________________
39
વિખવાદ
મગધનો બળિયો રાજા અજાતશત્રુ ધીરે ધીરે વૈશાલીના તમામ પ્રદેશોને પોતાની નાગચૂડમાં લઈ રહ્યો હતો. એના ભૂહ અપૂર્વ હતા. એના યોદ્ધાઓ અજબ હતા અને એની સિંહપાદ સેના સ્વામીભક્તિમાં ને સમરાંગણ ખેડવામાં અજોડ હતી.
વૈશાલી પણ કોઈ રીતે ઊતરે તેમ નહોતું. એની સેના બળવાન હતી. વર્જિ ને લિચ્છવી યોદ્ધાઓની શૂરવીરતાની કથાઓ હજીય ભારત માતા પોતાનાં બાળકોને ગળથુથીમાં પાતી, અને પોતાના ઇષ્ટદેવોને પ્રાર્થતી કે અમારાં બાળકો થજો તો લિચ્છવી કે વર્જાિ જેવાં થજો ! વૈશાલીની ગૃહનારીઓ તો પોતાનાં કર્મધર્મમાં કુશળ હતી જ, પણ અહીંની ગણિકાઓ પણ કોઈ રીતે ગૃહરાજ્ઞીઓ કરતાં ઓછી ઊતરે એવી ન હતી.
સંસ્કારિતાની એક સુવાસ આખા વૈશાલી રાજ્યમાં ફેલાયેલી હતી. ગરીબ તવંગરના ભેદ અહીં ભુલાઈ ગયા હતા. ને બળવાનને બે ભાગ મળે, એ ન્યાય અહીં ભૂતકાળની વસ્તુ બની ગયો હતો. આમ વૈશાલીનું રાજ્ય આદર્શ રાજ્ય બન્યું હતું ' પણ છેલ્લે છેલ્લે એની ભાવુકતાનો લાભ લઈ, ધીરે ધીરે બળવાન અને નિષ્ઠાવાન લોકોને પાછળ નાખી, બળ અને નિષ્ઠાની પદે પદે મોટે અવાજે દુહાઈ દેતા તકસાધુઓ ગણતંત્રમાં આગળ આવી ગયા હતા.
બળને તો તેઓએ પશુતા લેખી તિરસ્કૃત કરી દીધું હતું. બળવાન લોકોને જે બળ માટે ગર્વ હતો, એ બળ માટે બળવાન લોકો શરમ અનુભવતા. નાજુ કાઈમાં સંસ્કારિતા સમજાતી થઈ હતી.
| નાટક અને નૃત્યગીતનો તો જાણે એક આખો યુગ સરજાઈ ગયો હતો. મેદાની રમતો જોવા જનાર અજ્ઞાન અને ગુંડા લેખાતા. રાજ કારણી પુરુષો નર્તિકાઓ સાથે હરવાફરવામાં ગૌરવ અનુભવતા. એમનો સંપર્ક એ સંસ્કારિતાની પારાશીશી બન્યો હતો !
વૈશાલી પર દુશ્મનો ચઢી આવ્યા છે, એ વાત બધે પ્રસરી ગઈ હતી, અને સંથાગારમાં એ અંગે સભા યોજવામાં આવી હતી. બીજી તરફ મગધપ્રિયા દેવી ફાલ્ગનીએ એક પખવાડિયાનો રસોત્સવ યોજ્યો હતો, અને હમણાં વિશિષ્ટ પ્રકારનાં મંડળોને વિશિષ્ટ પ્રકારનો અધિકાર અપાયો હતો.
દેવી ફાલ્થનીનાં નૃત્યોમાં નગ્ન નૃત્યોનો સમાવેશ થતો હતો. ને માત્ર રાજકારણી પુરુષો ને પરદેશી મહેમાનોને જ એમાં પ્રવેશ મળતો. સંથાગારમાં જે વખતે મંત્રણાસભા યોજાતી એ જ વખતે દેવી ફાલ્ગનીનો ૨સોત્સવ યોજાતો.
રસિક પુરુષો માટે આ ખરેખરી કસોટી યોજાઈ હતી. ભારે વિમાસણ પેદા થઈ ગઈ હતી. પણ બુદ્ધિશાળી માણસોએ તેનો તરત તોડ કાઢયો હતો : યુદ્ધ કરતાં નૃત્ય નિર્દોષ છે; નૃત્ય પ્રથમ, યુદ્ધ પછી !
મંત્રણાગૃહોમાં ગણનાયક અને ગણનાપતિ સિવાય ઘણા ઓછા નિષ્ણાત રાજકારણી પુરુષો હાજરી આપવા આવતા, આવતા તે પણ જૂથબંધીવાળા આવતા અને એ એકબીજાના ભૂતકાળના દોષોની ચર્ચામાં વધુ રાચતા, ને એક જ ફરિયાદ કરતા : ‘અત્યાર સુધી જે ઓ વૈશાલીને અપરાજિત રાખ્યાનો ગર્વ લેતા રહ્યા છે, તેઓને યુદ્ધ મોકલો. ભલે એ જીતે, આ વખતે અમે ઘેર રહીશું.’
સંથાગારમાં આ રીતે વાતો થતી, ત્યારે સંથાગારની બહાર પ્રેમીસમાજ પોતાનો પક્ષ લઈને ખડો હતો. એ કહેતો હતો કે ‘ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધની અહિંસાને અભડાવશો મા ! અમે શસ્ત્ર મૂકીને શત્રુ સામે જવા માગીએ છીએ. યુદ્ધ એ તો નરી પશુતા છે ! અને પ્રેમીસમાજ પશુતાનો વિરોધી છે ! અરે, સાચા શુરવીરો તો એ છે કે જે પોતે બીજાને હણતા નથી, પણ પોતાની જાતને હણાવા દે છે ! સાચા સિદ્ધાંતપાલક એ છે કે જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે, પણ સિદ્ધાંતથી ચલિત થતા નથી. વૈશાલીની સંસ્કારિતાની આજે સાચી પરીક્ષા છે. તજી દો શસ્ત્રો અને નિઃશસ્ત્ર સેનાને મેદાને મોકલો !'
આ પક્ષમાં વેગથી ભરતી થઈ રહી હતી. તેઓની ટુકડીઓ તૈયાર થવા લાગી હતી, પણ આમાં ગણનાયક ચેટકે વિરોધ દાખવ્યો. એમણે કહ્યું: ‘તમે યુદ્ધ છોડી દો છો, પણ મનમાં કાયરતા સ્વીકારીને ! જેમ ગૃહસ્થ અને સાધુના ધર્મો જુદા છે, એમ ધર્મકારણ અને રાજકારણની અહિંસા પણ જુદી છે. યુદ્ર સ્વાર્થ માટેની લડાઈ તજી દો, અને દેશ માટે સ્વાર્પણ કરવા તૈયાર થાઓ.’
ચેટકની આવી વાતોએ પ્રેમીસમાજમાં ખળભળાટ મચાવી મૂક્યો. મુનિ વેલાલે પ્રેમીસમાજમાંથી રાજીનામું મૂક્યું : “કાં, ચેટક, કાં હું; સિદ્ધાંતદ્રોહ નહીં ચાલે.” અને મુનિ વેલાકૂલ પ્રેમીસમાજથી છૂટા થઈ સાધના માટે ક્યાંય ચાલ્યા ગયા.
વિખવાદ D 287