હતું, પણ કઠોર રાજશાસન સામે એની તો શું, એના સેનાપતિની પણ એક ફૂંકારોય કરવાની હિંમત નહોતી. સેનામાં ઉત્સાહ નહોતો, પણ રાજશાસનના નિયમો એટલા કડક હતા કે કોઈની જબાન હાલીચાલી શકતી નહિ. અંદરના કચવાટનો સુમાર નહોતો, દિલ બળવો પોકારવા માગતું હતું, પણ જૂની શિસ્ત હૈયાને દાબી દેતી.
છતાં વિજયો સરળ બન્યા હતા. વગર યુદ્ધે, વગર ખુવારીએ રાજાઓ તાબેદારી સ્વીકારી લેતા અને ભેટ ને ખાદ્યસામગ્રીના ઢગલા કરતા.
મગધસેના, જે પહેલાં આ પદાર્થોમાં ખૂબ રુચિ રાખતી, એ હવે આમાં ખાસ ઉત્સાહ ન દાખવતી. હવે તો એને લાગતું કે વૈભવ ગમે તેટલો મળે, પણ ભોગવવાની નિરાંત ન હોય એવા વંધ્ય વૈભવને શું કરવો ?
રાજા અજાતશત્રુના ચિત્તમાં તો યુદ્ધ સિવાય બીજું કંઈ હતું જ નહીં. એમાં વૈભવની ઝંખના નહોતી, સ્ત્રીની મોહિની નહોતી, થાક જેવી વસ્તુ નહોતી. પહેલો દરબાર, પછી ઘરબાર, એ એનું સૂત્ર હતું. જે કામ અને અર્થ બીજા રાજાઓનાં દૂષણ બન્યાં હતાં, એ એને માટે ભૂષણ હતાં. એને ભૂખ કેવળ ચક્રવર્તીપદની હતી. એની એકમાત્ર કામના ધરતીના પતિ થવાની હતી.
અજાતશત્રુને મન ધરતી જાણે પુંચલી હતી, અને એ ધરતીને પોતે સતી બનાવવા નીકળ્યો હતો !
વૈતાઢ્ય પર્વત, એની ગુફાઓ અને એની પેલી પારનો પ્રદેશ, આટલું જીત્યા પછી યુદ્ધના અશ્વો પાછા ફરવાના હતા. પછી તો ફક્ત ચક્રવર્તીપદનો મહોત્સવ કેમ મહાન રીતે ઊજવવો, એની જ વિચારણા કરવાની હતી. કારણ કે રાજકાજની ધુરા તો આયુષના આરે ઊભેલા મહામંત્રી વસકાર હજીય વેંઢારી રહ્યા હતા.
મહામંત્રી વસ્યકાર મહાકૂટનીતિજ્ઞ હતા. જ્યાં હાથી, ઘોડા, તલવાર કે સૈન્ય સફળતા ન મેળવી શકે, ત્યાં પોતે બુદ્ધિથી જીત મેળવી શકતા હતા. પણ આજે તો મહારાજ અજાતશત્રુ આગેવાન હતા.
વૈતાઢ્ય પર્વતની તળેટીમાં સેનાએ પડાવ નાખ્યો. એ સાંજે તળેટીનો અધિષ્ઠાતા આવીને ભેટલું મૂકી ગયો, અને ચેતવતો ગયો કે ‘મને તો આપનો સેવક લેખજો, પણ આટલેથી ખમૈયાં કરો ને પાછા વળો તો સારું. અતળના તાગ ન લો. પર્વતની ન વીંધાયેલી ગુફાઓ વીંધતાં ચેતજો ! એવા ઝેરી વાયુ ત્યાં ગૂંચળા વળીને પડ્યા છે, કે બહારના વાયુના સંસર્ગમાત્રથી જોતજોતામાં ભડકો થઈ જશે. એવાં વિચિત્ર જળ છે, કે પીતાંની સાથે અતિસાર થઈ જશે. એવાં વૃક્ષ છે, કે સ્પર્શતાંની સાથે ખણજ ધરતીએ હાશ કર્યું !D 393