________________
ભરી રાખવું ને કામનાઓ પૂરી કરવી, બંને બરાબર છે. ભોગોથી કદી તૃષ્ણા શમતી નથી. વેરથી અંતરની આગ ઠંડી થતી નથી. કામો પૂર્ણ થવાં શક્ય નથી, અને જીવિત વધારી શકાતું નથી.”
મધરાતનો શીળો પવન રેતીના ખરબચડા પટને એક સમાન બનાવી દે, એમ સહુનાં અંતર સમાન બની ગયાં.
પ્રભુએ કહ્યું; “તમે જ્ઞાની છો નહિ, એની ચિંતા નથી. તમે તર્કવાદ કે તત્ત્વવાદમાં કુશળ છો કે નહિ, તે જાણવાની પણ જરૂર નથી. સંયમ, ત્યાગ ને તપ તમારી પાસે હોય, તો તમારું કલ્યાણ કરવા માટે એ પૂરતાં છે.”
ભગવાન તો દૃષ્ટાંતશૈલીથી ઉપદેશ આપનારા હતા. એમણે તરત જ એક દૃષ્ટાંત ઉપાડ્યું :
મહાનુભાવો, આસક્તિ ભારે ભુંડી ચીજ છે. ભોગ ભોગવવાથી શાન્તિ થતી નથી, પણ એથી તો ઊલટી આહુતિ આપેલ અગ્નિજવાળાની જેમ ભોગલાલસા વધે છે. એક સાચું બનેલું દૃષ્ટાંત તમને કહું છું :
ચંપાનગરીમાં એક મહાકામી સ્ત્રીલંપટ સોની રહેતો હતો. એ જ્યાં જતો ત્યાંથી રૂપાળી કન્યાઓ પસંદ કરીને લાવતો, ને પાંચસો સોયા આપીને તેની સાથે પરણતો. આમ કરતાં કરતાં એણે પાંચસો સ્ત્રીઓ એકઠી કરીપણ ઉંમર કંઈ કોઈના માટે થોભતી નથી. એ જુવાન સ્ત્રીઓ લાવ્યો, પણ એની જુવાની તો ચાલી જવા લાગી. ઔષધથી, લેપથી, વાજીકરણથી એને રોકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એ ન રોકાણી. કોઈ વાર લાગે કે પોતાના અતિ આગ્રહોપચારથી એ રોકાઈ ગઈ ને પાછી ફરી, પણ બીજે દિવસે ખબર પડતી કે એણે બે દિવસના પંથ એક દિવસમાં કાપ્યા છે. પણ જેમ જેમ સુંદર ને યુવાન સ્ત્રીઓની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ સ્ત્રીઓના શીલ માટેની એની શંકા વધતી ગઈ. એણે વિચાર્યું કે મને આટઆટલી સ્ત્રીઓથી પણ સંતોષ નથી, તો આ અષ્ટગુણ કામવાળી કામિનીઓને મારા એકથી સંતોષ કેમ રહે ? આ માટે એણે ખૂબ ધન-સંપત્તિ બગાડીને કોટકિલ્લાવાળું મકાન બનાવ્યું. અંદર કોઈ પ્રવેશી ન શકે તેવા ગુપ્ત ખંડ બનાવ્યા. દરવાજા પર કૂર પંઢ પહેરેગીરો મૂક્યા. તેમ જ તમામ પત્નીઓને આજ્ઞા કરી કે જે સ્ત્રીને પોતાની પાસે આવવાનો વારો હોય તે જ તે દિવસે સ્નાન કરે, શૃંગાર કરે, વસ્ત્રાભૂષણ સજે; બીજી કોઈ કશું ન કરે !
આ પ્રમાણે ક્રમ ચાલ્યા કરે, પણ સૌનીને સ્ત્રીઓ ઉપર વિશ્વાસ આવે જ નહિ. કોઈ બારી ઉઘાડી રાખી હવા આસ્વાદવા ચાહે તો તે તરત કુપિત થઈ જાય, કંઈ કંઈ આક્ષેપો કરે. પોતાના કોઈ મિત્ર સાથે હસીને વાત કરે તો ભારે વહેમમાં
પડી જાય. આ કારણે એણે મિત્રોને આવતા બંધ કર્યા ને પોતે મિત્રોને ત્યાં જતો બંધ થયો.
