________________
વિસ્તૃત પટ પર જીવનકથાનો વધુ ભાગ એકિત કરી રહી હતી.
ધીર ગતિએ મેતાર્ય અશ્વ પાસે આવ્યો ને મંદ ગતિએ તેના પર આરૂઢ થયો. એના મસ્તિષ્ક પર જ્ઞાતપુત્રના વૈરાગ્યની, મંત્રીરાજ અભયના ગાદીત્યાગની અને વિરૂપાના સર્વસ્વત્યાગની વાતો હથોડા મારી રહી હતી.
જગત કેટલું મહાન, ત્યારે પોતે કેટલો શુદ્ર ! બધાંય એક ઉચ્ચ આદર્શની પાછળ ઘેલાં બન્યાં હતાં, ત્યારે એને સંસારસુખનાં, સૌંદર્યપિપાસાનાં, સમૃદ્ધિ-વૈભવભોગનાં સ્વપ્નમાં આવી રહ્યાં હતાં. પણ ભલા, આવી કવેળાએ એને સંતાપ કરાવવાનું વિરૂપાને શું કારણ મળ્યું ? એક માતા થઈને પુત્રના સુખમાં શા માટે નાનો એવો સંતાપનો કીડો સળવળતો કર્યો ?
વિરૂપા પાસે એનો કંઈ ઉત્તર નહોતો, પણ ઉત્સવઘેલું માનવમન એનો ઉત્તર દઈ રહ્યું હતું. કુમાર મેતાર્યના લગ્નોત્સવની છેલ્લા કેટલાક દિવસોથી ઝડપભેર તૈયારીઓ થઈ રહી હતી. મગધરાજ વગેરે જ્ઞાતપુત્ર સર્વત્તપદને પ્રાપ્ત થયા હોવાથી તેમના દર્શને મહસેનવન તરફ ગયેલા હોવાથી તેમના જ આગમનની રાહ હતી. ઉત્સવની તૈયારીઓ દિવસે દિવસે સંપૂર્ણ થઈ રહી હતી.
એ ઉત્સવમાં માતા તરીકે શેઠાણી અગ્રભાગ લેશે. ધનદત્ત શેઠનો સુંદર પુત્ર અશ્વે ચડશે, વિશાળ મસ્તકવાળા, આજાનબાહુ મેતાર્યને જોઈ સહુ માતાપિતા માટે પ્રશંસાનાં પુષ્પો પાથરશે. નગરનાં નારીવૃંદો હોંશભેર શેઠાણીને બિરદાવશે, શેઠનાં પ્રશંસાગીત ગાશે ને મંગળ મંગળ વર્તી રહેશે. એ વખતે વિરૂપાનું સ્થાન ક્યાં ? શેઠાણી કહેતાં હતાં કે એનું સ્થાન અગ્રગણ્ય હશે. પોતાની સાત સાત પુત્રવધૂઓ સહુ પ્રથમ એના ચરણે નમશે. પણ વિરૂપા એ ઇચ્છતી નહોતી.
એ તો પોતાનું સ્વયંનિર્મિત સ્થાન શોધી રહી હતી. એ સ્થાનની શોધ અકારી હતી. એકાદ શેરીના ખૂણે ઊભા રહી. આઘેથી આશીર્વાદ આપવા સિવાય એના ભાગ્યમાં બીજું નિર્માણ નહોતું..
આવી વેળાએ માનવીને પોતાનાની પીડ ઊપજે એ સ્વાભાવિક હતું. એવી પીડથી જ વ્યાકુળ બની એણે આ પગલું લીધું હતું. જગત મેતાર્યને વખાણે, ભેટે, ચૂમે – એ પહેલાં ચૂમવા ને ભેટવા એણે મેતાર્યને બોલાવ્યો હતો.
પણ બોલાવ્યા પહેલાંની ક્ષણો ખૂબ જ કઠિન ને દુઃખદાયક હતી. એમાં ને એમાં શરીરે ઘસાતું ચાલ્યું હતું.
દાંપત્યનો પ્રારંભિક વિકાસ મોટેભાગે સ્કૂલ વાસના પર હોય છે, છતાંય માનવીને ગાલ સદા ગુલાબ લાગતા નથી, ને ઓષ્ટ પરવાળાં સમા ભાસતા નથી. વાસના એક દહાડો થાકે છે, ને ત્યારે દાંપત્યને સદા તાજું રાખવા સંતાનની જરૂર ઊભી થાય છે. એ વેળા સંતાનના ગાલની લાલી અને અધરોનાં પરવાળાં પતિ
1423 સંસારસેતુ
પત્નીની ચર્ચાનાં ને ચુંબનનાં વિષય બને છે.
વિરૂપાના મદભર દેહસૌંદર્ય માતંગને આજ સુધી કશો જ વિચાર કરવા દીધો નહોતો. થોડું ભણેલો, છતાં વધુ ગણેલો માતંગ વિરૂપાના મોં પર ઝૂમતી એક અલકલટ ઉપર પ્રેમગીત ગાવા લાગી જતો. અને એનું જ કારણ હતું કે વિરૂપા માતંગ ઉપર આધિપત્ય રાખતી.
છતાં માતંગને રૂ૫દીવાનો ઠરાવીએ, તો એટલે પણ એકપક્ષી ન્યાય થયો ગણાય. માતંગ મંત્રસિદ્ધોનો રાજા હતો. એના લાંબા વાળ કંઈ વિરૂપાથી ઓછા રૂઆબદાર નહોતા. કાને કુંડલ, હાથે બાજુ બંધ પહેરીને છૂટા કેશે એ ફરતો, ત્યારે સાક્ષાત્ કામદેવનો અવતાર લાગતો. અલબત્ત, મેતની જાત એ વેળા હલકી હતી, પણ વેદમંત્ર સિવાય એ બધું ભણતી, અધિકાર ભોગવતી. એમાં પ્રભુ મહાવીર મળ્યા. ઊંચ-નીચની દીવાલો કડડભૂસ કરતી જમીનદોસ્ત થઈ. મેતોનો બેડો પાર થયો.
વિરૂપા ને માતંગ એવાં ધર્મશ્રેષ્ઠ મેત હતાં. એમનું દાંપત્ય અખંડિત હતું, પણ હવે વાસનાનો થાક લાગ્યો હતો. ઘણી વાર બન્નેના મનમાં થયો કરતું કે આપણો આ મહેલને કોઈ નવા થાંભલાની જરૂર છે. આપણો જીવનમાં રસ પૂરનાર કોઈ નવું તત્ત્વ ઉમેરાવું ઘટે.
દિવસો વીતતા ગયા, પણ એમાંનું કંઈ ન બન્યું. માતંગ કંઈક નિરાશ રહેતો જણાયો. એની નિરાશા દૂર કરવા મેતાર્યને બધો ભેદ કહી દેવા બોલાવ્યો.
પણ આખરે સ્ત્રી તે સ્ત્રી ! એણે શેઠાણીના દિલ પર થનાર વજપાતની કલ્પના કરી અને મેતાર્યને આ રહસ્ય કોઈને ન કહેવાના સોગન સાથે વિદાય કર્યો.
મોહપાશ 143