________________
ધીરે ધીરે વચ્ચેના મોટા મેદાનમાં બલરામની સેના એકત્ર થઈ રહી હતી.
મથુરાના મહાવિજય પછીનો આ વિજય મગધના મહારાજ્યને જીત્યા જેટલો મહાન હતો.
આજ ગોપસેના ને યાદવસેનાનો ગર્વ સમાતો ન હતો. અને આખા ભરતખંડ પર વર્ચસ્વ જમાવવાના કોડ જાગી રહ્યા હતા !
દૂત હજીય મૌન હતો.
બલરામ સ્તબ્ધ હતા. શું કરવું તે કંઈ સૂઝતું નહોતું. દૂતને હળના એક પ્રહારથી જમીનદોસ્ત કરવો કે એની જબાનથી નવી વાતો જાણવી જરાસંધ કેમ નાઠો એ જાણવું ભારે મનોમૂંઝવણ હતી !
બલરામના સાથીદારો પાંખની લડાઈ પૂરી કરી ત્યાં આવી રહ્યા હતા. આવનાર પ્રશ્ન કરતા હતા ઃ “રામજી ! તમે તો જરાસંધની જ શિબિર ઝડપી હતી, પછી જરાસંધનું શું થયું ?'
બલરામ શું જવાબ આપે ? કહે : 'શિબિરમાં ન મળ્યો.'
સાથીદારો કહે, ‘અમે એને શિબિરમાં નજરોનજર જોયો હતો. આપને હાથતાળી આપી ગયો લાગે છે !'
મૌન ધરીને ઊભેલો દૂત ખડખડાટ હસી પડ્યો.
‘અરે ! આ લુચ્ચો કંઈક જાણતો લાગે છે.’ એક સાથીએ કહ્યું.
‘બોલે છે ક્યાં ? જુઓને, મોઢામાં મગ ભર્યા છે.'
દો ને બે ડંડા કે ઝટ સીધો !’
‘ઘાયલને શું દંડા દેવા ? પણ નક્કી જાણકાર લાગે છે. રે દૂત ! બોલ, તું કંઈક તો બોલ !'
દૂતે બલરામ તરફ આંગળી ચીંધી, હોઠ પીસીને સંકેતમાં સૂચવ્યું કે બલરામ કહે તો બોલું, નહિ તો નહિ.
બિચારા બલરામ આ અજબ માણસ આગળ હારી ગયા. આવી ચાલાકી એમને રમતાં આવડતી નહોતી. કંઈક નિરાશ બનીને એમણે કહ્યું, “ભાઈ ! તારું મૌન ત્યજી આ વિષયમાં જે જાણતો હોય તે કહે "
“બસ, હવે કહેવામાં પણ વાંધો નથી !' દૂત બોલ્યો.
‘કેમ, હવે કહેવામાં વાંધો નથી ?’ બલરામે પ્રશ્ન કર્યો.
મહારાજ જરાસંધ હવે સલામત સ્થળે પહોંચી ગયા.' દૂતે ખુલાસો કર્યો.
‘શું કહે છે તું ? અમને બનાવે છે ?’ બધા ગરમ થઈ ગયા.
86 – પ્રેમાવતાર
‘બનાવતો નથી, પણ સાચું કહું છું. તમારી સામે થઈને એક વૃદ્ધ માણસ પસાર થતો તમે જોયો હતો ને ?!
‘હા ખૂબ જ વૃદ્ધ હતો.' બલરામે હા ભણી.
ખૂબ જ વૃદ્ધ. ચાલતાંય એનું માથું ધ્રૂજતું હશે, પગ ધ્રૂજતા હશે કાં ?' દૂતે આગળ કહ્યું.
‘હા, મરવાના વાંકે જીવતો હોય એવો વૃદ્ધ હતો.'
બસ, એ જ મહારાજ જરાસંધ.'
‘જૂઠું કહે છે તું ! માણસ એટલું બધું વેશ કે વયનું પરિવર્તન ન કરી શકે. તું કોણ છે, તે કહે ! દૂત લાગતો નથી !'
‘હું જરાસંધનો ભાઈ મણિબંધ છું. તમે જ્યારે તીર માર્યું ત્યારે અમે બે સાથે
હતા. એમને મેં રવાના કર્યા ને હું અહીં તમને મળવા રહી ગયો.'
‘મળવા કે મરવા ?'
‘કર્તવ્ય પાસે મોતને જરાસંધી જુવાનો રમત લેખે છે.’
‘પણ જરાસંધનું એ પરિવર્તન શક્ય લાગતું નથી.'
‘જરાસંધને ઘણી વિદ્યાઓ અને શક્તિઓ સાધ્ય છે. જરા નામની શક્તિની સહાયથી વેશ ને વય બંને બદલી નાખી શકે છે.’
બલરામ આ સાંભળી અવાક થઈ ગયા. મણિબંધને મારવાનો એમનો ઉત્સાહ ઓસરી ગયો.
મણિબંધ – 87