________________
ને, તો આવો જ લગ્નોત્સવ રચત. અરે, પુત્ર નહિ ને એકાદ પુત્રી પણ હોત ને, તોય મેતાર્ય જેવો વર શોધી લાવત !"
“તારી દીકરી ને મેતાર્ય જેવો ?" વિરૂપાએ માતંગની મનની સ્થિતિ પારખી લીધી. એણે જરા કટાક્ષ કર્યો.
“વિરૂપા ! ગાંડો નથી થયો. બાકી, હવે વાતો ગમે તેટલી કરું તેથી શું વળે ? વિદ્યા ને રૂપ બે હોય તો આજે કુળ તો ખાંડ ખાય છે ખાંડ ! પણ હવે એવી વાતો આપણને બંધ કરવી શોભે."
“શા માટે ?”
પેલા વેદપાઠી કહેતા હતા કે અપુત્રીયા માણસને નરક મળે છે. એણે જીવતાં પ્રાયશ્ચિત્ત કરવું પડે !”
“ત્યારે તો બ્રહ્મચારીઓની દુર્ગતિ એમ ને ?”
ના, ના, આ તો પરણેલાની વાત છે.” “પરણેલામાં આપણા પરમ પ્રભુ ! બોલ, છે કંઈ જવાબ ?”
માતંગ એકદમ ઊંડી વિમાસણમાં પડી ગયો. એ થોડીવારે બોલ્યો : “વિરૂપા, હું ગાંડો થયો છે, એ વાત જાતે જ કબૂલ કરી લઉં છું. અહા, હું અંધકાર રાખતો હતો કે પરમ પ્રભુના સિદ્ધાંતો બરાબર લક્ષમાં રાખું છું, પણ એ મારું અભિમાન આજે મેતાર્યને જોઈ ગળી ગયું. પણ એક વાત ચોખ્ખી કહી દઉં, વિરૂપા ! ગમે તેમ પણ પુત્રની વાત સાંભળી મને કંઈ કંઈ થઈ જાય છે, જીવતો કે મરેલો એક પુત્ર હોત ને તોય...” અને માતંગ વિચારમગ્ન બની પરસાળમાં જ નાની એવી માટીની પાળીના ટેકે બેસી ગયો.
શાન્ત અને સ્વસ્થ બની બેઠેલી વિરૂપાને પતિપ્રેમે પુનઃઅસ્વસ્થ બનાવવા માંડી. એણે વિચાર કરવા માંડ્યો કે માતંગને હવે બીજી માયા તો નથી, ત્યારે ભલે એ પણ રહસ્ય જાણી લે !
અને પતિપ્રેમમાં ભાન ભૂલેલી વિરૂપા વીસરી ગઈ કે જે વાત પર એ ભૂતકાળનો વજપડદો પાડવા ઇચ્છતી હતી એ જ વાત પોતાને હાથે સજીવ બનતી જાય છે. એ ધીરેથી માતંગની નજીક સરી અને એના લાંબા કેશ ઉપર હાથ ફેરવતી અત્યંત વહાલથી બોલી :
માતંગ, કાન ખોલીને સાંભળી લે. તારે પુત્ર છે. જીવતો છે. બસ, હવે દિલની બેચેની ટાળી દે !”
વિરૂપા, છોકરાને ફોસલાવવા બેઠી છે ?"
ફોસલાવતી નથી, તારે પુત્ર છે, અને તે પણ આ જ, જેને તું જમાઈ બનાવવા ચાહે છે.”
148 D સંસારસેતુ
વિરૂપા, સંસારમાં દ્રવ્ય ઉધાર લાવી શકાય છે, પુત્ર નહિ ! કદાચ મેતાર્યને આપણો પુત્ર બનાવીએ, પણ ભલા ધનદત્ત શેઠ પાસે ઉધાર આપી શકે એટલી પુત્રસંપત્તિ જ ક્યાં છે ? મને ઘેલો ન બનાવ !'
હું ઘેલો નથી બનાવતી, મારા નાથ ! એક અક્ષમ્ય અપરાધનો એકરાર કરવા બેઠી છું, માતંગ, એ મારો અપરાધ સાંભળી તારી સૂધબૂધ ગુમ થઈ જશે. તારું લોહી પળવાર ઊકળી જશે. બોલ, મને માફ કરીશ ?”
વિરૂપાનાં મોટાં સ્વચ્છ સ્ફટિકશાં નયનોમાં આંસુ ઊભરાયાં હતાં.
વિરૂપા, તને માફ ?" વિરૂપાના પડી ગયેલા ચહેરાને જોઈ વ્યગ્ર બની ગયેલ માતંગે એકદમ એને પાસે ખેંચી. “વિરૂપા તારો અપરાધ ? વિરૂપા અને વળી અપરાધ ? મારી વિરૂપા કંઈ સંસારમાં શોધી જડે એમ છે ? કોઈ દહાડો નહિ ને આજે આવી મને મૂંઝવનારી વાત કેમ ?”
મેં તારો ભયંકર અપરાધ કર્યો છે.” “મારે મન અપરાધ પણ અંતરનું વહાણ બનશે.” “તો સાંભળી લે ! મેતાર્ય તારું સંતાન છે !”
ચિત્તભ્રમ તો નથી થયો ! ને માણસ નબળું થાય ત્યારે આવા જ ચાળા સૂઝે છે. ગાંડી, લોકો સાંભળશે તો હાંસી કરશે.”
“કરવા દે, પણ તને સ્પષ્ટ કહું છું કે મેતાર્ય તારું સંતાન છે. આપણા નેહજીવનની એ પહેલી ને છેલ્લી યાદ છે.”
“મેતાર્ય આપણું સંતાન ? અસંભવ જેવી બીના !'”
આમ આવ, માતંગ ! તને આખો ઇતિહાસ સંભળાવું, પછી તારે જે શિક્ષા કરવી હોય તે કરજે ! હું સુખેથી રહીશ.'
ઊંચી પરસાળની આડમાં બે જણાં અડોઅડ બેસી ગયાં. વિરૂપાએ ધીરે ધીરે બધી વાત કહેવી શરૂ કરી.
વાત વધતી ચાલી : માતંગને આશ્ચર્ય ને આઘાત લાગી રહ્યા છતાં એ સ્વસ્થ બેઠો રહ્યો. બધી ઘટના વર્ણવીને આખરે પરિસમાપ્તિ કરતાં વિરૂપાએ કહ્યું :
માતંગ, આખો સંસાર પરસ્પરના સમર્પણ, ત્યાગભાવ ને ઔદાર્યથી નભે છે. આપણે સંસારમાં બીજી શી ભલાઈ કરી શકવાનાં હતાં ?”
માતંગ સ્તબ્ધ હતો. આકાશથી વજપાત થાય ને માનવી ઊભો ને ઊભો થીજી જાય તેમ.
“માતંગ, તું મને ગમે તે શિક્ષા કરી શકે છે. તારાથી આજ સુધી ગુપ્ત રાખવા મથતી ઘટનાનો મને હંમેશાં ચાંપતો ભાર તો હળવો કર્યો."
રંગમાં ભંગ 149