________________
તો આપણા જેવા લાખો માનવીઓની આંખો ઊઘડી ગઈ છે; આપણને આપણાપણાનું ભાન જાગી ગયું છે. આપણેય માનવી જેવા માનવી જ છીએ. જો હું તને સાફસાફ કહું છું કે, હું કંઈ રોહિણીઓના દાદાથી ડરતો નથી. મારાં બાવડાંનું બળ તું ક્યાં જાણે ? એકલે હાથે એના જેવા ચારને ઠેકાણે પાડી દઉં !” માતંગના અવાજ માં સ્ત્રીની શિખામણીથી ઘવાયેલા પુરુષત્વનો વિજયટંકાર હતો.
બહુ મોટો લડવૈયો ન જોયો હોય તો !” વિરૂપાએ એક એવી ભાવભેગી કરી કે માતંગ ઠરી ગયો. એ હસીને ચાલી નીકળ્યો. એ વિચારતો હતો કે મારી લાઠીમાં માણસને હરાવવાની વિશેષ શક્તિ હશે, કે વિરૂપાની આંખોમાં ?”
- આંબાવાડિયું વટાવી, ગઢની રાંગે રાંગે થઈ માતંગ નગરના સ્મશાન પાસે આવ્યો ત્યારે રાત્રિ પૂરી જામી ગઈ હતી. ગ્રીષ્મ ઋતુનું સ્વચ્છ આકાશ તારલિયાઓથી દીપી રહ્યું હતું. તમરાંઓનો અવાજ અને શિયાળિયાંની લારી સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો નહિ. સ્મશાનમાં તાજી બુઝાયેલી ચિતાઓમાંથી કદી કદી ભડકા નીકળતા હતા.
થોડે દૂર ગંગાનાં નીર ચૂપચાપ વધ્યે જતાં હતાં. આકાશના તારાઓ પોતાનાં નાનાં તેજસ્વી મુખ ગંગાના જળ-અરીસામાં નિહાળી રહ્યા હતા. માતંગ રાજમાર્ગ કાપતો હોય તેટલી નિર્ભયતા ને ચોક્કસાઈપૂર્વક પંથ કાપી રહ્યો હતો. અલબત્ત, એને એ વાતની પૂરી જાણ હતી કે આ પ્રદેશમાં મોટા ફણધર ઉપરાંત વાઘ-વરુ પણ ફરે છે, પણ એને લાઠી ઉપર અને કમર પર રહેલા ઝેર પાયેલા છરા પર પૂરો વિશ્વાસ હતો.
ગંગાને તીરે આવતા માતંગ ક્ષણભર રાત્રિનું ભરપૂર સૌંદર્ય જોવા થંભ્યો. એને હજી થોડું આગળ વધવાનું હતું, કારણ કે પલ્લીમાં પહોંચવા માટેની હોડીઓ થોડે દૂર બાંધેલી હતી. આકાશના તારાઓ બધે ઝાંખો પ્રકાશ વેરી રહ્યા હતા. આ પ્રકાશમાં માતંગની આંખોએ સ્મશાનની થોડે દૂર ઊભેલી એક વ્યક્તિ નીરખી. એ વ્યક્તિ શાન્ત ઊભી હતી. માતંગના મનમાં કંઈ કંઈ કલ્પનાઓ ઊભરાઈ આવી. એણે જોરથી એક ખોંખારો ખાધો, જમીન પર લાઠી ઠોકી, પણ પેલી વ્યક્તિ તો પાષાણની પ્રતિમાની માફક નિસ્તબ્ધ જ ખડી હતી.
પીછો પકડવા પ્રેત-પિશાચ તો આ રૂપ ધરીને નહીં આવ્યું હોય ? માતંગને શંકા ગઈ; હવે એ વાતનો નિર્ણય કર્યા વગર ચેન પડે તેમ નહોતું. એ રસ્તા પરથી જ એને પસાર થવાનું હતું. એણે કમર પરના છરાનો બંધ ઢીલો કર્યો, હાથમાં લાઠી મજબૂત પકડી ને મનમાં મંત્ર જપતો જપતો એ આગળ વધ્યો.
