________________
બની બેઠું છે. તમે પ્રત્યેક પળે બદલો લેવાની-યુદ્ધ દેવતાની-ઉપાસનામાં પડ્યા છો ! ‘પરનો વધુ વિનાશ’ એ તમારો ધર્મ બન્યો છે !
રે જીવ ! બહાર યુદ્ધને શા માટે શોધે છે ? આ બાહ્ય યુદ્ધ એ આપણા મનની કલેશકર, પી, દંભી સ્થિતિનો પડઘો માત્ર છે. યાદ રાખો, યુદ્ધનો આરંભ પહેલો આપણે આપણા અંતરમાં કરીએ છીએ, પછી જ આસપાસમાં લડીએ છીએ. યુદ્ધ તો તમારે તમારી જાત સાથે જગાવવું ઘટે, જેને હણ્યા વગર તમારો ઉદ્ધાર નથી એ તમારો ખરો શત્રુ ને ખરો ચોર તો તમારી અંદર જ બેઠો છે; એને હણો. રાજ શાસન મોટું છે, તો ધર્મશાસન એથીય મોટું છે અને એથીય મોટું છે આત્મશાસન. આત્માના રાજ્યમાં આવો, એકબીજાને સમજો , સહયોગ કરો ! સંઘર્ષ, દ્ધ, હિંસા ને યુદ્ધને સમાપ્ત કરો. વિશ્વબંધુત્વવાળું વિશ્વશાસન જગાવો ! પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવો !”
વાસવદત્તા ઊભી થઈ. એ નરી પ્રેમ-પ્રતિમા સમી હતી. સહુને વાસવદત્તાને જોઈને એની સાસુ રાણી મૃગાવતી યાદ આવતી હતી, જાણે દીવે દીવો પેટાયો હતો.
વાસવદત્તાએ હાથ જોડીને કહ્યું : “માણસ, માણસ વચ્ચે પ્રેમની સ્થાપના કેવી રીતે થાય, પ્રભુ ?”
પોતાના ને પારકાના ભેદ ભૂલી જાઓ. સહુ જીવને સમાન માનો. બિલાડી એ જ દાંતથી પોતાના બચ્ચાને પકડે છે ને એ જ દાંતથી ઉંદરને પકડે છે; પણ બેમાં ફેર કેટલો છે ? માણસે માણસ સાથે, કેમ વર્તવું એનું આ દૃષ્ટાંત છે. લોકવિજયી બનો ! લોકવિજય માટે ઇંદ્રિયજય આવશ્યક છે. આખો સંસાર પોતાના સુખ માટે અન્યને દુ:ખ ઉપજાવનાર હિંસક બન્યો છે. અસત્ય વદતાં એને આંચકો આવતો નથી, મફતમાં લેવાનો એ ઉત્સાહી છે. વ્યભિચારમાં એ અતિચાર કે અનાચાર જોતો નથી. પરિગ્રહમાં પંડિતાઈ માને છે, ને બીજાનું લૂંટીને એ ઘર ભરવા માગે છે. બીજાને હણીને એ જીવવા માગે છે. બાવળનું વૃક્ષ વાવીને એ બકુલના પુષ્પ ચૂંટવા માગે છે. આવું બધું છોડો એટલે પ્રેમ આપોઆપ પ્રગટશે.”
રાણી પદ્માવતી, જે મગધ-પુત્રી હતી અને જેના કારણે વત્સ અને મગધ એક બન્યાં હતાં, એ આગળ આવી અને બોલી :
“સંસારના સુખ માટે પોતાના સુખને દેશની વેદી પર હોમનાર વાસવદત્તા જેવી મહારાણીને ધન્ય છે. પ્રભુ ! આવે વખતે એમ લાગે છે કે લેવામાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગવામાં વધુ છે. લીધેલું કોઈ વાર આપી દેવું પડે, પણ ત્યાગેલું તો એકનું બારગણું આવી મળે છે. ભગવાન ! પૃથ્વીને દ્વેષ ને દુ:ખનો દાવાનળ બનાવનાર લાલસાઓ વિશે કંઈક કહો.”
