________________
મનમાંથી એની માયા-મમતા કાઢી નાખો.” મહામંત્રીએ રાજાને વળમાં આવેલો જોઈ કહ્યું.
મામા અને ભાણેજનો વેરભાવ તો જમાનાજૂનો છે. મંત્રીવર, મને ગણતંત્ર પર ભારે છે. એ તંત્ર નહિ મિટાવી દઉં ત્યાં સુધી મોસાળ માટે માયાનો અંકુર ઊગવો અસંભવ છે.” રાજા અજાતશત્રુએ કહ્યું.
‘જય હો મહારાજ અજાતશત્રુનો !' મહામંત્રીએ ઉચ્ચાર કર્યો. પાછળ ઊભેલી સેનાએ ઉચ્ચાર ઝીલી લીધો.
ત્યાં સામેથી અવાજ આવ્યો : ‘જય હો વૈશાલીનો !'
ને અવાજ સાથે દૂર દૂર દેખાતો દરવાજો ઊઘડ્યો. એમાંથી સૈનિકો બહાર પડ્યા, એ બધા વંટોળના વેગે ધસી આવતા હતા. એમના અશ્વો ઘોડાપૂરને વેગે વહેતા હતા. જબ્બર ધસારો હતો. વૈશાલીના ચુનિંદ્ય સૈનિકો આજે મેદાને પડ્યા હતા. અલબત્ત, એના સેનાપતિઓ તો હજી બજારમાં ઊભા ઊભા પોતપોતાના પક્ષનાં જૂથોને અલગ તારવીને ખડા હતા, ને ચર્ચા કરતા હતા. એક પક્ષ કહેતો હતો: ‘આજ સુધી આગળ બેસી પાનનાં બીડાં તમે લીધાં તો હવે લડવા પણ તમે જ જાઓ !'
બીજો પક્ષ કહેતો હતો : ‘વિજયની કલગી આજ સુધી તમે બાંધીને ફર્યા છો, વાતવાતમાં કહેતા કે અમે છીએ તો ગણતંત્ર છે, તો હવે એનો બચાવ કરવા તમે જ દોડો, પડો મેદાને ! કાકો તમારો મોટાં મોટાં યુદ્ધયંત્રો લઈને લડાઈ જીતવા અને તમારી ખબર લેવા તૈયાર ખડો છે !'
આ ગોલા-લડાઈમાં મૂળ વાત તો એ હતી કે બેઠાડુ જિંદગી ને એશઆરામ માણ્યા પછી મેદાને સંચરવું દોહ્યલું લાગતું હતું. સુખશાંતિના સમયમાં લોકોએ સંપત્તિના ઢગેઢગ એકઠા કર્યા હતા. અને ચાર ચાર રૂપરમણીઓ સાથે સંબંધ સાંધ્યા હતા; પછી મરવું કોને ગમે ?
પહેલાં તો વૈશાલીને પોતાના વિજય માટે શંકા નહોતી, પણ મગધના અતુલ બળના જે સમાચાર આવતા હતા, એ ચિંતા ઉપજાવે એવા હતા. ને છેલ્લા પ્રેમીસમાજના ભયંકર વિનાશના સમાચાર સહુને વ્યગ્ર બનાવ્યા હતા. આમ જ્યારે મુખ્ય આગેવાનો અને સેનાપતિઓ સમયને ભૂલી વાદવિવાદમાં પડ્યા હતા, ત્યારે ગણતંત્રના નાનામાં નાના સૈનિકો ને સામાન્ય નાગરિકોએ બધાને સજ્જ થવા ને રણમેદાને સંચરવા હાકલ આપી હતી. એ હાકલને માન આપી સારા સારા સૈનિકો અને સશક્ત નાગરિકો શત્રુને આગળ વધતો અટકાવવા મેદાને પડ્યા હતા. તેઓએ બખ્તરો સજ્યાં હતાં, ને ધનુષ પર ઝેર પાયેલાં ફણાંવાળાં તીર ચઢાવ્યાં હતાં ! શી મગદૂર હતી મગધની કે વૈશાલીનો વાળ પણ વાંકો કરે !
