________________
ચિતારો રાજશેખર
રે ! કૌશાંબીની રૂમઝૂમતી હવા હમણાં ભારે કાં લાગે ! શ્વાસોશ્વાસ લેતાંય થાકે કાં ચઢે ! અરે, વગર વિષાદે મનમાં રોવું રોવું કાં થયા કરે ! વગર કારણે પોતાના પર અને પારકા પર ખીજ કાં ચઢવા કરે ? ગવૈયાઓ સિતાર પર કરુણાનાં ગીત કાં બજાવે ? બધા હસે છે, પણ ૨ડવા કરતાં હસવું ખરાબ લાગે છે. ઊજળાં મોં કોઈનાં નથી. કોઈ ભારે સામૂહિક પાપ સહુને આવરીને તો બેડું નથી ને ?
યક્ષમંદિરનો ચિતારો રાજ શેખર પણ કોઈ ભારે પળયોગમાં આવ્યો છે. કૌશાંબીનાં મહારાણી મૃગાવતીના રૂપની ઘણી પ્રશંસા એણે સાંભળી હતી. મહારાણીને નજરે નીરખીને એ દીવાનો બની ગયો. રૂપનું પ્રચંડ ઝરણું ત્યાં પોતાના પુરદમામથી ખળખળ નાદે વહેતું હતું.
શું સુકુમારતા ! શી સુરેખતા ! શી સુડોળતા ! શું લાવણ્ય ! એક એક અવયવ કવિની કલ્પનાને બેહોશ બનાવે એવું હતું. ઉષાની લાલાશ એ દેહ પર રમતી હતી. ચંદ્રની સૌમ્યતા અને પુષ્પની ખુશબો ત્યાં બિરાજતી હતી. ગાલે ગલફૂલ પડ્યાં હતાં ને લજ્જાનાં ડોલર ત્યાં સદા ખીલેલાં રહેતાં.
દેવીએ ઝીણું પારદર્શક હંસલક્ષણ વસ્ત્ર પરિધાન કર્યું હતું, જે શ્વાસ માત્રથી પણ ઊડી જાય એવું હતું. ચીનાંશુકની ગુલાબી કંચુકી બાંધી હતી ને માથે કમળની વેણી ગૂંથી હતી. સુંવાળા મૃગચર્મનો ગળપટો ગળે વીંટ્યો હતો. વત્સદેશની મહારાણીને નીરખીને ચિતારાતી પીંછી સ્તબ્ધ બની ગઈ.
ચિતારો સાવધ બને, એના રંગ જમાવે, ત્યાં તો મહારાણી મૃગાવતી બેઠાં ન બેઠાં ને ચાલ્યાં ગયાં. દાસી કંઈ સમાચાર લાવી હતી. એ સાંભળી, ઉનાળે જાણે વાદળ વીજળી ઝબૂકીને અદૃશ્ય થઈ જાય તેમ, તે ચાલ્યાં ગયાં અને જતાં જતાં એ
કહેતાં ગયાં :
“રે, ન જાણે કેમ, આજે મન ભારે છે. નથી ઉતરાવવી છબી ! મને જોઈને માત્ર મોહ પામનારા કે મુગ્ધ બની જનારા મને શું ન્યાય આપશે ? આજ સુધી તો મારા રૂપયૌવનભર્યા દેહને કોઈ ચિતારો એના ચિત્રફલક પર સંપૂર્ણતાથી ચીતરી શક્યો નથી, તો આ બિચારો શું...” મહારાણીએ પોતાના ભુવનમોહન સૌંદર્ય વિશેનું અભિમાન પ્રગટ કર્યું ને સાથે સાથે સ્વમાની ચિતારાના અહંકાર પર ઘા કર્યો.
ઘાયલ થયેલો બાજ જેમ બેવડી ઝપટ કરે , એમ યથ મંદિરનો ચિતારો રાજ શેખર અભિમાનથી બોલી ઊઠ્યો : “મારી કળાને લાંછન ન દેશો, રાણીજી ! સાંભળી લો, છેલ્લો ને પહેલો બોલ : વિદ્યા ને વધુ બંને હોડમાં મૂકું છું. વસુની તો તમાજ નથી ! મહારાણી મૃગાવતીની છબી દોરાશે-માત્ર છબી નહિ, સાંગોપાંગ દેહયષ્ટિ ! રંગ અને રેખામાં આ ચિત્રફલક પર ટૂંક સમયમાં એ અંકિત થશે. મારી જીવનભરની સાધના આજ હોડમાં મૂકી દઉં છું. હવે અહીં ન પધારો તો ભલે, પણ આપની પૂર્ણ છબી યોગ્ય સમયે આવીને જોઈ જશો.*
રાણીજી ગર્વમાં ને ગર્વમાં નૂપુરનો ઝંકાર કરી ચાલ્યાં ગયાં ને ચિતારો પોતાની સાધનામાં પડી ગયો. એણે પોતાના તમામ તૈયાર રંગો ઢોળી નાખ્યાં, તમામ પુરાણી પીંછીઓ કાતરી નાખી. નવા રંગ, નવી પીંછી, નવું ચિત્રફલક !
એણે રાજાજીને કહ્યું : “રાણીજી ફરી અહીં ન પધારે તોપણ આપના શૃંગારભવનનું નિર્માણ અચૂક થશે, ને એમાં મહારાણી મૃગાવતીનું સાંગોપાંગ ચિત્ર હશે – સંસારે કોઈ વખત નહિ નિહાળ્યું હોય એવું આબેહુબ !”
રાજા શતાનિક પ્રસન્ન થયા. એમણે અંતઃપુરમાં જઈ રાણીજીની મશ્કરી કરતાં કહ્યું : “તમે નહિ બેસો તોપણ છબી તો જરૂર દોરાશે. પદ્મિનીનો કંઈ તોટો છે વત્સદેશમાં ?”
બીજી કોઈ પદ્મિની બતાવો તો ખરા !” રૂપગર્વિતા રાણી મૃગાવતી આજ રવે ચઢયાં હતાં, સંસાર જે રૂપને સદા વખાણતું હતું, એ રૂપને પોતે જ પ્રશંસવા બેઠાં હતાં – જાણે ગાય પોતે પોતાના દૂધને ગર્વથી પીવા લાગી !
અને બીજી મળે તો એ પટરાણી બને, એમ કબૂલ છે ને ?” રાજા શતાનિકે મર્મભેદી ઘા કર્યો.
“સુખે એને પટરાણી બનાવજો. તમારે રાજાને શું ? પાંજરાનું પંખી ને અંતઃપુરની રાણી-બેય સરખાં ! જૂનાને ઉડાડી મૂકો, નવાને પીંજરમાં પૂરો !”
“છતાં રાણીજી, હું સારો છું. બીજા રાજાઓને તો જુઓ, ઘોડાસરમાં જેટલા ઘોડા, કચેરીમાં જેટલા કર્મચારીઓ અંતઃવેરમાં એટલી રાણીઓ ! જેટલી વધુ
ચિતારો રાજશેખર D 25