________________
‘મસ્ય-ગલાગલ * શબ્દ ઘણાને અપરિચિત જેવો લાગવાનો સંભવ છે. પણ વસ્તુતઃ એ બહુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણોએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે. આ ઉપરથી બે બાબતો સ્પષ્ટ સૂચિત થાય છે : એક તો એ, કે સબળો નબળાને ગ્રસે, એ વસ્તુ તે કાળે પણ કેટલી સર્વવિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જનસમાજે કેવો અર્થવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતો સરલ શબ્દ વ્યવહારમાં આણેલો. વ્યાકરણ શાસ્ત્રમાં મિશિન, માત્ર અને મત્સ્યકિસ્તાન જેવાં ઉદાહરણો ટાંક્યાં છે. તિમિ એ નાનામાં નાનું માછલું. તેને જરાક મોટું માછલું ગળી જાય એ મત્યને વળી એનાથી મોટું માછલું ગળે, ને એને પણ એનાથી મોટું ગળે. આ બીના ઉક્ત ઉદાહરણોમાં સુચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર ‘મસ્ય-ગલાગલ’ છે. એટલે જયભિખ્ખએ નવલનું નામ યોજ્યું છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ અર્થવાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આળેખતાં એ ભાવ હુબહુ સ્પષ્ટ કર્યો છે. (પ્રકરણ ૧૦મું ‘સબળ નિર્બળને ખાય'),
- પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પોતાના નિવેદનમાં બહુ સચોટપણે અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચકે સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે.
શરૂઆતમાં આપેલ પ્રવચન પ્રમાણે પોતાનો અનાધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી એનો ખુલાસો મારે કરવો રહે છે. ખુલાસામાં મુખ્ય તત્ત્વ તો લેખક પ્રત્યે બહુ મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણો : એક તો લેખકની મેં જાણેલી નિર્ભય વૃત્તિ અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ.
આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તો અમદાવાદમાં સોળસત્તર વર્ષ થયા, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. પણ કહી શકાય એવો પરિચય તો ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશેષ આકર્ષનારી હકીકત તો થોડા વખત પહેલાં જ જાણવા પામ્યો. નૈતિક બળને આધારે, કશા પણ જોખમોનો કે અગવડનો વિચાર કર્યા સિવાય પોતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિષ્ઠાદાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃત્તિ, એ મને આકર્ષનારું જયભિખ્ખના જીવનનું પ્રથમ તત્ત્વ. લગભગ બેંતાળીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્રો સાથે મારે જે સ્થિતિનો સામનો કરવો પડેલો, લગભગ તેવી જ સ્થિતિનો અને તે જ વર્ગ સામે સામનો પોતાના મિત્રો સાથે જયભિખ્ખને કરવો પડ્યો, એ અમારી સમશીલતા, પણ * નવા ફેરફાર વખતે ‘મસ્ય-ગલાગલનું નામ બદલીને ‘પ્રેમનું મંદિર ' રાખ્યું છે.
એથીયે વધારે આકર્ષણ તો તેમનામાં આવિર્ભાવ પામેલ વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે.
હકીકત એ છે, કે જયભિખ્ખ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ નામે શિવલાલ ઠાકરશી દેસાઈ કાશીમાં મારી સાથે હતા. મારાયે પહેલાં તેમણે પોતાને આશ્રય આપનાર અને પોતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળવો કરેલો, અને પૂરેપૂરી અગવડમાં મુકાવા છતાં જરાય નમતું નહિ તોળેલું. એ દૃશ્ય આજે પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે અને મને પણ એ જ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણા મળેલી. જ્યારે મને માલુમ પડ્યું કે બાલાભાઈ એ તો ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ, અને વધારામાં એ માલુમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળવો કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખુ પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે, કે શિવલાલ ઠાકરશી દેસાઈના બળવા વખતે જયભિખુનો જન્મ પણ ન હતો.
આકર્ષનારી બીજી બાબત એ જયભિખ્ખની સાહિત્ય-પરિશીલનવૃત્તિ છે. જે વૃત્તિ સાથે મારું જીવન પહેલેથી જ એક અથવા બીજે કારણે જોડાયેલું છે, તે જ વૃત્તિ સાથે તેમનું આખું જીવન બળ અને આત્મવિશ્વાસે બીજા કેટલાક એવા સંકલ્પો કરેલા છે કે જે પુરુષાર્થી અને સ્વાવલંબી જીવનના જ આધાર ગણાય. મુખ્ય આ બે બાબતોના આકર્ષણે મને અનધિકારના વિચારની ઉપેક્ષા કરાવી અને એ જ સ્થળે લખવાનો મારો -જો અધિકાર કહી શકાય તો) મુખ્ય અધિકાર છે. સરિતાકુંજ, એલિસબ્રિજ , અમદાવાદ-૯, તા. ૧૯-૨-૧૯૫૦
- સુખલાલ
તૃતીય આવૃત્તિ સમયે
જયભિખુ જન્મશતાબ્દી નિમિત્તે આ નવલકથાનો પુનઃ અવતાર થાય છે તેનો આનંદ અનુભવીએ છીએ. એ સમયે હિરોશીમા-નાગાસાકી પર પડેલા બોમ્બની ઘટનાને કારણે લેખકને થયેલો ચિત્તક્ષોભ સાંપ્રત સમયમાં ઠેર ઠેર ચાલતાં યુદ્ધો અને આતંકને પરિણામે આજનો ભાવકે પણ અનુભવે છે. એ દૃષ્ટિએ આ નવલકથા રસપ્રદ બની રહેશે. અમદાવાદ-૭.
ટ્રસ્ટીમંડળ જયભિખ્ખું, સાહિત્ય ટ્રસ્ટ
૨૨