________________
કોના મનમાં યુદ્ધ ઘૂમે છે ?”
‘વૈશાલીના મનમાં.’
‘જૂઠી વાત. વૈશાલીનો હરએક પ્રજાજન સ્વતંત્રતાનો સૈનિક છે. એ માતૃભૂમિ માટે મરવું ધર્મી લેખે છે. અને આટલા વિશાળ સૈન્યવાળાને અન્ય દેશની ચિંતા શી ?' ‘ભૂલો છો. માણસ કરતાં યંત્ર મહાન છે. આ એક યંત્ર પાંચ હજાર સૈનિકોની ગરજ સારે તેમ છે. મગધ તો ચુનંદા સૈનિકોમાં જ માને છે. એ બળમાં માને છે,
સંખ્યામાં નહિ.”
‘અરે, એ યંત્રો હું જરૂર જોઈશ.’
‘પણ એ પહેલાં મગધના રાજગુરુ બનવું પડશે.’
‘આવાં અદ્ભુત યંત્રો જોવા ખાતર, અરે, તારા ખાતર, હવે મારે શું ન થવાનું બાકી છે ફાલ્ગુની ? મેં તો મારી નાવ તારા હાથમાં સોંપી છે.’
‘નિશ્ચિંત રહેજો.’ ને ફાલ્ગુનીએ રથ ઊભો રખાવ્યો. બંને એમાં આરૂઢ થઈ ગયાં. રથ ઝડપથી આગળ વધ્યો.
‘આ રથની એક બીજી કરામત હજુ તમે નથી જાણી,' ફાલ્ગુનીએ મુનિને વધુ મુગ્ધ બનાવવા કહ્યું.
‘કેવી કરામત ?’
‘આ રથમાં કોઈ સુંદરીને રાજા જ્યારે હરણ કરીને લઈ જતો હોય, ત્યારે જો પરિચિત હોય તો તો ગીતસંગીતથી મજા કરે, અને જો અપરિચિત હોય તો નાસી છૂટવા પ્રયત્ન કરે. રાજા પણ એને જલદી કૌમાર્યભ્રષ્ટ કરવાની ઇચ્છામાં હોય, એટલે ખૂબ ધમાલ ચાલે. એ ધમાલ બહાર ન સંભળાય માટે અંદર યાંત્રિક સંગીતશાળા ગોઠવેલી છે.'
ને ફાલ્ગુનીએ અંદર લટકતી એક દોરી ખેંચી. તરત વિવિધ પ્રકારનાં વાદ્યો વાગવા લાગ્યાં, ને એના સ્વરો દિશાને ભરી રહ્યા.
‘વાહ, અજબ કરામત !' મુનિ આશ્ચર્યમાં બોલી રહ્યા.
૨થે ઝડપ કરી હતી. ફાલ્ગુની મુનિના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. સંગીત ચાલુ હતું. ફાલ્ગુનીએ એમાં ધીરેથી પોતાનો સૂર પૂર્યો. માછલું પૂરેપૂરું જાળમાં ફસાઈ ગયું હતું. કુશળ માછીમાર ચાહે તો તેને આંગણાના જલકુંડમાં રાખે, ચાહે તો બજારમાં વેચી દામ ખડા કરે !
216 ] શત્રુ કે અજાતશત્રુ
30
અજાતશત્રુની નગરીમાં
સમયનાં નીર કેટલાં વહી ગયાં !
આપણે ઘણે સમયે મગધના પાટનગરમાં પાછા ફરી રહ્યા છીએ. પાટનગર પણ એ રહ્યું નથી અને માણસો પણ એ રહ્યા નથી. મહાપુરુષો ને મહાસાર્થવાહો પણ હવે અહીં બહુ આવતા-જતા નથી. ચંપાનગરી ચંપાના વૃક્ષ જેવી છે. એમાં રૂપ, રસ, ગંધ ને સ્પર્શ બધું છે, પણ કોઈ ભ્રમર એની પાસે ફરકતો નથી !
જાણે સિંહોએ આ માર્ગે સંચરવું છોડી દીધું છે. ન જાણે ક્યાં ક્યાંથી આવીને ખૂની વરુઓએ અહીં બોડો નાખી છે. ને પંચતંત્રના બે પ્રપંચી શિયાળો-દમનક ને કરટક જેવાં શૃગાલો-અહીં સ્વાર્થ સાધના માટે આંટાફેરા મારી રહ્યા છે ! પણ એ શૃગાલોમાં હજી બે ચાર સિંહ બેઠા છે, એમ કહેવાતું. એક સિંહ તે રાજા અજાતશત્રુ; બીજા, કૂટનીતિજ્ઞ મહામંત્રી વસકાર; ત્રીજા, યોગસિદ્ધિવાળા મહાભિખ્ખુ દેવદત્ત ! અને ટોળાં તો ઘેટાંનાં હોય, સિંહનાં નહિ !
આ સિંહોએ સુપ્રસિદ્ધ ગણતંત્રો સામે જેહાદ જગાવી છે, ને એ જેહાદ માટે જેમ રાજગૃહીથી રાજધાની બદલી ચંપાનગરીમાં આણી છે, તેમ મગધપતિએ પોતાનું નામ અશોકચંદ્ર બદલીને પોતાનું બિરુદ ‘અજાતશત્રુ' રાખ્યું છે ! અજાતશત્રુના નામમાં જ શત્રુને પડકારનો ઘોષ છે !
મગધપ્રિયા મહામુનિ વેલાકુલને લઈને પોતાના અરીસાભવનમાં આવી, ત્યારે એનો ઠસ્સો જુદો જ થઈ ગયો. જાણે વન-જંગલની એ હરિણી મહાનગરની મેના બની ગઈ. મુનિને પહેલી તકે લાગ્યું કે પોતે કોઈ મહા સમ્રાજ્ઞીના અંતરભવનમાં પ્રવેશ્યા છે. લોકસેવક મુનિએ વૈશાલીનાં મહાલયો નીરખ્યાં હતાં, પણ આ ઠાઠ અને આ ભપકો ત્યાં પણ જોયો નહોતો.
અનેક દાસ-દાસીઓ ત્યાં હાજર હતાં, પણ ક્યાંય રવ નહોતો. એમના