________________
શીખો. જો ઢોર અને સ્ત્રી સારાં લક્ષણનાં હોય તો નિહાલ કરી દે. એમાં બે-ચાર ભાષા સુવર્ણનો લોભ સારો નહિ. તમે માનશો નહિ, શ્રીમાન ! પણ લક્ષણશાસ્ત્ર મારે મોઢે છે. રેખાશાસ્ત્રમાં તો કોઈ પંડિત સાથે વાદમાં ન હારું. અરે, લાંબી-ટૂંકી વાત શું કામ કરવી ? આપણા સેનાપતિ શુલપાણિજી બે વર્ષ પહેલાં એક દાસી ખરીદવા આવેલા; કહે, વિલોચન ! તું જ જોઈ-તપાસીને દાસી આપ; તારા પર ભર્સ છે ! ને શ્રીમાન, પેટછૂટી વાત કહું છું, વેપારમાં તો વિશ્વાસુને જ ઠગાય ! પણ હું એવો વેપારી નથી. મેં એક એવી સુલક્ષણી દાસી આપી, કે સેનાપતિ શૂલપાણિજી ચાર વર્ષમાં તો સાત ભવનું ધન કમાયા અને મહારાજ શતાનિક આજ એમની આંખે જ દેખે છે અને પેલી ત્રણ ટકાની દાસી રાણી બની બેઠી, ને એય એ રાજ મહેલમાં અમનચમન ઉડાવે.’
વિલોચન ભારે વાચાળ ! જો તમે જરા મન બતાવો, તો સાંજ સુધી પોતાનું પુરાણ હાંક્યા જ કરે; બોલે કદી ન થાકે. અને પોતાના માલની આટઆટલી પ્રશસ્તિ કર્યા પછી ભલા ક્યો પાષાણ ન પીગળે ?
પણ આજ તો બજારમાં એનું બોલ્યું ન સંભળાય એટલી ભીડ હતી. ગ્રાહકો કીડિયારાની જેમ ઊભરાણા હતા ને ભારે બૂમાબૂમ કરતા હતા.
વિલોચન તેઓને ઘાંટા પાડીને એક જ વાત કરતો : ‘ઉતાવળા કોઈ થશો મા ! હું જૂનો જોગી છે. દરેક લડાઈ પછી આ રીતે બજારોમાં પડાપડી થાય છે. વેપારી અને ઘરાકને સહુને થાય છે, કે આપણે રહી ગયા; આવી તક ફરી હાથ આવશે નહિ ! અને તેના લીધે ક્યાંક કથીરના ભાવે કુંદન વેચાય છે; તો વળી કોઈ ઠેકાણે કુંદનને ભાવે કથીર જાય છે. પણ હું એવો તકવાદી નથી; ટચ માલનો વેચનારો છું. અમારી સાત પેઢીથી અમે એ નીતિ રાખી છે. સહુ સહુનો માલ હાજર કરો : પદ્મિની, હસ્તિની, ચિત્રિણી, શંખણી – મને પરખ કરતાં વાર નહિ લાગે.”
અરે એ વિલોચન ! કોની વાત કરે કરે છે ? જરા મોં સંભાળીને વાત કર !” એક સૈનિક જેવા માણસે જરા દમ છાંટ્યો. “ધંધો કરવો છે કે ભીખ માગવી છે ? પદ્મિની, પદ્મિની શું કરે છે ? ભલા માણસ, પદ્મિની તો વત્સદેશમાં શું, આખી ભારતભૂમિ પર એક માત્ર મહારાણી મૃગાવતી જ છે. રાજદરબારમાં ખબર પડી તો અવળી ઘાણીએ ઘાલી તેલ કાઢશે. રાજાજીને જાણે છે ? મહારાણી તરફ આંગળી ચીંધનારનો હાથ વાઢે, નજર કરનારનાં નેણ કાઢે, નામ લેનારની જીભ કાપે !”
