________________
તો કહે છે, પૃથ્વી પ્રેમનું મંદિર છે; એને દ્વેષનું દેવળ ન બનાવશો. વાવો તેવું લણશો. કર્મરાજની સત્તા ચક્રવર્તીથી પણ વધુ છે.” વત્સરાજ ઉદયન નિર્ભય રીતે બોલતા હતા.
“પણ આખરે ચતુર કાગડો ઠગાયો ખરો !” રાજા પ્રદ્યોત વાતને બીજી રીતે વાળતાં કહ્યું. આ શબ્દોમાં તિરસ્કારભર્યો ઉપહાસ ભર્યો હતો.
“હા મહારાજ ! હંમેશાં ચતુર કાગડા જ ઠગાય છે; કારણ કે એમને પોતાની ચતુરાઈનું અભિમાન હોય છે. મારા જેવો એક બીજો ચતુર કાગડો કેવી રીતે ઠગાયો-એની વાત પણ હું જાણું છું. આજ્ઞા હોય તો કહું."
“જરૂર કહે. તારી ભાષામાં તો જરા અલંકાર, ઉપમા ને કવિત્વની છાંટ હશે, અમારી જેમ તડ ને ફડ બોલનાર તું નહિ,” અવંતીપતિ પ્રદ્યોતે અનુજ્ઞા આપતાં કહ્યું. આખી સભા પણ કથા સાંભળતા ઉત્સુક થઈ રહી.
“વાત સરસ છે; સમજો તો સમજવા જેવી છે. સુંદર એવું એક શહેર છે. એ ગામમાં ‘રાજા’ નામનો કાગડો રાજ કરે. એને પોતાની કુટિલતાનું ભારે અભિમાન. એણે ‘મંત્રી’ નામના એક હંસની ભારે ખ્યાતિ સાંભળીને એને ઠગવાનો નિર્ણય કર્યો.
એક વાર ભોજનમાં કેફી વસ્તુ જમાડી એ હંસને કેદ કરી પોતાને ત્યાં આણ્યો. કાગડાભાઈ તો ફૂલ્યા ન સમાયા ! પણ હંસ તે હંસ ? કાગડાભાઈ રાજ કરતાં મૂંઝાય એટલે હંસની સલાહ લે. આખરે એક દહાડો ખુશી થઈને કાગડાએ હંસને કારાગારમાંથી મુક્ત કર્યો.
પણ પેલા મંત્રી નામના હંસના મનમાં એક વાત રહી ગઈ. એને થયું કે આ ‘રાજા’ને પણ બોધપાઠ આપું. એણે વેપારીનો વેશ લીધો, બે સારી રૂપાળી મેના લઈને એના રાજમાં આવીને રહ્યો. રોજ મેના ગોખ પર બેસીને વિનોદ કરે, ને પેલો રાજા કાગડો ત્યાં થઈને નીકળે. એ તો મેના પર લટુ બની ગયો.
“હવે પેલા વેપારી હંસે ‘રાજા’ કાગડાના જેવા ચહેરામહોરાવાળો એક કાગડો પોતાને ત્યાં રાખ્યો. એનું નામ પણ ‘રાજા’ પાડ્યું ને દરરોજ ભરબજારે માંચા પર નાખી ઔષધ માટે વૈદ્યને ત્યાં લઈ જાય. પેલો રોજ બૂમ મારે કે “હું રાજા છું. મને આ લોકો પકડી જાય છે. કોઈ છોડવો.’ પહેલાં તો લોકો ચમક્યા કે આ છે શું ? પણ પછી એમને ખબર પડી કે આ તો ગાંડો ‘રાજા’ નામનો કાગડો છે. એટલે કોઈ એ બકવાદ તરફ ધ્યાન ન આપે.
હવે પેલા વેપારીએ તાકડો રચ્યો. પેલી મેનાઓ દ્વારા ખરેખરા રાજા કાગડાને મળવા બોલાવ્યો. કાગડાભાઈ તો મેનાની મીઠી મીઠી વાતોમાં લપટાઈ ગયા. ત્યાં તો હંસમંત્રીના સેવકોએ એને અચાનક ઘેરી લીધો ને મુશ્કેટાટ બાંધીને ગામ વચ્ચેથી ખરે બપોરે ઉપાડ્યો.
