________________
હાશ !' રાજ જાણે સમાધિમાંથી જાગી ! એ જાણે થાકી હોય અને આશાયેશ માગતી હોય, એવી એની મુખમુદ્રા હતી.
શું હાશ, સખી ?' મધુએ પ્રશ્ન કર્યો.
‘નેમ નગીનો ભારે કઠોર છે. જો ને મધુ ! તું કેમકુમારને અહીં લાવી,. અને એણે રેવતગિરિ પર મને લઈ જઈને મારી સાથે છૂપાં લગ્ન કરી લીધાં!' રાજ કોઈ સ્વપ્નમાં વિહરતી હોય એમ બોલતી હતી. બાહ્ય જગતથી એ સદંતર બેપરવા હતી.
છૂપાં લગ્ન ? કંઈ નિશાની ?' મધુએ પ્રશ્ન કર્યો.
‘દેખાતું નથી તને, મધુ ? જો ને આ મદનફળ (મીંઢોળ), આ નાડાછડી, આ પાનેતર ! એ કપટીએ મને ભરમાવી કે સાચાં લગ્ન તો અંતરનાં હોય. આ સાજનવાજન, આ વિવાહ-મહાજન, આ વાજાં-ગાજાં ને વરઘોડાના બાહ્યાડંબરો શા માટે ! ખરેખર, હું તો છેતરાઈ ગઈ. મેં મૂરખીએ માન્યું કે લગ્ન એ તો બે આત્માનું જોડાણ છે, એમાં ત્રીજાની દખલગીરી કેવી ? અને હું તો લગ્ન કરી બેઠી, એણે મારા કર ગ્રહ્યા, મેં એના કર ગ્રહ્યા.' રાજ હજુ પૂરા ભાનમાં નહોતી.
| ‘લગ્નમંડપ બાંધ્યો હતો કે નહિ ?' મધુએ પ્રશ્ન કર્યો. એ રાજ ની સ્વપ્નજાળ તોડવાનું સાહસ કરી શકી નહિ.
| ‘હા, હા, એ મંડપનું નામ હૃદયમંડપ, ભારે શણગાર હતો એનો ! પ્રેમપતાકાઓ ચારે તરફ ઊડતી હતી. વાસના ઉપરના વિજયના એના થાંભલા હતા. કરુણાના ઝરૂખા અને અખંડ આનંદનાં વાજિંત્ર ત્યાં બજતાં હતાં. એ હૃદયમંડપ નીચે બેસીને નેમ સાથે હું પરણી ! એણે હજારોની વચ્ચે મને પોતાની કરી લીધી. હું એની બની ગઈ.”
‘તો હવે શું થશે ? અહીંની તૈયારીઓ બધી નિરર્થક થશે ?* મધુએ પ્રશ્ન કર્યો.
‘મધુ ! હું એ જ વિચાર કરું છું. આ સાચું કે એ સાચું ? આ લગ્ન વાસ્તવિક કે પેલું લગ્ન ? કેવી ઘેલી હું ! મને નેમે ભોળવી. હું ભોળવાઈ ગઈ! રે, બહેન સત્યાને હું શું જવાબ આપીશ? મેં બલરામજીને રોકવા જે યત્ન આદર્યો, એ શું આમ વ્યર્થ થશે ?’ મન પર હજુ પણ કોઈ આવરણ પથરાયેલું હોય એમ રાજને સત્ય પરિસ્થિતિની ગમ પડતી નહોતી. હજુ નેમકુમાર સાથેનું એનું તારામૈત્રક તૂટ્યું નહોતું.
મધુ રાજને વધુ ખીજવવા માટે આગળ પ્રશ્ન પૂછી રહી, “ચારેચાર ફેરા તું એની સાથે ફરી ?”
અરે ! તમે કેવી વાત પૂછો છો ? મને થાક લાગ્યો છે, એ એનો જ થાક છે! પહાડને વેદી બનાવ્યો, સત્યને અગ્નિ બનાવ્યો. પુણ્ય-પુરોહિત ત્યાં આવી બેઠો.
