________________
જા, પ્રેમ કરતાં શીખજે ! પ્રેમ જ સંસારનું સાચું સુખ અને અમૃત છે.'
ને એ વખતે જ શ્રીકૃષ્ણનો પ્રસિદ્ધ રથ લઈને સારથિ દારુક ત્યાં આવી પહોંચ્યો.
દારુક આ કરુણ દશ્ય જોઈ ન શક્યો. એ ચોધાર આંસુએ રડવા લાગ્યો.
શ્રીકૃષ્ણે એને ધીરજ આપતાં કહ્યું, ‘દારૂક ! અફસોસ કરવાની આ વેળા નથી. આ સંહારમાંથી જ સર્જન થશે અને જગતમાં પ્રેમ અવતરશે. જા, સત્વરે દ્વારિકા પહોંચી જા ! બધાને યાદવકુળના આ સર્વનાશની ખબર આપજે અને સહુને ચેતવી દેજે કે દ્વારિકાનો પણ નાશ થવાનો છે. માટે એ નગરીનો ત્યાગ કરીને સહુ હસ્તિનાપુર તરફ ચાલ્યાં જાય ! સોરઠની ગરવી ભૂમિ સાથેનું આપણું લેણું હવે પૂરું થવામાં છે !'
આટલું બોલતાં બોલતાં શ્રીકૃષ્ણના દેહની આસપાસ પ૨મજ્યોતિનું એક દિવ્ય આભામંડળ રચાઈ ગયું. અને જાણે એ આભામંડળની અલૌકિક ચાદર ઓઢીને એ દેહ સદાને માટે પોઢી ગયો !
સૌએ જાણ્યું કે શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો.
પૃથ્વી પર ફરી અંધકાર પ્રસરી ગયો.
સંસારને અજવાળવા ધરતી પર અવતરેલી પરમજ્યોતિ પોતાના પરમધામ તરફ વિદાય થઈ ગઈ
કાળક્રમે એ અંધારામાંથી પ્રગટેલા પ્રકાશે સમગ્ર વિશ્વને પ્રેમાવતાર આત્માઓનો અમરસંદેશ સંભળાવ્યો :
અહિંસા પરમો ધર્મઃ ।
442 D પ્રેમાવતાર
63
પ્રેમનું અવતરણ
ઘોર અંધકાર છે. દિશાઓમાંથી પોકાર પડે છે. એમાં એક બે દીવા ટમટમે
છે; એ દીવા તે જ્ઞાનના છે, એ વાટે સમજણનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. ‘સર્વ જીવોને તમારા જેવા ગણો !
‘તમને સુખ ગમે તો સર્વ જીવોને એ જ ગમે !
જીવમાત્રમાં મન રહ્યું છે. મનમાં સુખદુઃખ છે
‘રે ! મનને સાધો ! મનને સાધશો તો આ યુદ્ધ, આ વેર, આ કલહ શાંત થઈ જશે, સંસાર સ્વર્ગ થઈ જશે. પૃથ્વી પ્રેમનું મંદિર બની જશે.’
સંસાર ભારે ખોટ ખાઈને હવે યુદ્ધનાં નવાં મૂલ્યાંકનો કરવા બેઠો છે; નવા બોધપાઠ શીખવા લાગ્યો છે.
બહુ જાણીતા ઋષિઓના આશ્રમો તરફ કોઈ જોતું નથી; એમણે જ એકબીજાનાં પડખાં લઈ વેરની સગડી ચેતાવી છે. રાજસંસ્થાથી સહુને આભડછેટ છે. લોકવૃદ્ધિને બદલે લોયજ્ઞ તેઓ દ્વારા જ સધાયો છે.
જાણે સાચો માણસ સિંહાસને નથી, સાચી સ્ત્રી અંતઃપુરમાં નથી !
આ વખતે એક સ્ત્રી ફરે છે; એ વેરાન થયેલા ગામેગામ ફરે છે. એ પ્રેમનો સંદેશ લઈને આવી છે. એનો નેમ આજે તો ભગવાન નેમ થઈ ગયો છે, એને મન નાનો છે. અને એ વૃદ્ધ થઈ છે તોય જુવાન છે. એ ઘેર ઘેર ફરીને એક નાની શી વાત કરે છે. એ કહે છે કે મારો નાનો નેમ કહે છે, ‘જીવો અને જીવવા દો ! ચાહો અને ચાહવા દો !' પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવનારો આ પેગામ ઘેર ઘેર પહોંચાડવા એ આવી છે.
જગત અતંત્ર બની ગયું છે !