________________
જય વૈશાલી ! જય ગણતંત્ર !' બધેથી પોકારો ઊઠ્યા : ‘આ રાજવીઓના માંડવા પોતાના જ ભારથી બેસી જશે, એમ ને એમ ખતમ થશે ! અરે સુકાલ ! સંદેશ તો સુંદર છે, પણ થોડી વિશેષ વિગત આપ !' લોકો બોલ્યા.
મગધરાજ અજાતશત્રુ વૈશાલી પર યુદ્ધ લાદવા માગતા હતા, પણ મહામંત્રી વર્ષકારે એમાં નકાર ભણ્યો.' દૂતે કહ્યું.
વર્ષકાર વૈશાલી નિહાળી ગયા છે. એના યોદ્ધાઓને, અને એના શૌર્યને એ પિછાણે છે. અરે, એ તો ભગવાન બુદ્ધની મુલાકાત પણ લઈ ગયા છે. એમના શ્રીમુખે વૈશાલીની અજેયતા જાણી છે. વાજબી છે એમનું વલણ. હાં પછી ?...’ કેટલાક અગ્રગણ્ય પ્રજાજનો આમાં રસ લઈ રહ્યા.
સુકાલ આગળ બોલ્યો, ‘પછી મંત્રી વર્ષકારે મહારાજાને કહ્યું – મગધરાજ તો કંઈ સાંભળવા ઇચ્છતા નહોતા તોય કહ્યું – કે, હું મંત્રી છું. મંત્રીએ પૂછ્યા વગર પણ પ્રિય કે અપ્રિય વાત કહેવી ને પૂછે ત્યારે ત્વરાથી કહેવી. જે મંત્રી રાજાને અપ્રિય કહેતો નથી ને માત્ર મીઠું બોલે છે, એ મંત્રી નથી, રાજનો શત્રુ છે !’ સુકાલસેન વાત કરતો થોભ્યો.
કેટલાકોએ કહ્યું, ‘વાહ મહામંત્રી, વાહ ! આપણે ત્યાં પણ આવા થોડાક ડાહ્યા મંત્રીઓ હોય તો...'
‘તો શું આપણે ત્યાં ડાહ્યા મંત્રીઓ નથી ?' સામેથી પ્રશ્ન આવ્યો. અહીં અભિપ્રાય સહેલાઈથી આપી શકાતો, ને અભિપ્રાય આપનારને પોતાના બોલનો તોલ કરી આપવાની જરૂર ન રહેતી; ઘણી વાર બોલવા ખાતર જ બોલાતું. અહીં વચન રતન રહ્યું નહોતું ને મુખ કોટડી રહી નહોતી; મેદાનની ધૂળ બન્યું હતું – ઉડાડો જેટલી ઉડાડાય તેટલી.
‘ભાઈઓ ! આવા સારા સમાચાર સાંભળતી વખતે આ વિવાદ ન શોભે.’ કેટલાકોએ વચ્ચે કહ્યું.
‘આપણે ત્યાં વિવાદ કે વિરોધમાં જરાય જોખમ નથી, પણ રાજાશાહીમાં તો પૂરેપૂરું જીવનું જોખમ છે. મહામંત્રી વર્ષકારે રાજાને જાનની પણ ફિકર કર્યા વગર કહ્યું કે બળવાનની સાથે વિગ્રહ ન કરવો જોઈએ. અને વળી હમણાં અહિંસાથી પુષ્ટ થયેલો એ દેશ છે. હિંસામાં કુશળ લોકોના દેહ ભલે મજબૂત હોય છે, પણ મસ્તિષ્ક તો અહિંસાવાળાનાં જ મજબૂત હોય છે. અને છેવટે તો મસ્તિષ્ક જ મેદાન મારી જાય છે. માટે વૈશાલી સાથે સંધિ રાખવી યોગ્ય છે. એ દેશ લડાઈ આપ્યા વગર પણ બીજા દેશોને જીતી શકે છે. અને એને જીતનારને ગર્વ નહિ પણ શરમ મળે છે !' ‘શાબાશ વર્ષકાર ! ખરો સત્યવાદી મંત્રી !' બધેથી ધન્યવાદના પોકારો 250 7 શત્રુ કે અજાતશત્રુ
ઊઠ્યા, ‘પછી રાજાએ શું કહ્યું ?'
‘રાજા બિચારો શું કહે ? રાજા જેવું જ કહે ને ! રાજાએ પૂછ્યું કે વૈશાલી પરના યુદ્ધને કોણે થંભાવ્યું ?” મંત્રી કહે,’ ‘મેં’
રાજા કહે, ‘કોની આજ્ઞાથી ?
મંત્રી કહે, ‘રાજનીતિની આજ્ઞાથી; રાજ્યના ભલા માટે.’
રાજા કહે, ‘પણ રાજનો માલિક તો હું છું.’
વર્ષકારે કહ્યું : “પણ તેથી રાજ્યને હાનિ પહોંચે એવું કોઈ કામ તમે કરી શક્તા નથી.’ રાજા કહે, ‘અરે, રાજ્ય મારું અને તું તો મારો નોકર !'
મંત્રીએ કહ્યું : ‘આપનો નોકર એ સાચું, પણ આપ અને હું બન્ને રાજ્યના નોકર. સામ્રાજ્યના અહિતમાં મારાથી જેમ વર્તી ન શકાય, એમ આપનાથી પણ વર્તી ન શકાય.'
‘વાહ ભાઈ, વાહ ! ખરી જામી ! અરે, રાજાશાહીના આ પોલા માંડવા પોતાના ભારથી જ આખરે નમી જવાના.’ વૈશાલીના લોકોએ વચ્ચે પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો.
સુકાલસેને કહ્યું : ‘પછી કોપિત રાજાએ કહ્યું : ‘અરે ! પગાર મારો ખાય છે ને મારા સામે બોલે છે ?'
વર્ષકારે કહ્યું, ‘રાજન્ ! હું અને તમે, આપણે બન્ને રાજ્યનું ખાઈએ છીએ. એક રીતે આપ અને હું બંને રાજ્યના અને પ્રજાના નોકર એટલે કે સેવક જ છીએ !’ રાજા કહે, ‘મને સેવક કહે છે ? હું સેવક નથી, હું તો રાજા છું.'
વર્ષકારે હિંમતથી કહ્યું, ‘રાજા તો અનેક આવ્યા અને અનેક ગયા. રાજા નશ્વર છે. રાજ્ય અનશ્વર છે.’
‘જય મહામંત્રી વર્ષકારનો !' વૈશાલીના પ્રજાજનોમાંથી જયજયકાર ઊઠ્યો. સુકાલર્સને પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું :
‘આ સાંભળીને રાજા તો આગનો ભડકો થઈ ગયો. એણે કહ્યું, રે દુષ્ટ ! મારા રાજ્યમાં રહેવું ને મારું જ અપમાન ! તને મેં ભગવાન બુદ્ધ પાસે મોકલ્યો એ જ ભૂલ કરી. ભગવાન બુદ્ધે વૈશાલીને અજેય કહી, એટલે તેં અજેય માની લીધી. પણ વીરો તો પોતાની વીરતાથી વસુધાને તો શું, સ્વર્ગને પણ જીતે છે. હે વર્ષકાર ! તું બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ અવધ્ય છે એટલે શું કરું ? બીજો કોઈ હોત તો અહીં ને અહીં એનું માથું ધડથી અલગ થયું હોત.'
વર્ષકાર વૈશાલીમાં – 251