________________
કરતો. નાનાં ગોકુળ ચારતો ને પાડોશીઓને પ્રેમ કરતો. ઋતુઋતુના યમનિયમો ને માસ માસનાં જૂજવાં ધર્મબંધનો હું પાળતો. સાધુસંતોની સેવા કરતો.”
“સુંદર ! ધન્ય છે તમને ! આ તો તમારાં સુકૃત્યો થયાં. દરેક માણસના જીવનમાં અંધારી ને ઊજળી બે બાજુઓ હોય છે. સંસારના ગમે તેવા દીવા નીચે અંધારું રહે છે, એ અમે જોયું છે. નિઃસંકોચ થઈ, હવે તમારાં દુષ્કૃત્ય વર્ણવી, એટલે વિધિ સમાપ્ત થાય. જુઓ, ત્યાં તમારા સ્વાગતના ઉત્સાહી દેવતાઓ શંખસ્વર વિકસાવી રહ્યા છે.”
“સુંદરીઓ, મારું સંપૂર્ણ જીવન સાધુસંતોના સમાગમને લીધે દુષ્કૃત્યરહિત વ્યતીત થયું છે."
“ખરેખર સાધુવાદને પાત્ર છો. પણ હે પ્રિય દેવ ! માણસમાત્ર ભૂલને પાત્ર છે. આખા જન્મમાં કંઈ ને કંઈ પ્રગટ કે અપ્રગટ કૃત્યો તો સહુને થયાં જ હોય છે : કંઈ ચોરી, કંઈ યારી, કંઈનું કંઈ ?”
“અશક્ય, પ્રિય સુંદરીઓ, અશક્ય !' પુરુષ ખડખડાટ હસી પડ્યો. “તમે જ ન્યાય કરજો, હે દેવાંગનાઓ ! શું એવાં દુષ્કૃત્યો કરનારને આવું સ્વર્ગલોક મળે ખરું ? તમારા જેવી અનેક કોમલાંગીઓ સાંપડે ખરી ? અંધ પુરુષ તે વળી પર્વત ઓળંગી શકે ખરો ? પાપી માનવીને આ પુણ્યવાન પ્રદેશમાં પ્રવેશવાનો શો અધિકાર ?"
અપ્સરાવૃંદ વિમાસણમાં પડી ગયું. એમણે પુનઃ પુનઃ પુરુષને વિનવણી કરતાં
કહ્યું :
“સ્વર્ગના ધર્માધિરાજ પાસે માનવીના કર્મધર્મનો હિસાબ રહે છે, તેઓ કહે છે કે પૃથ્વી પર એવો કોઈ માનવી નથી, જેણે મનમાં કદી પાપ ચિંતવ્યું ન હોય, કે એકાદ પણ ગુપ્ત દુષ્કૃત્ય ન કર્યું હોય. ભય, પ્રેમ ને મોહ માનવીને સ્વાભાવિક છે, અને એ સ્વાભાવિકતા કેટલીક વાર માનવી પાસે ગુપ્તપણે પાપ આચરાવે છે. આપના જીવનની એવી ઘટનાઓ સ્વર્ગવાસીઓને સંભળાવવી ઘટે !”
“હૃદયવત્સલ દેવીઓ, તમને નિરાશ કરવી પડે છે, તે માટે દુઃખી છું. પણ સાધુસંતોના સમાગમના પ્રતાપે ભય, પ્રેમ ને મોહથી હું પર રહી શક્યો છું.”
આ પ્રત્યુત્તર સાંભળી કેટલીક અપ્સરાઓના હસ્તમાંથી કુંભ સરી ગયા. કેટલીક નિરાશ બની ત્યાં બેસી ગઈ.
અચાનક એક ગુપ્તદ્વાર ખૂલ્યું. એ દ્વારમાંથી મહામંત્રી અભય અને મહાશ્રેષ્ઠી મેતાર્ય બહાર નીકળી આવ્યા. અપ્સરાઓ એક ક્ષણમાં અદૃશ્ય થઈ ગઈ. મહામંત્રીએ પેલા રોહિણેય પુરુષની પાસે જઈ કહ્યું :
184 D સંસારસેતુ
“કુશળ દુર્ગાચંડ, તને તારી કળાને, તારી હિંમતને, તારા ધૈર્યને ધન્ય છે ! હું જાણું છું કે તું રોહિણેય છે, પણ મગધના સિંહાસનનો ન્યાય તને અપરાધી તરીકે સ્વીકારવાનાં સાધનોના અભાવે મુક્ત કરે છે. જા, સુખેથી વૈભાર શિખરમાળાને શોભાવ ! મહામંત્રી પોતાના વ્યર્થ પરિશ્રમને વળી ફરીથી સફળ કરશે."
“હે સમર્થ પુરુષ ! શક્તિઓના આ પ્રચંડ ધોધને ઉખર ભૂમિમાં વ્યર્થ ન કરતો. તારી મહાશક્તિઓને વંદન. પણ રે વજ્રપુરુષ ! દરેક શક્તિ ભક્તિ માગે છે, નહિ તો વનમાં ઊપજેલો દવ વનને બાળે છે – એમ થાય છે.”
મહારાજની વાણીનું સત્ય આજે સમજાયું. નીચ તે નીચ નહિ, ઉચ્ચ તે ઉચ્ચ નહિ. કલ્યાણ થજો તારું ! તારી શક્તિઓને સારે રસ્તે વાળજે !” મેતાર્થે આશીર્વાદ આપ્યો.
દુર્ગાચંડ અંધારી રાતે દેવવિમાન – પ્રાસાદના દ્વારની બહાર નીકળ્યો. હજી ઘેન પૂરું ઊતર્યું નહોતું. લડિયાં ખાતો ખાતો એ રાજગૃહીની બહાર નીકળ્યો. આ વેળા એક અજાણ્યું તોફાન એની મનોભૂમિની ક્ષિતિજ પર ઊગી રહ્યું હતું.
સ્વર્ગલોકમાં – 185