એક વાર એવું બન્યું, કે સોનીનો કોઈ બાળમિત્ર અને જમવાનું નિમંત્રણ આપવા આવ્યો. સોનીની ઇચ્છા તો આ સ્ત્રીઓને રેઢી મુકીને ક્યાંય જવાની નહોતી, પણ આ મિત્રને ના કહી શકાય તેમ પણ નહોતું. બિચારાએ અનિચ્છાએ જવાનું કબૂલ કર્યું, તેણે પાંચસોય સ્ત્રીઓને બોલાવી હુકમ કર્યો કે તમારે હું ન આવું ત્યાં સુધી આ ખંડની બહાર ડોકિયું પણ ન કરવું ! બારી-બારણાં ખુલ્લાં રાખવાની તો વાત કેવી ! સ્ત્રીઓએ હા ભણી.
સોની મિત્રને ઘેર જવા રવાના થયો. પાંચસો સ્ત્રીઓએ ભારે છુટકારાનો દમ ખેંચ્યો. સોનીને પાછા ફરતાં વિલંબ થશે, એમ જાણી સહુએ ઘણે દિવસે બહાર ફરવા જવાનો નિર્ણય કર્યો. પાંચસો સુંદરીઓએ સ્નાન કર્યું, શૃંગાર કર્યો, વસ્ત્રાભૂષણ સજ્યાં ને હેલિ-પ્રહેલિકા મચાવતી બહાર નીકળી. બનવા કાળ છે, પેલો સોની અડધે રસ્તેથી પાછો ફરી ગયો ! એને પોતાનું અંતઃપુર સૂનું મૂકવું ન રુચ્યું. ને બધી સ્ત્રીઓ સ્વતંત્ર રીતે આનંદ-પ્રમોદ માણતી હતી, ત્યાં આવી પહોંચ્યો !
બધી સ્ત્રીઓને ઠાઠમાઠ સાથે આનંદ-પ્રમોદ કરતી જોઈને સોનીને પગથી તે માથા સુધી ઝાળ લાગી ગઈ ! એણે એક નાનીશી કોમળ કળી જેવી સ્ત્રીને પકડી અને એની ગળચી દાબીને એને મારી નાખી.
“સોની બેસાડવા તો ગયો દાબ, પણ પેલી અબળાઓના મનમાં આવ્યું કે અરે, આ એકને મારી નાખી. હવે એકે એકે આપણ સહુને મારી નાખશે. એટલે પોતાનો જીવ બચાવવા અબળાઓ સબળા બની. હાથમાં રહેલાં દર્પણ વગેરે. સાધનોથી સોનીને ઝૂડી નાખ્યો. સોની ત્યાં ને ત્યાં પંચત્વ પામ્યો. સ્ત્રીઓ એના શબ સાથે ચિતા જલાવી સતી થઈ !!”
ભગવાન થોભ્યા. એમની વાણીએ વિરામ લીધો. આખી પરિષદાનાં દૃષ્ટિશર જાણે રાજા ચંડપ્રદ્યોતને ભેદી રહ્યાં. અરે, આ દૃષ્ટિશર ઝીલવા કરતાં તો દેહ પર તલવારના ઘા ઝીલવા સહેલા છે ! શરમથી ભૂમિ માગ આપે તો સમાઈ જાઉં એમ રાજાને થઈ આવ્યું ! છતાં નત મસ્તકે પ્રદ્યોત બેઠો રહ્યો.
ભગવાન જાણે સહુનાં મનની આ સ્થિતિ પારખી ગયા. અનેકાંતષ્ટિના સ્વામી કોઈ એકાંત વિધાન કરવા માગતા નહોતા. જેવા નર તેવી નારી, નર-નારી તો બાહ્ય રૂપ છે. આત્મા તો બંનેને સમાન છે. આ માટે વધુ સ્પષ્ટતા કરવા એમનો વાણીપ્રવાહ પુનઃ ચાલુ થયો :
“મહાનુભાવો, આ કથા તો હજી કથયિતવ્યનો અર્ધભાગ માત્ર છે. અર્ધભાગ હજી શેષ છે. કથા આગળ ચાલે છે. માનવજીવન જન્મ અને પુનર્જન્મના તાંતણે
પ્રેમનું મંદિર : મહાવીર | 119
118 પ્રેમનું મંદિર