________________
આમ આખાબોલા માનવી કંઈ કંઈ બોલતાં. અપ્રિય ટીકાઓ હસતે મોંએ સાંભળવી, એ પણ મોટું તપ છે. સાધ્વીરાણી એ તપ તપી રહ્યાં; મનમાં જરાય માઠું લગાડતાં નથી.
ખરી વાત !” કોઈ ટેકો આપતું, “આ તો સો ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠાં જેવું જ ને ?"
કોઈ જરા ડાહ્યું લેખાતું માણસ ભવિષ્યવાણી ભાખતું: “જોજો ને, જરા બધું થાળે પડવા દો ને ! પછી તો લે દેવ ચોખા ને કર અમને મોકળાં ! આ તો પતિનો શોક તાજો હતો. માથે પેલો ચંડપ્રઘાત એને પરણવાની રઢ લઈ બેઠો હતો. દીકરાની ગાદી જાય તેવી પરિસ્થિતિ હતી. એટલે હજાર રોગનું એક ઓસડ ! શીશ મુંડાવ્યું કે હજાર લપ છૂટી !'
“વાત સાચી છે તમારી !" પારકી પંચાતમાં પટેલ જેવા એકે કહ્યું : “ભાઈ ! ફૂલની શય્યામાં પોઢનારીને આ કઠણ ભૂમિ કેમ ભાવે ? ક્યાં સુધી ભાવશે એની શંકા છે.”
- પૃથ્વી સામે નજર માંડીને ચાલતાં સાધ્વીરાણી આ બધો લોકાપવાદ સાંભળે છે, પણ મનમાં કંઈ આણતાં નથી; વિચારે છે કે : “લોકો તો જેવું જુએ તેવું કહે, જેવું જાણે તેવું વંદે, એમાં રીસ કેવી ? અને એ ખોટું પણ શું કહે છે ? મને મારા સૌંદર્યનું અભિમાન હતું. અને યુવાનીના શોખ પણ ક્યાં ઓછા હતા ? કોઈ રૂપવતીનું નામ પડતાં પ્રતિસ્પર્ધામાં મારો ગર્વ સાતમા આસમાને જઈ અડતો. મારા એક એક ઘાટીલા અંગ માટે મને ભારે અભિમાન હતું. હું કોઈને ગણકારતી નહિ. ભાઈ, એ તો જેણે ગોળ ખાધો હોય. એણે ચોકડાં પણ સહવાં જ જોઈએ ને !”
જેમ નિંદા સાંભળતાં જાય છે, તેમ સાથ્વીરાણીનું હૈયા કમળ વિકસિત થતું જાય છે. રે, લોકનિંદા સહન ન કરી શકે એ સાધુત્વની કિંમત કેટલી ?
ભગવાન મહાવીર વારંવાર કહે છે : “કીર્તિ તમને ફુલાવે, અપકીર્તિ તમને અકળાવે, તો વ્યર્થ છે તમારી સાધુતા ! કીર્તિ-અપકીર્તિ તો સાધુના ઘરનાં મોભ ને વળીઓ છે.”
ભગવાન મહાવીરના સાધુસંઘના નેતા છે, સુધર્માસ્વામી - ધર્મના જીવંત અવતાર, ભગવાન મહાવીરના સાધ્વીસંઘનાં નેતા છે આર્યા ચંદના - ચંદનકાષ્ઠથીય વધુ પવિત્ર.
આર્યા ચંદના આ સાધ્વી મૃગાવતી તરફ કંઈક કઠોર વર્તાવ રાખે છે. સુખશીલિયા જીવો સુખ-સગવડ તરફ ફરી જલદી ખેંચાઈ ન જાય, એ માટે તેઓ સતત જાગ્રત રહે છે; તપ, જપ ને વ્રતની કઠોરતાને જરાય નરમ પડવા દેતાં નથી. એક રાજરાણી તરફ આર્યા ચંદનાનો અતિ કઠોર ને લુખ્ખો વર્તાવ સહુને ખૂંચે
132 D પ્રેમનું મંદિર
છે. આખો સમુદાય કહે છે, કે દરેક વાતની ધીરે ધીરે કેળવણી કરવી ઠીક પડે. માથું મૂંડાવવાની સાથે જ ભલા કંઈ મન મૂંડાઈ જતું હશે ? માત્ર વેશ ધારણ કર્યું શું વૃત્તિઓ વશ થઈ જતી હશે ?
