________________
ઘણા પ્રસંગોમાં હસવું અને હાણ સાથે સાથે ચાલતા હોય છે; આ પ્રસંગમાં પણ એવું હતું. આવાં રાજકુળોમાં જનારી કન્યાના ભાગ્યમાં ઝાઝું કંઈ વખાણવા જેવું ન રહેતું. એ અંતઃપુરો ચામડી પરના રોગની જેમ સદા ખંજવાળ પેદા કર્યા કરતાં. ખણીએ તો તરત સુખ લાગે, પછી પીડા થાય. ન ખણીએ તો ખણ્યા વગર આકુળવ્યાકુળ થવાય.
મોકલેલો સુભદ્ર પણ પાછો આવી ગયો હતો, અને એણે એટલી ખાતરી આપી હતી કે બલરામ અને કૃષ્ણ જીવતા હતા, બાકી તો એમના માથે એવી વીતી છે કે અત્યારે કીડીની સામે પણ થવાનો એ વિચાર કરી શકે એમ નથી.
રાજકુમાર ભોજે આ વાત સાંભળી અને કંકોતરીઓની યાદીમાંથી તમામ યાદવોનાં નામ કાઢી નાખ્યાં.
‘કુંડિનપુરને પાદર યાદવ નામમાત્ર ન ખપે.' ભોજે ભયંકર હુંકાર કરતાં કહ્યું, ‘અહીં ભલભલા રાજા-મહારાજાઓ આવે એમાં ત્રણ ટકાના ઐ યાદવો ને ગમ વગરના ગોવાળોને ક્યાં સ્થાન આપવું ? ન દ્યૂત (જુગાર) રમતાં આવડે, ન મદ્ય પીતાં આવડે, ન આખેટ (શિકાર) ખેલતાં આવડે અને પોતાને બહાદુર કહેવરાવે’
આ ત્રણ વસ્તુઓ એ વખતની ક્ષત્રિય-સંસ્કૃતિની મહત્તાની પારાશીશી લેખાતી. યાદવો એમાં અબૂઝ હતા - જોકે પાછળથી તેઓ પણ તેમાં વિશારદ બની ગયા !
રાજા ભીષ્મક અને રાણી રાજકુંવર ભોજની સામે કંઈ દલીલ કરી ન શક્યાં. હમણાં જુવાન દીકરાઓનું દરેક ઠેકાણે ચલણ વધ્યું હતું; ને વૃદ્ધ માબાપ જો બહુ દખલ કરે તો કારાગારમાં પૂરતાં તેઓ લેશ પણ અચકાતા નહિ, એ વખતના સમાજને એમાં કંઈ કહેવા જેવું પણ લાગતું નહોતું, કારણ કે વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ સ્વીકારવાનો રિવાજ સામાન્ય લોકમાં પ્રચલિત થઈ ચૂક્યો હતો.
કંકોતરીમાંથી યાદવોના નામ છંકાઈ ગયાં, એ બીનાએ રુકિમણીને ભારે ચિંતા જગવી. જે માણસ યાદવો તરફ આટલી સુગ ધરાવતો હોય એ કઈ રીતે યાદવની સાથે પોતાનાં લગ્ન થવા દે ? નક્કી, મરીને માળવો લેવો પડશે ! રુકિમણી વિમાસણમાં પડી ગઈ.
લગ્નના દિવસો નજીક ને નજીક આવતા જતા હતા. કુંડિનપુરને પાદર રાજાઓ માટે અદ્ભુત આવાસોની રચના થઈ રહી હતી. આ પ્રકારની લગ્નપ્રથાથી જેઓ વિરુદ્ધ હતા-તેઓ સ્વયંવરની પ્રથાને વધુ પસંદ કરતા ઃ આ પ્રથામાં તો કન્યા પણ મનભરીને જોવા ન મળતી, તેમજ બધો ઘાટ લડીમાં ગોળ ભાંગવા જેવો થતો.
દીકરીને જિંદગીભર એક જ હક્ક-છડેચોક પોતાની મરજી પ્રગટ કરીને 130 – પ્રેમાવનાર
પોતાને મનગમતો વર સ્વયંવરમાં પસંદ કરીને વરવો ! એ હક્ક આજે છડેચોક લૂંટી લેવામાં આવ્યો.
આ લગ્નની સામે ઘણા બળાપા હતા, ઘણા પ્રલાપો હતા, પણ સમરથકો નહિ દોષ ગુંસાઈ : એ રીતે સહુ સહન કરી ચૂપ બેઠા હતા. એ તો ભાઈ, જેના હાથમાં લાઠી એના ઘરમાં ભેંસ !
છતાં દુનિયા તો ઢોલ જેવી છે. જેટલી મોટી પોલ, એટલો અવાજ વધુ! રાજા શિશુપાલનો બધે જયજયકાર થઈ રહ્યો. રુકિમણીના ભાગ્યને સર્વત્ર ધન્યવાદ અપાઈ રહ્યા.
રાજા શિશુપાલ પણ આવી ગયા. વરરાજાને યોગ્ય આવાસ અને આદરસત્કાર તૈયાર હતાં. વરરાજાના દમામનો પણ પાર નહોતો.
મહારાજ જરાસંધ પણ કન્યાદાન વખતે હાજર રહેવાના હતા. લગ્નને આડે એક જ દિવસ હતો. વાતાવરણ ખુશનુમા હતું. ગીત અને વાદ્યોએ બધે સુરાવટ જમાવી હતી. આખો દિવસ જુગાર રમાતો, દારૂ પિવાતો ને નવરા પડ્યે ક્ષત્રિયો જંગલોમાં શિકારની મનમોજે ઊપડી જતા.
લગ્નમાં જમણ માટે પશુઓ મેળવવા જંગલો ઉજ્જડ થઈ ગયાં હતાં અને મહેમાનોના શિકારશોખને માટે દૂર દૂરથી પશુઓ લાવીને વનમાં છોડવામાં આવ્યાં હતાં.
આનંદની એક દુનિયા વસી ગઈ હતી. પણ આ આખી દુનિયા જેના આનંદ માટે રચાઈ હતી એની વ્યાકુળતાને કોઈ આરોઓવારો નહોતો.
આજ સવારથી રુકિમણી સજ્જ થઈ રહી હતી. રિવાજ મુજબ આજે કુળદેવીનાં દર્શને જવાનું હતું. સખીઓએ પાસે રહીને આ વિધિ પતાવી લેવાનો હતો, કારણ કે રાજસેવકો અતિથિઓની સેવામાં ગૂંથાયા હતા.
રુકિમણી તૈયાર થઈ રહી હતી. એણે પોતાની દેહ પર સુંદર વસ્ત્રો સજ્યાં હતાં. ભાતભાતનાં વિલેપનો લગાડડ્યાં હતાં, એના પર સુંદર આભૂષણો પહેર્યાં હતાં ને એના પર ફૂલ માળ ને ફૂલ-વેણીની શોભા કરી હતી.
અરે આ તો ઇંદ્રાણીની પણ નજર લાગે એવું રૂપ છે !' એક સખીએ કહ્યું. ખરેખર, જે નર ભાગ્યશાળી હશે તે જ આ ઇન્દ્રાણીને પામશે.' બીજી સખીએ કહ્યું.
રુકિમણીનું આ વાર્તામાં જરાય ચિત્ત નહોતું. એણે પાસેથી નીકળેલા પિતાજીને મનોમન પ્રણામ કર્યા; ન જાણે કેમ, આજે એ આપોઆપ ભારે થઈ રહી હતી !
રુકિમણીનું હરણ – 131