144 – પ્રેમનું મંદિર
“પેલો કાગડો માંચામાં મુશ્કેટાટ બંધાયો. બંધાયો બૂમ મારે : ‘અરે, હું તમારો રાજા છું, મને આ લોકો ઉપાડી જાય છે. કોઈ છોડાવો.”
“લોકો સમજ્યા કે આ તો રોજ જે ગાંડો ઔષધાલયે જવા નીકળે છે તે જ હશે. ભરબજારે પેલા રાજા કાગડાને હંસ મંત્રી ઉપાડી ગયો.” વત્સરાજ ઉદયન થોભ્યા. એમની વાતે સભામાં ભારે રસ ઉપજાવ્યો હતો.
સભાજનોએ આગળની વાત જાણવાની ઉત્સુકતામાં પૂછ્યું : “પછી શું થયું ?”
“પછી શું થાય ! હંસ ઉદાર હતો. એણે કાગડાભાઈને કહ્યું : ‘જુઓ, આ તો કર્મભૂમિ છે. અહીં તો બાવળ વાવશો તો કાંટા મળશે; બકુલ વાવશો તો ફૂલ મળશે, કરશો તેવું પામશો, જાઓ, હું તમને મુક્ત કરું છું. હવે જરા સુધરજો.' બસ, વાત થઈ પૂરી. આંબે આવ્યા મોર ને વાત કહીશું પોર !”
“પશુ-પક્ષીની તો માત્ર ઉપમા જ છે. કોઈ રાજકુળની વાત હોય એમ લાગે છે.” એક સભાસદે પ્રશ્ન કર્યો.
“જરૂર. કેટલીક વાર પશુ-પક્ષીની વાતો પરથી માણસોને નીતિનો બોધ અપાય છે; જેમ વત્સરાજને આજે વનરાજથી બોધપાઠ મળ્યો તેમ.”
“અમને કાગડા અને હંસનાં સાચાં નામ કહો.” એક સભાસદે પ્રશ્ન કર્યો.
“તમારો આગ્રહ છે, તો કહું છું. એ હંસ મંત્રીનું નામ અભયકુમાર અને કાગડાનું નામ...." વત્સરાજ જરા થોભ્યા, ને થોડી વારે બોલ્યા : “અરે, ભારે ભુલકણો છું હું ! વાર્તારસિક સભાજનો, મારી ટૂંકી સ્મરણશક્તિ માટે મને માફ કરશો. એ રાજા કાગડાનું નામ હું સાવ વીસરી ગયો છું. મહારાજ અવંતીપતિ વાતોના ભારે રસિયા છે. એમને જરૂર યાદ હશે...”
અવંતીપતિને આ વાર્તા પોતાને ઉદ્દેશીને હતી, એની અસ્પષ્ટ ખાતરી તો થઈ ગઈ હતી, છતાં છાણે વીંછી ન ચઢવવા માટે એમણે મૌન ધાર્યું હતું. થોડા વખત પહેલાં પોતે મહામંત્રી અભયને ઠંગેલા, એનો જ બદલો લેવા યોજાયેલી આ વ્યૂહરચના હતી. વત્સરાજના આ છેલ્લા શબ્દો સાંભળતાંની સાથે ઉશ્કેરાઈને અવંતીનાથે કહ્યું : “આ ચિબાવલાને કારાગારમાં પૂરી દો ! એની વાર્તા ભલે એને લાગુ પડે. એના દેશમાં વિવેક જેવી વસ્તુ જ લાગતી નથી ! નાના મોંએ મોટી વાત કરતાં અને શરમ પણ આવતી નથી !”
તરત જ સુભટોએ વત્સરાજ ઉદયનને ત્યાંથી કારાગાર તરફ દોર્યો. વત્સરાજે ઉન્નત મસ્તકે જતાં જતાં ગર્વભેર કહ્યું :
યાદ રાખજો, અવંતીપતિ ! હું પણ એક દહાડો જે રીતે અભયકુમાર ગયા
વત્સરાજ અને વનરાજ D 145