છતાંય પેલી વ્યક્તિ તો પૂતળાની જેમ અડગ જ ખડી હતી : ન હલન કે ચલન ! માતંગ લગભગ નજીક પહોંચી ગયો હતો. ચાલવાની ધીમી ગતિ છોડી હવે
16 [ સંસારસેતુ
એ ઝડપથી એકએક કદમ ઉઠાવીને ચાલતો હતો. પણ આ શું ? પેલી વ્યક્તિ તો હજીય જેવી ને તેવી સ્થિર જ પડી હતી ! નિર્જીવ, નિબંધ, નિચ્ચેતન, સંસારના કોઈ પણ વાતાવરણથી પર !
માતંગ એક હાથે છરા પર ને બીજો હાથ લાઠી પર મક્કમ રાખી આગળ વધ્યો – રખેને નજીક જતાં ઊછળીને એક પ્રેસ કોટે બાઝે ! બે-એક કદમનું છેટું રહ્યું, અને તારાના પ્રકાશમાં જોવા ટેવાયેલી એની આંખોએ તરત નિર્ણય કરી લીધો કે આ વ્યક્તિ કોઈ પ્રેત-પિશાચ નહીં પણ તપસાધના માટે કાયોત્સર્ગમાં ઊભેલા કોઈ મુનિરાજ છે.
વળી, એને શંકા થઈ આવી : ભલા, મુનિરાજને વેશે આ કોઈ ધૂર્ત કાં ન હોય ? પોતાના ભોગની રાહ જોતું કોઈ મેલું તત્ત્વ કેમ ન હોય ? પણ એની શંકા ક્ષણવારમાં દૂર થઈ ગઈ. ચતુર માતંગને પરખી લેતાં વાર ન લાગી કે આ મુનિરાજ તે જ પેલો બાળકુમાર અમર. ચિત્રશાળાના પાયામાં બલિ આવા જેને એની માએ, મુઠ્ઠીભર સોનામહોરો સાટે, વેચેલો તે પોતે જ !
કુમાર, ધન્ય તારા વ્રતને ! ધન્ય તારી અહિંસાને ! માતંગે સાષ્ટાંગ દંડવતું પ્રણામ કર્યા.
રાત વધતી જતી હતી. મધરાતના શીળા વંટોળ હવે ઊઠવા લાગ્યા હતા. આજ તો બધેથી માતંગને મોડું થવાનું લખ્યું હતું. રાજ-ઉદ્યાનમાં સ્નાન કરવા આવનાર રમણીવૃંદે પ્રારંભમાં મોડું કર્યું. ઘેરથી નીકળતાં વળી ડાહ્યલી વિરૂપાએ શિખામણ આપવા રોક્યો ને છેલ્લે છેલ્લે આ બનાવ બન્યો. પણ મોડું થયું તો ભલે થયું, મુનિજનનાં દર્શન તો પામ્યો : આ સંતોષ સાથે માતંગ ઉતાવળે આગળ વધ્યો.
પણ આજની રાત એને માટે જાણે અનેક નવાજૂનીઓ લઈને આવી હતી. એ હજી થોડે દૂર ગયો હશે કે ગંગાના નીરમાં એક નાવડી પૂરઝડપે માર્ગ કાપતી આવતી દેખાઈ. કોઈ પોતાને લેવા તો આવતું નથી, એ જોવા માતંગ થોડી વાર ઊભો રહ્યો.
હોડી ઉતાવળે કાંઠે આવીને લાંગરી. એમાંથી શ્યામ-વસ્ત્રાચ્છાદિત એક વ્યક્તિ ધીરેથી નીચે ઊતરી આવી. માતંગ સાવધ થઈ ગયો. કિનારા પરના વૃક્ષની પાછળ ઝડપથી લપાઈ ગયો. હોડીમાંથી ઊતરેલી વ્યક્તિએ એક વાર ચારેતરફ જોયું. હોડીમાં બેઠેલ માણસ સાથે કંઈ વાત કરી. એ માણસ હોડી પર ઊભો થઈ સ્મશાન તરફ આંગળી ચીંધવા લાગ્યો. મધરાતનો એક મોટો વંટોળ આંબાવાડિયામાંથી આવી ચકરડી-ભરમડી ખાવા લાગ્યો. એ વંટોળે શ્યામ-વસ્ત્રાચ્છાદિત વ્યક્તિના શિરોવેષ્ટનને કાઢી નાખ્યું. માથેથી વસ્ત્ર ખસી જતાં કાળોભમ્મર કેશકલાપ ને રમણીમુખ તારાઓની
કર્મની ગત 1 17