પણ સાધ્વી-રાણી મૃગાવતીને હૃદયે અપાર વિવેક છે. એ કંઈ બોલતાં નથી; સર્વ કંઈ સહન કરી લે છે. શત્રુના ઘા સાધુ હોંશથી સહન કરે, તો આ તો શુભચિંતકની કઠોરતા હતી, રાણી તો મનમાં ને મનમાં વિચારે છે : “રે, હું કેવી શિથિલ છું ! આર્યા ચંદનાને મારે કાજે કેવો પરિતાપ વેઠવો પડે છે ! ધિક્ મારું જીવન !”
સાધુસંઘમાં ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ યોગ્ય નથી લેખાતું. બાકી સાંસારિક સંબંધે મૃગાવતી માસી છે ને આર્યા ચંદના ભાણેજ છે. મૃગાવતી વસ્રદેશના રાણી છે ને ચંદના અંગ દેશના રાજ કુમારી છે. ચંદનાનાં માતા ધારિણીદેવી ને મૃગાવતી સગી માજણી બહેનો હતી.
ભૂંડો ભૂતકાળ યાદ કરવાથી શું ફાયદો ? બાકી પ્રપંચી રાજ કાજ માં કોણ કોનું સગું ને કોણ કોનું સંબંધી ! મૃગાવતી રાણીના પતિએ પોતાના સાઢુભાઈ પર ચઢાઈ કરી. સાધુ મરાયા ને સાળીને આપઘાત કરી જીવનનો અંત આણવો પડ્યો. એ લડાઈની લૂંટમાં ભાણેજ ચંદના ગુલામ તરીકે વેચાઈ,
ભલું થજો ભગવાન મહાવીરનું કે ચંદનાને દાસત્વમાંથી મુક્ત કરી, સાધ્વીસંઘના નેતૃપદે સ્થાપ્યાં. એટલે જો કે આર્યા ચંદનાએ રાજ મહેલનાં રાજસુખ નહોતાં માણ્યાં, પણ એના વિકારો ને વિલાસોના પરિતાપ અવશ્ય જાણ્યા હતા. - જમનાર રોટલી પર વધુ ઘી ચોપડે, તો એ રોટલી પોતે જ ખાઈ શકતો નથી. એ વાત જગજાહેર હતી કે આ રૂપરાશિએ પોતાના પતિને પણ ભ્રાન્તિમાં નાખી દીધેલો. “માઘ સ્વતી જ' એવો ભય કૌશાંબીપતિને લાગેલો.
આખરે પતંગિયું પોતાની દીપલાલસામાં જળી મર્યું. રાજા શતાનિક અકાળ મૃત્યુ પામ્યા ને પછી આ નિઃસહાય રૂપને પોતાનું કરવા ઉજ્જૈનીનો રાજા ચંડપ્રદ્યોત ચઢી આવ્યો.
દિવસો સુધી યુદ્ધની કાળી છાયા દેશ પર પ્રસરી રહી, ખુદ રાણીએ રૂપલાલસાનાં જૂઠાં સ્વપ્ન આપી અવંતીપતિને દિવસો સુધી છેતર્યો !
એ તો ભલું થજો ભગવાન મહાવીરનું કે દેશને યુદ્ધમાંથી ઉગાર્યો, ને મૃગાવતીને સાધ્વી બનાવી નિર્ભય કરી.
એટલે આર્યા ચંદનાએ રૂપ તરફની સતત ચોકીદારીને પોતાનો સ્વાભાવિક ધર્મ લેખ્યો હતો. રૂપને સંસારમાં કંઈ ઓછાં ભયસ્થાનો છે ? રૂપને તો ફૂલની જેમ
પ્રેમમંદિરની પ્રતિમા D 133