________________
વર્ષકારનો ન્યાય અગમ્ય બની ગયો. પણ એ ન્યાય સમર્થ લોકોમાં ભારે ખટભળાટ મચાવતો.
એક સામંત પર આક્ષેપ આવ્યો કે એણે રાજનિધિમાં કંઈક કપટ કર્યું છે. રાજનિધિમાં કપટ કરવું, એ ભયંકર ગુનો હતો. સંથાગારમાં એની ઉગ્ર ચર્ચા ચાલી. કપટ કરનારના પક્ષકારોનું એક જૂથ જામ્યું. અને કપટ કરનારના પ્રતિપક્ષીઓનું બીજું જૂથ જામ્યું. બંને જૂથ બળવાન હતાં. એમનો ન્યાય કોણ કરે ? વૈશાલીના ભદ્રજનોનું એમાં ગજું ન રહ્યું ! છેવટે એનો ન્યાય તોળવાનું કામ મહામંત્રી વર્ષકારને સોંપાયું. બીજું ગમે તે હો, પણ એટલું નક્કી હતું કે વર્ષકાર વૈશાલીના નહોતા, એટલે એમને કોઈ પક્ષ સાથે અંગત સંબંધ નહોતો; નિષ્પક્ષ ન્યાય જો કોઈ તોળી શકે તો વર્ષકાર જ તોળી શકે !
પણ, ન જાણે કેમ, વર્ષકારને ન્યાય તોળવામાં ખૂબ જ લાંબો સમય લાગ્યો; પણ છેવટે ચુકાદો અદ્ભુત આપ્યો. મંત્રી વર્ષકારે ચુકાદો આપતાં કહ્યું : ‘રાજ્યનો ખજાનો એ પ્રજાનો છે. એ નિષ્કારણ ઓછોવત્તો ન થાય, એની ચોકીદારી કરવી એ દરેક પ્રજાજનની ફરજ છે. એવી ફરજ જેણે બજાવી એ ધન્યવાદને પાત્ર છે. તેઓને આ રકમમાંથી થોડીક રકમ બક્ષિસ કરવી.
‘અને રાજ્યનો ખજાનો પોતાનો સમજી જેણે થોડા સમય માટે પોતાની પાસે રાખ્યો ને પછી વ્યાજ સાથે પાછો આપ્યો, એ કંઈ અપરાધી ન લેખાય. અલબત્ત, એણે એ ખજાનો પોતાનો ધારી પોતાના માટે વાપર્યો, એ સાચું છે. પણ હવે એ પાછો સોંપે છે. એટલે આમાં એક વિશાળ રાજકીય ભાવના જ સમાયેલી છે.’
આ ચુકાદા પછી બંને પક્ષો વર્ષકારને પોતાનો સમજવા લાગ્યા. તેઓ તેને પોતાના બધા પ્રસંગોમાં નોતરવા લાગ્યા; પોતાના કજિયાઓમાં મધ્યસ્થ કરવા લાગ્યા. પોતાના મહાજનમાં, પોતાના પંચમાં, પોતાના ન્યાયમાં વૈશાલીજનોનો વિશ્વાસ ન રહ્યો અને દરેક સ્થળે વૈશાલી બહારની વ્યક્તિની નિમણૂક થવા લાગી. અને જુદાં જુદાં જૂથો વચ્ચે એ વ્યક્તિઓ માનભરી રીતે સ્થાન પામી રહી.
ન
વર્ષકારે બહારના જુદા જુદા બુદ્ધિવાળા પુરુષોનું એક મંડળ સ્થાપ્યું. ને વૈશાલીના ગણતંત્રની ખ્યાતિ સાંભળીને રાજકુમારો અને શ્રેષ્ઠીકુમારો અભ્યાસ માટે ત્યાં આવવા લાગ્યા ! વૈશાલીએ જૂના દેવો સાથે કેટલીક જૂની આર્ય વિદ્યાઓનો તિરસ્કાર કર્યો હતો; એ વિદ્યાઓનું અધ્યયન-અધ્યાપન કરવાનું ફરી શરૂ કરવામાં આવ્યું.
