________________
કેવી રીતે હણ્યા ? વચ્ચે શિખંડીને ખડો કરીને ! સહુ જાણતા હતા કે શિખંડી સામે ભીષ્મ હથિયાર નહીં વાપરે. ને શિખંડીને વચ્ચે મૂકી શિષ્ય ગુરુને હણ્યા !' આ વાતે સભામાં ઘણા સભ્યો પર પ્રભાવ પાડ્યો. ગણપતિએ આગળ ચલાવ્યું :
કૂટનીતિ એ રાજનીતિ છે ને યુદ્ધનીતિ પણ છે. એનાથી લાંબું ચાલતું યુદ્ધ ટૂંકું થાય છે, ને વિશાળ સંહાર અલ્પ થાય છે. દ્રોણને સત્યવાદી યુધિષ્ઠિરે શું કહીને હણ્યા ? નરો વા કુંજરો વા ! સત્યનો ક્યાં કેટલો ઉપયોગ કરવો એ એક સમજવા જેવી વાત છે. કસાઈવાડેથી છૂટેલી ગાયને શોધતા કસાઈને શું તમે બતાવશો કે ગાય અહીં છુપાણી છે ?' ગણપતિના શબ્દોમાં જાણે શંખનાદ ગાજતો હતો.
‘સાચું છે, અમે કૂટનીતિમાં માનીએ છીએ. યુદ્ધ પરિષદે કૂટનીતિનો આશ્રય લેવો.' પરિષદના કેટલાક સભાસદોએ કહ્યું.
‘હું તમને શ્રીકૃષ્ણનો દાખલો આપવા માગું છું. કર્ણ અને અર્જુનના યુદ્ધમાં એમણે જ કહેલું કે ‘શઠં પ્રતિ શાઠ્યમ્' વાપરો. એ તો જેવાની સાથે તેવા. શસ્ત્ર નહિ ગ્રહણ કરું, એવી પ્રતિજ્ઞા છતાં શ્રીકૃષ્ણ રથનું પૈડું લઈને યુદ્ધમાં ઊતરી નહોતા પડ્યા !!
આ વાતે યુદ્ધપરિષદનું આખું માનસ પલટાવી દીધું. પણ એ વખતે એક સભ્યે ઊભા થઈને કહ્યું : ‘વૈશાલી પોતે નવો ઇતિહાસ અને નવી વિભૂતિઓ સરજી શકે છે; એણે જૂના દેવોનો બહિષ્કાર કર્યો છે. આજ આખા જગતને નવો પાઠ ભણાવવાની વેળાએ શું મહાન વૈશાલી પોતાનો રાહ આવાં જુનવાણી દૃષ્ટાંતોથી નક્કી કરશે ? એથી વૈશાલી કદાચ થોડો લાભ મેળવી જશે, પણ એથી શું એની કીર્તિ પર કાયમને માટે કલંક નહિ લાગે ?
આ બોલનાર ફાલ્ગુનીના પતિ તરીકે જાણીતો પૂનમ હતો. એણે વૈશાલીના નગરજનનું પદ મેળવ્યું હતું, ને અત્યારે વૈશાલીના મૂળ નિવાસીઓ કરતાં એની વૈશાલીભક્તિ અપૂર્વ ગણાતી હતી. એના કરતાંય મહાદેવી ફાલ્ગુનીનો સુંવાળો સંપર્ક મેળવવાનું એ અજોડ સાધન હતું. નિરાંતે ફાલ્ગુનીનાં નૃત્ય જોવાનું સદ્ભાગ્ય સામાન્ય રાજપુરુષોને પૂનમ દ્વારા જ સાંપડતું !
પૂનમ ખરેખર અમીવર્ષણ પૂનમનો ચાંદ હતો. અને વૈશાલીએ સ્વીકારેલા સિદ્ધાંતો તરફની એની નિષ્ઠા અપૂર્વ હતી. વળી મગધના ભૂપ્રદેશથી એ સુપરિચિત હતો. આ બધી ચર્ચાઓ ચાલતી હતી ત્યાં એકાએક રાસ્થલીની ભેરી શેરીઓમાં ગાજતી સંભળાઈ.
