________________
વેરના ઘોર અંધકાર જેવો અંધકાર જામતો જતો હતો. ચિતારાના હૃદયમાં પણ પ્રતિહિંસાનો વેરનો-પ્રતિશોધનો અંધકાર જામતો જતો હતો.
અરે ! હું નિર્બળ એટલે જ રાજાએ મને અપમાન્યો, ઠગ્યો, તિરસ્કાર્યો ને સુખી જિંદગીથી બાતલ કર્યો ! જો હું સબળ હોત તો ? તો તો રાજા મને સ્પર્શી શક્યો પણ ન હોત ! એણે પોતાના શત્રુ ચંપાના રાજાની રાણીને જેમ એક સૈનિકને હવાલે કરી ને છોકરીને ગુલામ બજારમાં હડસેલી, એમ હું પણ એની રાણી મૃગાવતીને... અને વત્સરાજનું અભિમાન ચૂર્ણ ચૂર્ણ થઈ ગયું હોત !
ચિતારો એક વાર હસ્યો. વેરની ધૂનમાં અને પોતાની નાનીશી કાયા પડછંદ લાગી. એનું મન નાનું બનીને જે પોતાને જ ગળી જતું હતું. એમાં જાણે વાઘે બોડ નાખી, એ હુંકાર કરવા લાગ્યું. એના મનમાંથી દીનતા સરી ગઈ, નિર્માલ્યતા નીસરી ગઈ !
‘પણ હું નિર્બળ છું.” વળી મન ક્ષણભર ગળિયા બળદની જેમ બેસી ગયું. વળી મનમાં બોડ નાખીને બેઠેલું વેરનું વધુ છીંકોટા નાખવા લાગ્યું !
‘તું નિર્બળ નથી, સબળ છે. તારી પાસે કળા છે. કોઈ સબળ રાજાને સાધી લે. લોઢાથી લોઢું કપાય, હીરાથી જ હીરો કપાય; ઝેરથી ઝેર ટળે.’
ચિતારો આવેશમાં આવી ગયો; ઊભો થઈ મોટાં ડગ ભરી ચાલવા લાગ્યો. એ મનોમન બોલ્યો : મારી વિદ્યા, મારી કલા ! ગઈ, એ તો આ અંગૂઠા સાથે ગઈ ! હવે આ આંગળીઓ રૂડાં ચિતરામણ નહિ કરી શકે, સંસાર મુગ્ધ બની શકે એવાં ચિત્રકાવ્યો નહિ સર્જી શકે ! છેલ્લી અપૂર્વ કૃતિ, જેણે અપમાન ને તિરસ્કાર આપ્યાં, જીવતા મોતની ક્ષિસ કરી, એના જેવી અપૂર્વ છબી હવે એ નહીં દોરી શકે ! રે મૂર્ખ ! આ રોતલવેડા કેવા ! કોઈ પણ રસ્તે કાર્યસિદ્ધિ કરી લે. વારું, ચિત્ર નહીં દોરી શકાય, તો એ ઉઠાવીને પણ નહિ લઈ જવાય ? આ શેતાન સંસારમાં માણસે કાર્યસિદ્ધિ માટે એટલા અપ્રામાણિક બનવામાં લેશ પણ વાંધો નથી !
ઉઠાવી લાવું ? ચિતારો ઘડીભરમાં ચોર બની ગયો. એના પગ નિસરણી જેવા થઈ ગયા. એના હાથને પાંખો આવી. એના વાળ સિસોળિયાં જેવા ખડા થઈ ગયા. એના નખોમાં જાણે વાઘનખ આવીને બેઠા.
એને યાદ આવ્યો એક રાજવી : મહાબળવાન, મહાપરાક્રમી, મહાવિષયી ! અને તે ઉજ્જૈનીનો રાજા પ્રદ્યોત. વીર અને શૃંગારરસનો સ્વામી ! સ્ત્રી-સૌંદર્યનો એવો શોખીન કે ન પૂછો વાત ! એક સ્ત્રી મેળવવા રાજ આખું ડૂલ કરી નાખે એવો મમતી ! લીધેલી વાત પૂરી કરવા માથું ઉતારીને અળગું મૂકે એવો જિદ્દી ! એ કહેતો કે, સ્ત્રી તો રત્ન છે; ઉકરડે પડ્યું હોય તોપણ લઈ આવવું.
