________________
વાહ વાહ ! આનું નામ કલાપ્રીતિ. વાહ વૈશાલી, વાહ ! અને વાહ દેવી સુભગા ! ધન્ય તમારો રાષ્ટ્રપ્રેમ !'
નટીએ વર્ષકાર વિશે ઘણું સાંભળ્યું હતું. એ પોતાનાં વખાણ કરે છે, એ જાણી એ ખૂબ ફુલાઈ ગઈ. એ બોલી : ‘મંત્રરાજ ! કલાકારને દેશ-કાળના સીમાડા હોતા નથી. તમે દેવ છો. તમારી આગળ ખોટું નહિ બોલું. ઘણી વાર મંત્રણા માટે ખાસ ખાસ વ્યક્તિઓને હાજર કરવાની હોય ત્યારે નિમંત્રણ સાથે મારા નગ્ન નૃત્યની જાહેરાત પણ મોકલવી પડે છે.’
‘નગ્ન નૃત્ય ? એના પર કાયદાનો પ્રતિબંધ નથી ?'
‘જરૂર છે. પણ જ્યાં નિયમ છે, ત્યાં અપવાદ પણ છે. અવસરે કાયદામાં છૂટ મળી રહે છે. કાયદો કોઈ અવિચળ વસ્તુ નથી. સિદ્ધાંત સમય સાથે પલટાય છે.’ ‘વાહ, વાહ ! અમારા જુનવાણી લોકો તો માને છે કે સમય પલટાય, પણ સિદ્ધાંત ન પલટાય.' ને વર્ષકારે મોટેથી હાસ્ય કર્યું.
અતિથિશાળાના એક ખંડમાં આમંત્રેલા આગંતુકો ક્યારના આવી ગયા હતા, ને નટીને ન જોતાં આકળા થઈ બૂમાબૂમ કરતા હતા.
બાળકોને રડતાં જોઈ માતા દોડે તેમ સુભગા ત્યાં દોડી ગઈ. થોડીવારમાં કોલાહલ શાંત થઈ ગયો.
ઘૂંઘરુનો નાદ હવામાં ગુંજી રહ્યો.
262 7 શત્રુ કે અજાતશત્રુ
36
રાજનીતિના પ્રકારો
વૈશાલીની રાજનીતિ માટે એ દિવસ ભારે ઉત્સાહજનક હતો. જ્યારે મગધની સેના ધીરે ધીરે વૈશાલીની સરહદો દબાવી રહી હતી, એવે વખતે મગધનો મહામંત્રી દેશનિકાલ થાય, વૈશાલીની સીમામાં આવી આશ્રય માટે યાચના કરે, અને મિત્રતા માટે હાથ લાંબો કરે ત્યારે શું સમજવું ? શું ધારવું ?
વૈશાલીનાં પ્રભાવશાળી જૂથો મહામંત્રીને આશ્રય આપવામાં ગણતંત્રની ઉદાર નીતિનો વિજય જોતાં હતાં.
લોકસેવક મુનિ વેલાકુલે પોતાના જ્ઞાન દ્વારા જણાવ્યું હતું કે આ પ્રકારે મંત્રીનું મળવું એ માનસ્તૂપને ઉખેડી નાખ્યાનું ફળ છે; નહિ તો મગધમાં આ રીતે અંદરોઅંદર ફાટફૂટ ન પડે. કુસંપ એ સર્વનાશનું પહેલું પગથિયું છે. મગધ પોતાના ભારથી જ ભાંગી પડશે.
બીજો પક્ષ હતો તો લઘુમતીમાં, પણ રાજનીતિ વિશે જુદા દૃષ્ટિકોણ-વાળો હતો. એ માનતો હતો કે રાજકારણમાં વિશ્વાસુનો પણ અતિ વિશ્વાસ ન કરવો, એમ કહ્યું છે, તો અવિશ્વાસુનો વિશ્વાસ તો કરાય જ કેવી રીતે ?
બંને પક્ષો પોતપોતાની તૈયારીઓ કરીને આવ્યા હતા. બહુમતી પક્ષ પોતે માની લીધેલી વાત માટે વિશેષ વિચારણા કરવા તૈયાર ન હતો. એ માત્ર ગણતંત્રની અપાર કીર્તિને જોતો હતો. એ તો ગુંજતો હતો કે કીર્તિ કેરાં કોટડાં પાડ્યાં નવ પડંત ! ગમે તેમ કરીને કીર્તિ સાચવો !
લઘુમતી પક્ષ કહેતો હતો કે રાજનીતિ કે જેમાં તમામ પક્ષો પોતપોતાના સ્વાર્થની રીતે વિચારે છે, ને આચરે છે, એમાં મનુષ્ય જાગ્રત રહીને વર્તવું ઘટે. રાજનીતિમાં ભોળપણ એ દોષ છે, મૃત્યુ છે, વિનાશ છે !
સંથાગારમાં નિયત સમયે પરિષદા મળી. કાર્ય-સંચાલન શરૂ થયું. આ વખતે