‘અરે, આ તો યુદ્ધનાદ ! યુદ્ધ માટે એકત્ર થવાનું ફરમાન ! અરે, શું યુદ્ધ 290 ] શત્રુ કે અજાતશત્રુ
આંગણે આવીને ઊભું રહ્યું છે ?'
રણભેરી કહેતી હતી કે વૈશાલીના મુખ્ય મેદાનમાં સહુ યોદ્ધાઓ સજ્જ થઈને આવી પહોંચજો !
આ સાદ જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં ત્યાંથી સહુ સજ્જ થઈને આવી પહોંચ્યા. યુદ્ધ પરિષદ વીખરાઈ ગઈ. નૃત્યો ટપોટપ બંધ થઈ ગયાં. બજારો સમેટાઈ ગયાં. ખેડૂતો ખેતર મૂકીને દોડ્યા. રથ, હાથી ને ઘોડાના અવાજો ગાજી રહ્યા.
પદાતિ સૈનિકો ઉતાવળે ઉતાવળે સાજ સજી રહ્યા, શસ્ત્રો ખોળી રહ્યા. સૈનિકોમાં હમણાં એશઆરામની હવા ઠીકઠીક જામી હતી, એટલે શસ્ત્રો તૈયાર નહોતાં. ગણવેશ પણ રેશમના ચીનાંશુક્રના બનાવેલા હતા.
તેઓ માનતા હતા કે વૈશાલી કદી યુદ્ધ આપે નહિ, અને શસ્ત્રો તો ગયાં ! અને યુદ્ધો પણ ગયાં જ સમજો ! આપણે તો શોભાના હાથી જેવા. રાજ્યને આંગણે શોભા આપ્યા કરવાની. અહિંસાનો ધર્મ એ આપણો ધર્મ.
લોકો દોડ્યા મેદાન તરફ.
રણભેરી જોર જોરથી ભજી રહી હતી.
વૈશાલીનું આ મહાન મેદાન હતું, ને અહીં સૈન્યો આવીને એકત્ર થતાં. ને એ વખતે સૈન્ય સંખ્યા જોઈ વૈશાલીનાં સૂત્રધારોનાં મન હર્ષ અને ઉત્સાહથી ડોલી ઊઠતાં.
રથમાં બેસીને ગણનાયક ઝડપથી એ મેદાન પર આવ્યા. પાછળ બીજા રથમાં ગણસેનાપતિ આવ્યા અને પછી યુદ્ધ પરિષદના સભ્યો આવ્યા.
પ્રેમીસમાજના અસંખ્ય પ્રેમવીરો આવીને એક બાજુ ગોઠવાઈ ગયા. તેઓ બૂમ પાડતા હતા : ‘અમને યુદ્ધ ન જોઈએ. યુદ્ધ અનિવાર્ય હોય તો આગેવાન વેલાકુલ જોઈએ.’
પણ આ મેદાનમાં ખાસ લડનારાં જૂથો ગેરહાજર હતાં. જે જૂથો પર વૈશાલીના ખરા યુદ્ધનો આધાર હતો, એ જૂથો હજી ન દેખાયાં !
રે ! રણભેરીનો સાદ પડે કે હાથમાં હથિયાર પકડી શકે એ તમામ આબાલવૃદ્ધને ઉપસ્થિત થવાનો નિયમ; અને એ નિયમનો આજે છડેચોક ભંગ ?
ગણનાયકે દૂર દૂર નજર ફેરવી. એમની ચકોર નજરે જોઈ લીધું કે મેદાન ખાલી હતું, પણ શેરીઓ સૈનિકોથી ભરેલી હતી. તરત રાજદૂતો તપાસ માટે રવાના થયા. થોડી વારમાં એ ખબર લાવ્યા; એમણે કહ્યું :
‘મહારાજ ! આપણાં લડાયક જૂથો વચ્ચે મતભેદ જાગ્યો છે. મહાનામનું દળ કહે છે કે કાર્તિકનું દળ અભિમાન લેતું હતું કે અમે વૈશાલીની સુરક્ષા કરીએ છીએ, તો એ જાય પહેલું લડવા. લડીએ અમે અને જશ લે બીજા, એ દિવસો ગયા.
વિખવાદ – 391