________________
ઘવાયેલા પગે નાસીને પણ એ કેટલો નાસે ! એણે વનપ્રદેશમાં ટૂંકાં ટૂંકાં ચક્કરો લેવા માંડ્યાં. આ પ્રદેશના બિનઅનુભવી મહામંત્રી એ રીતે જરા પાછળ પડ્યા, પણ એ વખતે એમને ખાતરી થઈ ચૂકી હતી કે સૈનિકોએ આખી ડુંગરમાળ ઘેરી લીધી હશે. તમામ વાવ, નદીઓ ને પુષ્કરણીઓ પર પહેરા બેસી ગયા હશે. પલ્લીવાસીઓના ગુપ્ત કૂવાઓમાં કેફી પદાર્થો નખાઈ ગયા હશે. જરા વહેલા કે જરા મોડા પણ રોહિણેયને પકડાયા સિવાય છૂટકો નહોતો.
છૂટો પડેલો રોહિણેય વનને વીંધતો હવે જરા સમથલ ભૂમિ પર આવ્યો હતો. ધોમ ધખતો જતો હતો. પગમાં અસહ્ય વેદના જાગતી જતી હતી. એણે ચારે તરફ દૂર દૂર જોયું. મહામંત્રી પાછળ રહી ગયા લાગ્યા : દુમન લેખી શકાય તેવું કોઈ ત્યાં ન દેખાયું.
“હાશ !'' કહીને રોહિણેય નીચે બેસવા ગયો. ત્યાં એને કાને કોઈ મધુરા અવાજ સંભળાયો. આકાશના પટ પરથી હવામાં લહેરી લેતી કેટલીક જયગર્જનાઓ પણ સંભળાઈ :
જ્ઞાતપુત્રનો જય !''
અરે, પેલા ઠગારા જ્ઞાતપુત્રની વાણી ! હત્તારીની ! આવે કવખતે આ અપશુકન ક્યાં થયાં ? એણે તરત પોતાના કાન પર જોરથી હાથ દાબી દીધા.
પગમાં અસહ્ય વેદના જાગી હતી. ઝનૂનપૂર્વક દોડવામાં તો કંઈ ભાન નહોતું રહ્યું; પણ હવે જાણે એક ક્ષણમાં પગ થાંભલા જેવો થઈ ગયો હતો. છતાંય કેમ થોભાય ! આ તો સિદ્ધાંતનો સવાલ ! એણે કાયર થતા પોતાના દિલને મુંગો ઠપકો આપ્યો :
યાદ છે ને પૂજ્ય શિરછત્ર દાદાની એ મૃત્યુપળો ? એ વેળાની આજ્ઞા ? સ્મરણમાં છે ને બધાની વતી પોતે લીધેલી પ્રતિજ્ઞા ? અરેરે ! એ જ્ઞાતપુત્રની વિરુદ્ધ કશુંય થઈ શક્યું નહિ ! એના પરમ ઉપાસકોને પણ હું હાનિ પહોંચાડી શક્યો નહિ ! એને અત્યારે એક પગ ખાતર પ્રતિજ્ઞાનો ભંગ કરું ? પગ તૂટી પડે તોપણ શું ?” એણે કાન પર સખત રીતે હાથ દાબીને આગળ વધવા ઇચ્છવું, પણ યોદ્ધો આજે લાચાર બન્યો હતો. પગ જ ન ઊપડ્યો.
ફરીથી એણે એ રીતે કાન પર હાથ રાખી આગળ વધવા પ્રયત્ન કર્યો, પણ શરીર પાસે મનને નમવું પડ્યું. વખત વીતતો જતો હતો, એમ પીછો પકડનારા પણ નજીક આવી પહોંચવાની સંભાવના વધતી જતી હતી.
નિરુપાયે, પોતાના આવા કમજોર શરીરને ધિક્કાર આપતો રોહિણેય નીચે બેસી ગયો ને જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશાના તરફ હાથ મૂકી પગમાંથી તીર કાઢવા લાગ્યો. પણ તીર તો બે પગની બાજુ આરપાર નીકળ્યું હતું.
170 3 સંસારસેતુ
એક હાથે ખેંચી શકાય તેમ ન લાગ્યું.
