________________
‘તલવારથી.’
‘કોની તલવારથી ?'
ફરી ‘અમારી... અમારી... અમારી...' થઈ રહ્યું.
એક વૃદ્ધ સૈનિક શાંત ઊભો હતો, એના હાથ-મોં પર ઠીક ઠીક ઘા થયેલા હતા, ને એમાંથી હજુ લોહી ટપકતું હતું.
‘ભત્તે સુમંત્રજી ! પૂનમ કેવી રીતે મરાયો ?’
‘અમારા જેવાને ઈર્ષ્યા આવે એવી અદ્ભુત રીતે. એને અમે માર્યો નથી, એ જાતે જ મરાયો છે.’
‘કાં ?'
‘ફાલ્ગુની અને એના સમુદાયને દૂર દૂર વહી જવા દેવાં હતાં. એટલા માટે પૂનમ એકલો અહીં કિલ્લો બનીને ખડો રહ્યો. પથ્થરના કિલ્લા તો તોડવા સહેલા છે, પણ આ હાડમાંસનો કિલ્લો અજબ નીકળ્યો. એ કિલ્લા પાસે પહોંચતાં અમને ભારે થઈ. એની પાસે તીર હતાં ત્યાં સુધી તો પાસે પણ કોણ ટૂંકી શકે ? છેલ્લે એણે સળગતાં તીર નાખ્યાં. અમે જ્યાં આગ લાગી ત્યાં બુઝાવી નાખી, પણ પાસે ન જઈ શક્યા. અમે ગણતરી કરી કે હમણાં તીર ખૂટશે, પછી આપણો વારો ! ને ખરેખર તીર ખૂટ્યાં ! અમે દોડ્યા. એ એક અને અમે સો-બસો. ધાર્યું હતું કે એક પળમાં પ્રાણ લઈ લઈશું, પણ શું વજનો એનો દેહ ! શું એની પટાબાજી ! ફરી જાણે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર લઈને મેદાને આવ્યા !' સુમંત્રજી યોદ્ધા મટીને જાણે કવિ બની ગયા.
‘અરે, પણ તમારામાંથી અડધા લોકોએ ફાલ્ગુનીનો પીછો પકડવો હતો ને ?’ કચરાજે વચ્ચે પ્રશ્ન કર્યો. એમને પૂનમના મૃત્યુ કરતાં ફાલ્ગુનીનું છટકી જવું વધારે ખટકતું હતું.
‘પીછો પકડે કેવી રીતે ? મગધનો આ સિંહપાદ સૈનિક કિલ્લાનાં દ્વાર વચ્ચે ઘેરૈયાની જેમ ઘૂમતો હતો. કોઈ પાસે ગયો કે જાણે વીજળી પડી સમજો !'
થઈ થઈને કેટલાં ખલાસ થાત ? બે ચાર જણ ! પણ બીજા બાર જણ પીછો પકડી શક્ત ને ?' કચરાજે કહ્યું.
‘ખલાસ થવા હું ગયો, પણ એકલો જ. પૂનમને જખમી કરી પછાડ્યો પણ મેં જ !' સુમંત્રજીએ કહ્યું. એમના બૂઢા ચહેરા પર જુવાનીનું તેજ રમતું હતું, ‘પણ મેં એને પાડ્યો કે બધા આવીને તૂટી પડ્યા. હું રોકવા ઘણું મથ્યો; મેં કહ્યું કે આવા વીરના પ્રાણ ન લેવા જોઈએ. પણ આપણા વીરોએ ખેતરના મોલ વાઢે એમ એને વાઢી નાખ્યો.' સુમંત્રજી બોલતાં બોલતાં ગળગળા થઈ ગયા.