68 – પ્રેમનું મંદિર
ચિતારો હસ્યો, પણ એને થોડી વારમાં યાદ આવ્યું કે પ્રદ્યોતની રાણી શિવાદેવી તો રાણી મૃગાવતીની બહેન થાય. એ આ કાર્યમાં વિઘ્ન નહિનાખે ?
પળવાર ગૂંચવાડો થઈ આવ્યો. શાન્તિ કરતાં અશાન્તિ બળવાન છે. ક્ષમા કરતાં ક્રોધમાં અનંતગણી તાકાત છે. વિષયનાં ઝાડ કલમી ઝાડ જેવાં છે. એનાં પર ઝટ ફળફૂલ બેસે છે !
ચિતારાને એકદમ યાદ આવ્યું : અરે, પણ હું કેવો મૂર્ખ છું ! શું ચંપાના રાજાની રાણી ધારિણી મૃગાવતીની બહેન નહોતી ? અને એને માથે શું શું ન વીત્યું ? પછી અગર શિવાદેવી મૃગાવતીની બહેન હોય તેથી શું ? રાજકુળમાં કોણ કોનું સગું ? કોણ કોનું વહાલું ?
અહિકુળ જેવું જ રાજકુળ ! પારકાંય ખાય ને પોતીકાંયે ખાય !
શાબાશ વીર રાજા પ્રદ્યોત ! મૃગાવતી જેવું રત્ન તારે જ યોગ્ય છે. કાયર શતાનિક તો એની પાની ચૂમવાને પણ લાયક નથી. કાગડો દહીંથરું લઈ ગયો છે ! ચાલ, વિધાતાની ભૂલ સુધરાવી લઉં ! તારે મન જેવી શિવા એવી એની બહેન ! શિવા કરતાં રૂપમાં, રંગમાં, રસમાં ચાર ચાસણી ચઢે તેવી.
ચિતારો જાણે રાજા પ્રદ્યોતને સંબોધી રહ્યો, રે રંગીલા રાજવી ! મૂર્ખ શતાનિક મૃગાવતીને ન આપે તો યાદ કર તારો ક્ષાત્ર ધર્મ !... લડાઈ, હિંસા, પ્રતિહિંસા, પ્રતિશોધ, ક્રૂરતા, અત્યાચાર, કત્લેઆમ ! બાળકોને ફૂલના દડાની જેમ આકાશમાં ઉછાળી છૂંદી નાખવાનાં ! સ્ત્રીઓના મૃદુ અવયવોને ભ્રષ્ટ કરીને કાપી નાખવાના. એક એક સશક્ત જુવાનને જે સામે થાય તેને – હણી નાખવાનો, શરણે આવે એને મૃતપ્રાયઃ કરી નાખવાનો !
-
ચિતારો કલ્પનાપટમાં યુદ્ધનું ચિત્ર આળેખી રહ્યો. થોડી વારે એ ભયંકર રીતે હસ્યો : “બિચારી પ્રજા ! અરે ગુનો રાજાનો એમાં પ્રજા પર જુલમ ? રાંક પ્રજા !”
“રાંક પ્રજા !” ચિતારો પોતાના પ્રશ્નનો પોતે જ ઉત્તર આપવા લાગ્યો : “રાંક શા માટે ? એણે જ આવા નાલાયક માણસને રાજા બનાવ્યો; એણે જ રાજાને લડવા માટે સૈનિકો ને રાજ ચલાવવા માટે કર્મચારીઓ આપ્યા. પ્રજાના જોર પર તો રાજા કૂદે છે. સત્ય ને ન્યાયની ડિંગો ઠોકનાર એક પણ પ્રજાજન શા માટે મારા પર થતા જુલમની આડે ઊભો ન રહ્યો ? અંગૂઠો કાપવા દઈ શા માટે મને જીવતું મોત અપાવ્યું ? મને જીવતો શા માટે દફનાવી દીધો ?
“સંસારમાં દયા-માયા ક્યાં છે ? સબળ-નિર્બળની અહીં જોડી છે. રાજા સૈનિકને દંડે છે. સૈનિક શ્રેષ્ઠીને દંડે છે. શ્રેષ્ઠી ગુમાસ્તા પર રોફ કરે છે. ગુમાસ્તો ચાકર પર રોષ ઠાલવે છે. ઘરની સ્ત્રી પોતાના બાળકને ઢીબીને શાન્ત થાય છે.
સબળ નિર્બળને ખાય D 69