340 | શત્રુ કે અજાતશત્રુ
રણનો રંગ ચપટીમાં ફેરવી નાખે એવા આ વીરો હતા. એ સમર્પણધર્મ સ્વીકારીને આવ્યા હતા. તેઓએ કારમી કિકિયારી સાથે દોડ દીધી.
એમની રાંગમાં રહેલા ઘોડા મૂળ તો રણવિદ્યાના જાણકાર ઘોડા હતા, પણ હમણાં વૈશાલીમાં રમતોત્સવો ને નાટ્યોત્સવો વધી જવાથી એ બધા રમતના ઘોડા જેવા થઈ ગયા હતા ! છતાં આજ એમને ન ધારી દોટ દેવાની હતી.
પગથી માથા સુધીનું શિરસ્ત્રાણ પહેરીને બેઠેલા યોદ્ધાઓના ભારથી ઘોડાઓની પીઠ લચકતી હતી, પણ આજ કશુંય વિચારવાનું નહોતું. એક જ હલ્લમાં મગધની મહાસેનાને વેરવિખેર કરી નાખવાની ધારણા હતી.
વૈશાલીની સેનાને તીરની જેમ વહી આવતી જોઈને મહાશિલાકંટક યંત્ર તાબડતોબ ચાલુ કરવામાં આવ્યું.
ગણતરી હતી કે મહાશિલાકંટક યંત્રનો માર ખાઈને શત્રની કુચે તરત જ થંભી જશે, પણ ગણતંત્રના બહાદુર યોદ્ધાઓની એક ટુકડી તો સીધી સામે મોંએ યંત્ર તરફ આગળ ધસી ગઈ ! એ દૃશ્ય જોઈને શત્રુના મુખમાંથી પણ નીકળી ગયું કે વાહ રે. માડીજાયાઓ !
યંત્રની ગતિ ઔર વધી ! કાંકરા, કાંટા ને કીલ ભયંકર વેગથી આવવા લાગ્યાં, ને બુખારો સાથે ભટકાવા લાગ્યાં. આ બખ્તરો નકરાં ગજવેલનાં રહેતાં, પણ તરત જ માલૂમ પડ્યું કે એની બનાવટમાં દગો થયેલો છે. કેટલીક કડીઓ સાદા લોહની બનેલી છે, ને સાંધણમાં ફક્ત સીસું જ વપરાયું છે !
શસ્ત્ર બનાવનારી વૈશાલીની પેઢીઓએ અમોઘ શસ્ત્ર બનાવવાની પોતાની ખ્યાતિને તિરસ્કારી હતી; ને નબળો માલ આપી જબરો નફો હાંસલ કર્યો હતો.
પણ હવે જે હાજર હોય એનાથી સામનો કરવાનો હતો. કોઈને પણ ઉપાલંભ આપવાથી અર્થ સરે તેમ નહોતો. એ બહાદુર ટુકડી યંત્રનો ભયંકર માર ખાતી ખાતી યંત્ર નજીક પહોંચી ગઈ. યંત્ર પર ભરોસો રાખીને બેઠેલા મગધપતિએ વળી વેગ વધાર્યો. વૈશાલીના વીરોએ પહેરેલાં બખ્તરોના ભુક્કા બોલવા લાગ્યા, શરીર છેદાવા લાગ્યાં. પણ વૈશાલીના મરણિયો સૈનિકો પાછો ન ફર્યા. પાછા ફરવાની વાત એમના ચિત્તમાં જ નહોતી. એમના મનમાં તો એક જ સંકલ્પ સ્થિર થઈને બેઠો હતો : કાં ફતેહ, કાં મોત !
તેઓએ કારમી કિકિયારી કરીને યંત્ર પર હલ્લો કરી દીધો. વૈશાલીના પાંચદશ-પંદર સૈનિકો યંત્રના મારથી ત્યાં ને ત્યાં ઢળી પડ્યા ! કાંકરા પર્વતની શિલાઓની જેમ વછૂટતા હતા. શૂળો બરછીની જેમ છૂટતી હતી. એક યંત્ર એક આખી સેનાની ગરજ સારતું હતું. પણ એ યંત્ર પર ધસી જઈને વૈશાલીના આ ગણ્યાગાંઠ્યા હાથ તૂટેલા, પગ
સ્ત્રી આખરે સ્ત્રી 1 341