314 3 પ્રેમાવતાર
એણે ચાર જન્મને ચાર ચોરી બનાવી ને હું અને નેમ ફેરા ફર્યા. તેમને હતું કે હું થાકી જઈશ, પણ મેં કહ્યું કે તું ક્ષત્રિયકુમાર છે, તો હું ક્ષત્રિયકુમારી છું. લવલેશ પાછી નહિ પડું ! ફેરાના શ્રમથી થાકી, પણ પાછી તો ન જ પડી’ રાજ હજી પણ દિવાસ્વપ્ન માણી રહી હતી.
| ‘વાહ સખી, વાહ ! અમને તારા આ પરાક્રમ બાબત અભિમાન થાય છે. અમે તને શાબાશી આપીએ છીએ.” મધુએ કહ્યું.
‘શાબાશી તમારી મેં જાણી, પણ રે સખીઓ ! પરણ્યાની પહેલી રાતને યોગ્ય શયનખંડ તમે શણગાર્યો કે નહિ ? બારણે તોરણ, શયામાં ફૂલમાળાઓ અને બાજઠ પર બહુરંગી ખાદ્યપેયો મૂક્યાં કે નહિ ? ઘેલી સખીઓ, જો મારો પિયુ રિસાણો તો એ દ્વાર પરથી પાછો ફરી જશે, અને પછી હજારો જણ એને રીઝવીશું તોય લીધી હઠ નહિ મૂકે ! ભારે મમતી છે એ.’
‘પૂર્ણ રીતે શણગાર્યો છે ખંડ, સખી ! પધારો તમે પતિ-પત્ની આ શયનખંડમાં! જો ને, આકાશમાંથી રસરાજ ચંદ્ર અમી ઢોળતો ખંડમાં રજત બિછાવી રહ્યો છે; ને આ વાવલિયા વનકુંજોનાં તાજાં ખીલેલાં ફૂલોની સૌરભ વહી લાવીને વીંઝણો ઢોળી રહ્યો છે ! પેલી કોકિલા પ્રેમગીત આલાપી રહી છે. મીઠી મધુરી બનશે તમારી મધુરજની !' અને મધુએ રાજને દોરી. એ નેમનો હસ્ત પકડવા ગઈ, અને બંનેનું તારામૈત્રક સંપૂર્ણ થયું !
નેમકુમારનાં કમળશાં નયન રાજ પરથી હઠીને આજુબાજુ ફર્યા. સૂર્ય જેમ કિરણો પ્રસારે ને તમામ પુષ્પોને પ્રફુલ્લાવી દે તેમ સહુને એક પળમાં એવું લાગ્યું કે લગ્નોત્સવ સુંદર રીતે ઊજવાઈ ગયો છે; અને પોતે એ જાનમાં ભાગ લઈને પાછાં ફરી રહ્યાં છે ! ગીત હજી ગળામાં છે, ને કંકુ- કેસરનો છંટકાવ હજી વસ્ત્રો પર છે.
રે નેમકુમાર ! શું તમારી માયા ! ઘણી સખીઓ તેમના પીઠી ચોળેલા હાથને નીરખી રહી. રે, જીવનનો આ કેવો ધન્ય પીતવર્ણ !
નાની નવેલી સખીઓ ગીત ગુંજી રહી. ‘રે ! નેમ જાદુગરની માયા અજબ છે. આમાં કોણ રાજ કે કોણ આપણે ? કોઈ એવું નથી જે એની માયાજાળમાં સપડાયું ન હોય.’
સખીઓ બધી બૂમ પાડી ઊઠી : ‘તેમના શત્રુને મિત્ર બનાવવાની અજબ શક્તિ ભરી છે. એ જ્યાં બેઠો હોય ત્યાં સાપ નોળિયો પોતાનાં સાત પેઢીનાં વેર ભૂલી મિત્ર બની રહે, તો આપણે કોણ ? જોજે ને, એ એવી માયા પેદા કરશે કે કુરુક્ષેત્રમાં જાગનારી ભાઈ-ભાઈ વચ્ચેની લડાઈ થંભી જશે.’ ‘લડાઈ બંધ કરવા તો આ લગ્નસમારંભ યોજ્યો છે !' કેટલીક સખીઓ બોલી.
નેમની માયાજાળ 315