________________
48
અજાતશત્રુ કે જગતશત્રુ
અજાતશત્રુ એ અજબ સ્ત્રીને જોઈ ધ્રૂજી રહ્યો. એને નાક જ હતું નહિ, પછી કાપે શું ?
‘કાપી લે રાજા, નાક ! બાકી તારું નાક તો કપાઈ ગયું !' કોણ તું ? દેવી ફાલ્ગની ?'
ખોટું છે એ નામ. હવે જ્ઞાતપુત્ર વર્ધમાનની ઉપાસિકા કહે. રે અજાતશત્રુ, તેં જગતશત્રુનું કામ કર્યું.’ એક સ્ત્રી જે ફાલ્ગની તરીકે ઓળખાઈ તે બોલી.
હું તારી સાથે વાદ કરવા માગતો નથી. આ બીજી દેવી કોણ છે ?' અજાતશત્રુને અત્યારે પોતાનામાં પણ રસ નહોતો રહ્યો.
‘એ ભગવાન તથાગતનાં ઉપાસિકા છે.' ફાલ્ગનીએ કહ્યું.
મને એનું નામ કહો.'
‘નામમાં કંઈ મહત્ત્વ નથી. નામ એ પણ કીર્તિનો જ અંશ છે અને કીર્તિના કોટકાંગરા તરફ અમને ભયંકર તિરસ્કાર છે. કીર્તિ અને મોટાઈ માટે દુનિયા કેવાં કેવાં ભયંકર પાપ આચરે છે ! ભૂખ્યો ખાવા માગે, નાગો પહેરવા માગે, એ મેળવવું એ એનો હક્ક, હક્ક ન સ્વીકારાય તો એ તો ઝુંબેશ જગાવે; એ પણ એનો અધિકાર, પણ હે રાજા, તારા ખજાને કઈ ખોટ હતી ?’ ફાલ્ગની બોલી.
‘ફાલ્ગની ! એ ચર્ચા આજે વ્યર્થ છે. મેં શું ગુમાવ્યું તે હું જ જાણું છું. પણ કૃપા કરીને મને આ મહાદેવીનું નામ કહે.” અજાતશત્રુના સ્વરમાં કાકલૂદી હતી.
‘રાજા ! એ મહાદેવીનો એક દિવસ એવો હતો કે ભારતના ભૂપતિઓ એની ચરણરજ ચૂમવા સર્વસ્વ અર્પણ કરતા. તારા પિતા મગધરાજ તો એની પાછળ ઘેલા હતો.”
કોણ, દેવી આમ્રપાલી ?” રાજાએ કલ્પનાથી કહ્યું,
હા.” બીજી સ્ત્રી, કે જે આમ્રપાલી હતી, તેણે ડોકું ધુણાવી નામનો સ્વીકાર કર્યો.
‘મહાદેવી આમ્રપાલી !' રાજા અજાતશત્રુએ કહ્યું, ‘ગણતંત્રોએ સ્ત્રીની જે સ્થિતિ કરી હતી, એ ઘોર અપમાનજનક હતી. આજે એવી દુષ્ટ સત્તાને મિટાવ્યાનો મને આનંદ છે.” રાજકારણી પુરુષ ગમે તેવી ઘોર નિરાશામાં ને હતાશામાં પણ આશ્વાસન લેવાનો તરીકો જાણતો હોય છે.
| ‘અને તમે પણ મગધપ્રિયાનો બીજો કયો વિશેષ ઉપયોગ કર્યો ?' ફાલ્ગની વચ્ચે બોલી, ‘રાજ કારણે કઈ વસ્તુનો દુરુપયોગ નથી કર્યો ? બ્રાહ્મણની વિદ્યા, સ્ત્રીની ચાતુરી અને મુનિનો વૈરાગ્ય એ બધાનો એણે મેલો ઉપયોગ કર્યો ! પૃથ્વીનો પ્રત્યેક રાજા સારા સંસ્કારોનો અને શક્તિઓનો ખરેખરો રક્ષક હોવો ઘટે, એના બદલે એણે સંસ્કાર અને શક્તિઓના ભક્ષકનું કામ કર્યું છે !! ફાલ્ગનીના શબ્દો સત્ય હકીકતથી ભરેલા હતા.
થોડી વાર થોભી એણે આગળ વધતાં કહ્યું : “આજે રાજાઓનો ઘાટ વાંદરાને નીસરણી આપવા જેવો છે. એમને સદા સુંદર પ્રદેશો, મોટો ખજાનો અને રૂપખજાના જેવી સ્ત્રીઓનાં સ્વપ્ન આવ્યા કરે છે. દિગ્વિજયનો દારૂ એમને સદા ઘેનમાં ડોલાવ્યા કરે છે. સીમાડા વધારવા એ તો જાણે એમને વ્યસન થઈ ગયું છે. ‘શાંતિ માટે મથે એ સુરાજ્ય ' એ સિદ્ધાંત તો માત્ર શબ્દોમાં જ રહ્યો છે. તારા કાલ, મહાકાલ જેવા ભાઈઓની હત્યા કરીને, બાપનું મોત નિપજાવીને, હલ્લ-વિહલ્લ જેવાને ત્રસ્ત કરીને અને જેને પેટ તું પાક્યો એ માતાને હડધૂત ને વિધવા બનાવીને બદલામાં તેં શું મેળવ્યું, એનો વિચાર કરી રાજન્ ! કે પછી તારી બુદ્ધિ-શક્તિ આ વિચારણા માટે જડ થઈ ગઈ છે ?' ફાલ્ગનીના શબ્દોમાં ભયંકર સત્ય હતું.
અજાતશત્રુએ એનો કંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. એને પોતાના ભાઈઓની એ વિધવાઓનાં રુદન સંભળાતાં હતાં. એમનાં રુદન હૈયાં કોરી નાખે તેવાં હતાં. એ રુદનમાં શાપ ભર્યા હતા, નિશ્વાસ ભર્યા હતા, ભડકાઓ હતા. એ વિધવાઓ જાણે આકાશ ગજવીને કહેતી હતી : ‘રે ! અમને થાંભલે બાંધીને શા માટે મારી ? અમારા શીલે. અમારી યુવાનીએ, અમારી મહેચ્છાઓએ તમારું કશું બગાડ્યું નહોતું. અમારી લીલુડી વાડીમાં તમે આગ શા માટે ચાંપી ? શું અમારા હાયકારાઓ તમારાં વજ હૈયાંને નહિ વિદારે ?”
અજાતશત્રુ નીચે મોંએ જાણે સાંભળી રહ્યો. એને ત્યાંથી હાલવાનું કે ચાલવાનું મેનું ન થયું.
બંને સ્ત્રીઓ રાજાને ત્યાં વિચાર કરતો મૂકી આગળ વધી. તેઓએ કહ્યું : ‘વૈશાલીના અને મગધના ધુરંધર પુરુષોને શોધવાનું અમારું કામ ઘણું બાકી છે.
અજાતશત્રુ કે જગતશત્રુ D 359.