306 – શત્રુ કે અજાતશત્રુ
આ બુઢા લોકો જશ પોતે જ ખાટવા ઇચ્છતા હોય છે. અરે, અમે પાછળ
જ હતા. અમારા પીઠબળ વગર તમે શું લડી શક્યા હોત ? પ્રત્યક્ષ લડાઈ કરતાં પરોક્ષ લડાઈ વધુ કાર્યસાધક હોય છે.' એક સૈનિકે સુમંત્રજી સામે ભારે રોષ ઠાલવ્યો. અંદર અંદર ભળી જવા જેવું લાગ્યું.
‘ભાઈબાપુ ! આ તો મને પૂછ્યું એટલે મેં જે બન્યું તે કહ્યું. બાકી જશ બધો તમને. અમારે મન તો વૈશાલી પ્રાણ સમાન છે.' સુમંત્રજીએ કહ્યું.
‘તો શું અમારે વૈશાલી દેહ સમાન છે ? આ વડીલો હંમેશાં સારું પોતાના નામ પર ખતવે છે, ને ભૂંડું જુવાનોના નામ પર ! મગધ સામેના યુદ્ધમાં તમે વડીલો ઘેર રહેજો અને બાળકોનાં ઘોડિયાં હીંચોળજો !' એક મોં ફાડ્યા જુવાને વિવેક ભૂલીને નિર્લજ્જ રીતે કહ્યું.
‘સાચી વાત છે તમારી, અમારે હવે વિલાસથી તે મિથ્યાભિમાનથી અસ્પૃશ્ય રહેલાં વૈશાલીનાં બાળકોનાં ઘોડિયાં જ હીંચોળવાં છે. એમને ગળથૂથીમાં પાવું છે કે વિલાસ તરફનો પ્રેમ ને વૈભવ પ્રત્યેની પ્રીતિ પ્રજાનાં નખ્ખોદનું નિશાન છે.’ સુમંત્રજીએ બરાબર ઘા માર્યો.
કચરાઈ સહુને શાંત પાડતાં ને ઠપકો આપતાં કહ્યું :
અરે ! પાછા આપણે આપણી ખાસિયત પર આવી ગયા ! પ્રશ્નોત્તરી ! સવાલ પૂછવા ને તેના જવાબ લેવા ! દાખલા દેવા અને દલીલો કરવી ! અનન્ત તર્ક અને અપાર વિતર્ક ! પણ હવે છોડો એ ખટપટ ! આ પૂનમના શબને અહીંથી ઉપાડો ને માર્ગ સ્વચ્છ કરો !'
‘એ નહિ બને.’ કેટલાક જુવાન આડા ફર્યા, “વૈશાલીને દગો દેનારના શબની દુર્દશા થવી ઘટે.'
ખબરદાર, જો મરેલાનું અપમાન કર્યું છે તો ! મર્દાનાં વેર જીવ હોય ત્યાં સુધીનાં, અરે ભલા માણસો ! સાપ તો વાટે અને ઘાટે મોંમાં ઝેરની કોથળી લઈને ફરે છે. તમે શું કામ એના મોંમાં આંગળી આપો છો ? એ તમને છેતરી ગયો, પણ તમે શું કામ છેતરાયા ? તમારા ઘરમાં કોઈ આગ ચાંપવા આવ્યો, પણ તમે ગાફેલ રહી શું કામ આગ ચાંપવા દીધી ? ગુનેગાર તમે પહેલાં.' સુમંત્રજીનું જુનું લોહી આજે ભારે ઉશ્કેરાઈ ગયું હતું.
“અમને ગુનેગાર કહેનાર તું ઘરડો ઘુવડ કોણ ?' જુવાન સૈનિકો આમન્યા છાંડી તલવાર તાણીને સુમંત્રજીની સામે આવીને ઊભા રહ્યા.
બીજો પૂનમ છું હો ! ભલે બુઢો છું, પણ પાછળ પડ્યો તો બાર ગાઉ તગડી જઈશ !' સુમંત્રજીએ કહ્યું .
વૈશાલી ઠગાયું D 307