મુનિ વેલાલે એક મોટો પ્રેમીસમાજ સ્થાપ્યો હતો, જે સંસારમાં પ્રેમને જ મહત્ત્વ આપતો હતો. એ સમાજનું મુખ્ય સૂત્ર હતું, ‘શિર લેવામાં નહિ પણ શિર દેવામાં મહત્તા છે.’ અને આ સમાજના અનુયાયીઓ ક્ષમાશીલ ને ઉદાર ભાવનાવાળા રહેતા; જે બીજાને જોઈએ એ પોતાને ન જોઈએ – એ સિદ્ધાંતમાં માનનારા હતા. 280 D શત્રુ કે અજાતશત્રુ
જો કોઈ કૂતરું કરડવા આવે તો તેઓ દૂર નાસી જવાને બદલે સામો પગ કે હાથ ધરી દેતા !
આ સમાજને એક સાધુએ ખૂબ મહત્ત્વ આપ્યું. એ સાધુ મુનિ વેલાલના આશ્રમનો હતો. એ એક વાર જંગલમાં થઈને પસાર થતો હતો, ત્યારે એક ભૂખ્યો વાઘ તેના પર કૂદી આવ્યો. સાધુએ કહ્યું, ‘રે પ્રેમી જીવ ! તું ભૂખ્યો છે; એટલે જો મારો દેહ તારા આહારનું-તારા પ્રત્યે પ્રેમ દાખવવાનું કારણ બની શકતો હોય તો લે, સુખે સ્વીકાર !''
સાધુ પૂરા શબ્દો બોલી રહે, એ પહેલાં તો વાઘે એના દેહને જડબામાં પકડી લીધો ને નિરાંતે એના લોહીનું પાન કર્યું. લોહીના પાન સુધી તો સાધુ જીવતો હતો અને ખૂબી તો એ હતી કે તેના મોંમાંથી અરેકારનો ઉચ્ચાર સરખો પણ નીકળ્યો નહોતો, બલ્કે મુખ પર જીવનની સાર્થકતાનો આછો મલકાટ પ્રસરી રહ્યો.
આ ઘટનાએ આખી વૈશાલી પર ગંભીર પ્રકારની છાયા પ્રસારી. લોકો છડેચોક કહેવા લાગ્યા, રક્ત લે તે પશુ. રક્ત આપે તે દેવ ! યુદ્ધસંઘમાં જોડાઈને પશુ બનવાથી શું વળ્યું ? અમે પ્રેમીસમાજના સભ્ય થઈશું. અમે તો અમારી દેહ શત્રુને સમર્પીને દેવ થઈશું !'
વાઘની ક્ષુધા તૃપ્ત કરનાર મુનિની ઠેર ઠેર મૂર્તિઓ મૂકવામાં આવી, અને મુનિ વેલાલે એ મૂર્તિઓનું સ્થાપન કર્યું ! મૂર્તિઓનું ઉત્થાપન કરનારે જ આ મૂર્તિઓ સ્થાપન કરી. આ મહિમા સહુને અગમ્ય રહ્યો, ને જે અગમ્ય રહે તેનું આકર્ષણ હંમેશાં વધારે હોય છે.
પ્રેમીસમાજની સર્વશ્રેષ્ઠ એક ફરજ : શત્રુની સામે હિંસાનું એક વચન પણ કાઢવાનું નહિ ! શત્રુને પોતાનો દેહ સસ્મિત સમર્પી દેવાનો, આત્મસમર્પણ દ્વારા વિજય હાંસલ કરવાનો. મરીને માળવો લેવાનો અદ્ભુત મંત્રી !
વૈશાલીમાં આમ અનેક અવનવા જોરદાર પ્રવાહો હસ્તીમાં આવી ગયા. ત્યાં
મંત્રી વર્ષકારે એક દહાડો પ્રગટ કર્યું કે વીરભોગ્યા વૈશાલીની કીર્તિગાથાનું પુસ્તક પોતે આલેખશે અને એ રીતે જગતના ચોકમાં આ મહાનગરી અને આ મહાપ્રજાનાં ગુણગાન કરશે !
આ કાર્ય સાવ નવીન હતું. આજ સુધી બધાંને કર્તવ્ય કરવું અને કીર્તિ ન લેવી, એ ગમતું; પણ હવે જાણે સૌને કીર્તિનો મોહ વળગ્યો : કર્યા કાર્યની કીર્તિ આ રીતે થતી હોય તો જગવિખ્યાત થવું કોને ન ગમે ?’
પણ કીર્તિગાથાની રચનામાં થોડા દહાડામાં એક મહાવિક્ષેપ આવીને ઊભો થયો. અષ્ટ કુળના ક્ષત્રિયો આવી આવીને વર્ષકારને પોતપોતાની વીરગાથાઓ કહેવા લાગ્યા.
* વ્યાપ્રજાતક
ભેદનીતિ D 281