________________
બહેનની કોઈ એવી અપેક્ષા નહોતી કે નાની બહેન પોતાની મૂંઝવણમાં માર્ગદર્શન કરે; કેવલ હૈયાનો ભાર હળવો કરવા એમણે વાત કરી હતી.
પણ નાનીશી રાજ્યશ્રીએ એવી અજબ યુક્તિ બતાવી કે ભલભલાના કાન પકડાવી દીધા. બલરામને જતા રોકવા એણે એક અજબ યુક્તિ પોતાની બહેનના કાનમાં કહી બતાવી.
સત્યાએ એ સાંભળીને હર્ષાવેશમાં કહ્યું, ‘બિલકુલ યોગ્ય છે તારી વાત. તું કહે છે એ આ વાત કરીએ તો યુદ્ધના નાદથી રિસાયેલા બલરામ અત્યાર પૂરતા તો રોકાઈ જાય, પછી કાલની વાત કાલે; અણીનું ચૂક્યું સો વર્ષ જીવે.’
‘બહેન ! યુદ્ધ કુરુક્ષેત્રમાં થાય ને એના પડઘા આપણે ત્યાં પડે એ ઉચિત નથી. માટે જ મેં મારો આત્મભોગ આપવાનો નિર્ણય કર્યો છે.’ રાજ્યશ્રી છેલ્લું વાક્ય બોલતાં હસી પડી.
‘ભારે આત્મભોગ ! રે લુચ્ચી ! નેમ વિના તું જળ વિનાના મીનની જેમ તરફડે છે, એ શું અમે નથી જાણતાં ?' | ‘તમે તરફડતાં હશો !' રાજ્યશ્રીએ નાક ચઢાવી દીધું.
‘રાજ્યશ્રી ! દિલના ઉકળાટ વગર પ્રેમનાં વાદળ કદી બંધાતા નથી. તારી વાત કબૂલ છે. હમણાં જ તારા બનેવીને બલરામ પાસે મોકલું છું, પણ તેમને સમજાવવાની જવાબદારી તારે લેવી પડશે.”
રાજ્યશ્રી મૌન રહી, પોતાના નાવલિયાને મનાવવાનો ભાર પોતાના માથએ આવ્યો એ ઇષ્ટાપત્તિ હતી.
સત્યારાણી રાજ્યશ્રીની ઘનશ્યામ કેશાવલિ પર થોડી વાર હાથ ફેરવી માથું સૂંઘીને ચાલ્યાં ગયાં. એમને અત્યારે લડાઈની રણભેરીઓમાં લગ્નની શહનાઈ બજાવવાની વિચિત્ર યોજના કરવાની હતી.
બલરામને જતા રોકવા માટે રાજ્યશ્રીએ જે અજબ યુક્તિ બતાવી હતી તે પ્રમાણે રાજ્યશ્રીનાં લગ્ન લેવાં જરૂરી હતાં. બંધુપ્રેમના પરમ પૂજારી બલદેવજી તેમના લગ્નમાં હાજરી ન આપે એ કેમ બને ? પણ આ કામ સરલ નહોતું; બલરામજીનો કોપ એમનો પોતાનો હતો; છતાં એ કામ કરતાં વધુ વિટક કામ તો રેવતાચલ પર, સહસઆમ્રવનમાં તપ ને ચિતનમાં મગ્ન બનેલા નેમને દ્વારકામાં આણવા ને વરલાડા બનાવવાનું હતું !
એ વિકટ કામને પાર પાડવા રાજ્યશ્રી સજ્જ થઈ હતી. એણે શુભ શરૂઆત પણ કરી દીધી. એણે એકાંતમાં જ ઈને એક પત્ર લખવાનું વિચાર્યું. અને ઘેલી રાજ પત્ર લખવા પણ બેઠી.
298 D પ્રેમાવતાર
દરેક પ્રેમીને પ્રેમપત્ર લખવામાં જે પીડા થાય છે, એ પીડા એને સતાવી રહીઃ વહાલા તેમને ક્યા વિશેષણે સંબોધું ?
જે વિશેષણો સૂયાં એ સામાન્ય લાગ્યાં. આખરે રાજ્યશ્રીએ સહજ રીતે આવડે એવું લખવાનો નિર્ણય કર્યો. રે ! પોતાના પિયુ પાસે પોતાના મનની વાત લખવામાં શરમ કેવી ? એણે પહેલું વાક્ય લખ્યું :
વહાલમ ! વહેલેરા પધારજો રે !' શરૂઆત તો ઠીક થઈ, પછી અમે આગળ ચલાવ્યું : ‘કુંવારે અંતઃપુરેથી રે ! કુંવારી લખીતંગ હો લાલ; સત્રસેન રાયની બેટડી રે, રાજને અંગ ઉમંગ હો લાલ, વહાલમ ! વહેલેરા પધારજો રે !'
આટલું લખીને રાજ્યશ્રી કાગળ હાથમાં લઈને આંટા મારવા લાગી; અને પોતાના કોકિલ કંઠે લખેલું ગાવા લાગી. ગૃહોઘાનના આમ્રવૃક્ષ પર બેઠેલી કોકિલા રાજ્યશ્રીની સામે ટહુકો કરી રહી !
બંને જણાં સામસામાં ગાવા લાગ્યાં. રાજ્યશ્રીને લાગ્યું કે કોકિલાના કંઠમાં જરૂર થોડી મિષ્ટતા હશે, પણ મારા વહાલાનું નામ ક્યાં છે ? નેમના નામ વગર મીઠાશ સંભવે પણ ક્યાંથી ? કોકિલાના સૂર એને કડવા લાગ્યા.
રાજ્યશ્રીએ ફરી વાર પોતે લખેલી પંક્તિઓ ગાઈ, જરા જોરથી ગાઈ ! રખેને પાસે સૂતેલી કોઈ સખી જાગી ન જાય માટે વળી ધીરેથી ગણગણવા લાગી; પણ એટલામાં તો રાત ઘણી વીતી ગઈ. દ્વારિકાની ગાયોને ચરવા માટે જનારા ગોવાળિયાના અવાજો આવવા લાગ્યા.
રે ! આમ કરતાં કરતાં તો રાત પૂરી થઈ જશે, ને પત્ર અધૂરો રહી જ શે; અને દિવસે તો પત્ર લખાશે પણ નહિ !
રાજ્યશ્રી ફરી પત્ર લખવા લાગી. એણે વિચાર્યું કે ભક્તિને વળી વિભક્તિ કેવી ? મારે તો મારા મનના ભાવ પ્રગટ કરવા છે ને ! જેવું આવડે એવું લખવું. અને એ લખવા લાગી :
‘વંદના વાંચજો માહરી રે, હેતે જોડી કહું હાથ, હો લાલ; અત્રે ખુશીમાં હું ખરી રે,
સાથમાં સહિયર સાથ હો લાલ,
પ્રેમપત્ર 1 299.