સૈનિકે ભારે રૂઆબ છાંટ્યો. એણે પોતાની પાછળ દોરીથી બાંધીને એક રૂપાળી છોકરી ઊભી રાખી હતી. ચાંદા જેવું એનું મોં હતું ને હરણાં જેવી એની આંખો હતી. અરે હો ! સૈનિકવર શ્રીમાન વિક્રમાવતારજી ! નમસ્તે, નમસ્તે ! શ્રીમાનું,
2 1 પ્રેમનું મંદિર
આયુષ્યમાન, ગુસ્સો એમ ગરીબ પર ન હોય, અમારે એવા બોલ શા ને વાત શી ! અમારે તો અમારો વેપાર ભલો ને અમે ભલા ! દુનિયા દુનિયાનું ફોડી લે. બાપજી ! અમે તો આપની રાંક પ્રજા છીએ. વાંક આવે તો તો વઢો, એમાં નવાઈ શી ? બલ્ક વગર વાંકે પણ અમને મારવા કે જિવાડવા એ આપ શ્રીમાનની મરજીની વાત છે ! પધારો ને, મારું લક્ષ બીજે હતું. આ ભીડ જુઓ છો ને ?”
ઉસ્તાદ વિલોચને સૈનિકને મીઠી જબાનથી આમંત્રણ આપ્યું ને પોતાની પાસે બોલાવ્યો અને હસતો હસતો એ એને કહેવા લાગ્યો : “શ્રીમાન, લોકો તો ભારે ગાંડા છે. અને એક રીતે પૂછો તો એમનો પણ દોષ નથી; ગરજુ હંમેશાં ગાંડા જ હોય છે. આ બધા એમ માને છે, કે ચંપાનગરીની ફતેહમાંથી આણેલી બધી સ્ત્રીઓ માત્ર પદ્મિની કે ચિત્રિણી જ હોય છે.”
વળી પાછું પદ્મિનીનું નામ લીધું ? અરે મૂર્ખ, એ નામ બોલવું બંધ કર ! પદ્મિની સ્ત્રીના પગની પાની પણ તે જોઈ નથી !” વિક્રમાવતારજીએ ફરી દમ છાંટ્યો.
અરે હાં, ભૂલ્યો સાહેબ ! પધારો પધારો ! બોલો, કંઈ ખપ ? મારા જોગું કંઈ કામ ? શ્રીમાનું, એક વાર તો મારી સાથે કામ પાડી જુઓ, જીવનભર યાદ કરશો, હોં !” વિલોચને વાત બદલી નાખી.
વિલોચન, આજે તો તારા જોશું જ કામ લઈને આવ્યો છું; તારો જ ખપ પડ્યો છે.” સૈનિકે કહ્યું.
અરે શ્રીમાન, તો બોલતા કાં નથી ? કહો તે માલ હાજર. આપની કૃપાથી મારા ખજાનામાં કોઈ ખોટ નથી. અંગનાં ફૂદાં, બંગના ગુલાબ, કાશીની કમલિની, કોશલની કેતકી, મગધની મોહિની, રોરૂની રંભા, કામરુની કામિની : માગો તે મળશે. આપ જાણો છો, કે હું કોઈને છેતરતો નથી, અને તેમાં પણ આપને...”
“મારે માલ લેવો નથી, વેચવો છે.” સૈનિકે એમ કહેતાં પોતાની પાછળ રાખેલી છોકરીને દોરીથી આગળ ખેંચી.
જો, કેવી સુરેખ ને નમણી છોકરી છે !”
એમ ? ત્યારે તો આજે આપ વેપારી થઈને આવ્યા છો, ને હું આપનો ગરીબ ગ્રાહક છું ! વારુ, વારુ, એ તો મહેરબાન, એમ જ ચાલે. ‘કભી નાવ ગાડેમેં, તો કભી ગાડા નાવમેં ! ચિંતા નહિ.” જરા લહેકો કરતો વિલોચન આગળ આવ્યો, અને એક આંખ ઝીણી કરી છોકરીને જોઈ રહ્યો.”
કસાઈ ઘેટું ખરીદતા પહેલાં, કાછિયો શાકનો સોદો કરતાં પહેલાં માલની જાત, એનો કસ વગેરે જે બારીકાઈથી નિહાળે; એ રીતે વિલોચન એ છોકરીને નિહાળી રહ્યો.
વિલોચન D 3