આખરે એણે બે હાથે કાઢવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો જે અવાજ નહોતો સાંભળવો એ જ અવાજ કાન પર અથડાવા લાગ્યો. કેવો અવાજ !
હવામાં રહેતા આવતા નીચેના શબ્દો એના કર્ણપટલ પર અથડાયા :
મહાનુભાવો, સત્કર્મ કરનાર દેવપદને પામે છે. દેવોનો રાજા ઇંદ્ર છે ને તે વર્ગમાં રહે છે. દેવો કેવા હોય છે; તે જાણો છો ? તેમના ચરણ પૃથ્વીને કદી સ્પર્શ કરતા નથી; તેમનાં નેત્રો કદી ઉઘાડમીચ થતાં નથી; એમની પુખ-માળાઓ કદાપિ કરમાતી નથી અને એમનો દેહ પ્રસ્વેદથી રહિત હોય છે.”
હાશ !” એક મોટા હાશકારા સાથે એણે તીર ખેંચી કાઢચું, ઊભો થયો ને વેગથી દોડ્યો. આટલા શબ્દો એનાથી મનેકમને સાંભળી લેવાયા હતા. એનો અત્યંત પશ્ચાત્તાપ તેના દિલમાં ઊભરાઈ આવ્યો :
અરેરે ! મેં કુળ બોળ્યું ! મારાથી વિશેષ કંઈ કરી શકાયું નહિ, અને વધારામાં શિરછત્ર દાદાની સામે લીધેલી પ્રતિજ્ઞા પણ તોડી ! સ્વર્ગમાં બિરાજેલ દાદા ન જાણે મારા પર કેવો શાપ વરસાવતા હશે !” રોહિણેય આકાશ સામે ક્ષણવાર મીટ માંડી રહ્યો ને પછી જાણે કોઈનો ઠપકો સાંભળી પોતે ગ્લાનિ પામતો તેમ જોરથી નાઠો. ન એણે ઊંડા ઘાને પૂરવા વનસ્પતિ શોધી કે ન એણે પાટો વીંટટ્યો.
સૂરજ પોતાનાં આગના ભડકા જેવાં કિરણોથી બધે ઉકળાટ ફેલાવી રહ્યો હતો. ભૂખ્યો ને તરસ્યો ઘાયલ રોહિણેય આ ટેકરીથી પેલી ટેકરીએ અને આ ગુફાથી બીજી ગુફાએ નાસતો હતો. શિકારી પશુ જેમ હવામાં લાંબો શ્વાસ લઈ ભય પારખી લે, એમ રોહિણેય પોતાની પાછળના ભયને પારખી ગયો હતો.
પણ આજે એને નિરાશા ઘેરી વળી હતી. પ્રતિજ્ઞાભંગનું અત્યંત દર્દ એના દિલમાં ખડું થયું હતું. જે શરીર પર પોતાને અભિમાન હતું, એણે જ દગો દીધો ! પોતાના વફાદાર અશ્વ જેટલીય હિંમત એણે ન બતાવી. આવા શરીર પર શો ભરોસો ! ને એ રીતે એ સ્વયં પોતાની જીવન-આલોચના કરવા લાગ્યો. દાદાએ વસાવેલી સુંદર પલ્લી ક્યાં ? પોતાના વફાદાર સાથીદારો આજે મગધના કારાગૃહમાં સડે છે ? ને પોતે ?
‘પોતે એટલે ? હું ?” ક્ષણભર રોહિણેય ખુમારીમાં ચડી ગયો : “અરે હું એટલે ? મારા નામથી તો સગર્ભાના ગર્ભ ગળી જાય છે ને યોદ્ધાઓના હાથમાંથી તલવાર સરી જાય છે ! રાજગૃહીને લૂંટવાનું મહામૂલું કામ કરનાર રોહિણેય કેટલાની ને કોની માએ જણ્યા છે ? મગધરાજ ને મહામંત્રી જેવાના બુદ્ધિબળની હાંસી કરનાર બીજો કોઈ નર તો બતાવો !” પણ એટલામાં વિચારમાળા પલટાણી. જાણે એનું મન જ એને કહેવા લાગ્યું :
કોણ સાચું ? 1 171