200 પ્રેમનું મંદિર
સાક્ષાત પ્રેમમંદિર સમા, જેમના પિંડમાં બ્રહ્માંડનો સાક્ષાત્કાર થયો હતો, એ ભગવાન મધુર વાણીથી બોલ્યા :
“ભૌતિક સુખલિસાઓએ તમારાં સુખોને સૂકવી નાખ્યાં છે. જીવનની સુખસગવડો અને આવશ્યક્તાઓએ તમારાં કર્મોની આતાને હણી નાખી છે. જાત માટેની સગવડતાએ પરનું શોષણ વધારી દીધું છે. જે વધુ કામી, વધુ ક્રોધી, વધુ માની, વધુ લોભી એની તમે પ્રશંસા કરી છે અને જાણ્યે-અજાણ્યે સમાજમાં તેની પ્રતિષ્ઠા કરી છે. ને બદલામાં પૃથ્વીને વધુ ને વધુ દુઃખ ને સંતાપ મળ્યાં છે.”
રાજા ઉદયને પ્રભુને બે હાથ જોડીને કહ્યું : “હે કૃપાનાથ ! સુવર્ણ અને સૌંદર્ય જગત પર ભારે ચૂડ ભરાવી છે. એ વિશે આપ કંઈક કહો.”
“સુવર્ણ અને સૌંદર્ય સંસારની મહાશક્તિઓ છે. પણ શક્તિ હંમેશાં ભક્તિ માગે છે. નહિ તો એ એના ધારકનો જ નાશ કરે છે. કંચન અને કામિનીનો તમારો શોખ હદ વટાવી ગયો છે અને એટલે જ તમારે માટે એ સુખ ને સગવડરૂપ બનાવવાને બદલે ભારરૂપ ને સંતાપરૂપ બન્યાં છે. એ તમારાં કેદી બન્યાં છે, તમે એમના તાબેદાર બન્યા છો. તમે જેને સુખ માનો છો, એ તો માત્ર પ્રચ્છન્ન દુઃખ છે. માટે સંક્ષેપમાં કહું છું. સાર ગ્રહણ કરવો હોય તો કરી લેજો . સુખ માટે સંયમી બનો ! અહિંસા તમારા જીવનને, અપરિગ્રહ તમારી સુખસગવડોને અનેકાન્ત તમારા વિચારોને અજવાળી રહો ! સ્નેહ અને સૌ થી જીવો ! તપથી ને ત્યાંગથી જીવો ! દયા ને દાનથી જીવો ! આપીને ખુશી થાઓ ! માફ કરીને મોટા થાઓ ! સહુને અભય કરી નિર્ભય બનો !
તમે જે કરો એમાં એટલું યાદ રાખજો કે લેનાર કરતાં દેનાર મોટો છે. જીવનાર કરતાં જિવાડનાર મોટો છે. ખાનાર કરતાં ખવરાવનાર મોટો છે. માણસ શાસ્ત્ર, શાસ્ત્ર ને સંપત્તિથી મોટો નથી થતો; સેવા, સંયમ, સમર્પણ, તપ ને ત્યાગથી મોટો થાય છે !'
રાજા પ્રદ્યોતની આંખો પરથી જાણે પોતાની અંધારપટ્ટી અલગ થતી હતી, એનાં હૃદયચક્ષુ ઊઘડતાં હતાં. એણે કહ્યું :
“ભગવાન ! ટૂંકાણમાં કંઈક કહો. સાગર સમાવી દેનાર ગાગર અમને આપો. એ ગાગરના જળનું અમે રોજ આચમન કરીશું. બળ પરથી મારી શ્રદ્ધા ડગી ગઈ છે.”
ભગવાને કહ્યું :
છેલ્લે છેલ્લે એટલું જ કહેવાનું કે, બધા જીવોને આયુષ્ય અને સુખ પ્રિય છે, દુઃખ ને વધ અપ્રિય છે. તમામ જીવ જીવિતની કામનાવાળા ને જીવિતને પ્રિય
પ્રેમનું મંદિર | 201