________________
ધીરે ધીરે ચાંદની ઝાંખી પડી.
વહેલી સવારે ઊઠનારાં પંખીઓ બોલવા લાગ્યાં. વહેલી સવારે ખીલનારાં પુષ્પો ખૂલવા લાગ્યાં. પૂર્વના આકાશ પર ઉષાએ કુમકુમ વેર્યું.
રાજકુમાર કાલક જાગી ગયો. રાજ કુમારો ભાગ્યે જ સૂર્ય પૂરેપૂરો ઊગીને ઊંચો આવતાં પહેલાં જાગતા, કેટલાક રાજ કુમારો આખી રાત જાગી પરોઢિયે પથારીમાં પડતા, તે ઠેઠ મધ્યાહ્ન જાગતા. નિત્યક્રમ, ભોજન વગેરે કાર્ય પતાવતાં એમને સાંજ પડી જતી. સાંજે અશ્વખેલન પૂરું કર્યું ન કર્યું કે પાછા અંતઃપુરમાં જવાનો વખત થઈ જતો ! ને ત્યાં મોડી રાતનો જલવિહાર કે ઉઘાનવિહાર એમની રાહ જોતો !
| ‘યોગી રાતે જાગે ' એ સૂત્રને તેઓ આ રીતે ચરિતાર્થ કરતા, અને તેથી ‘રાજા તે યોગી” એ મૂળ નીતિનિયમને આમ અનેરી રીતે ટેકો આપતા !
પણ કાલક તો બાળપણથી જ જુદા ખવાસનો હતો. સામાન્ય લોકસમૂહ જેવી એની દિનચર્યા હતી. એ કહેતો કે ‘પ્રજા ખાય ત્યારે ખાવું, પ્રજા ફરે ત્યારે ફરવું, પ્રજા
જ્યાં ફરે ત્યાં ફરવું, પ્રજામાં પરિચિત રહેવું એ એક રાજ કુમાર માટે જરૂરી છે. રાજ કુમાર જેટલો લોકજીવનનો અનુભવી એટલો સફળ રાજવી ! પ્રજાથી દૂર રહેનાર રાજા પ્રજાની નાડ કઈ રીતે પારખવાનો હતો !'
લહેરી રાજ કુમારો કહેતા : ‘અરે ભલા માણસ ! આપણને શા માટે કુદરતે રેક-ભિખારી ન બનાવ્યા, અને શા માટે રાજપુત્ર બનાવ્યા ? કંઈક આપણાં પુણ્ય હશે તો ને ? રાજા થયા તો આપણા પુણ્યથી, બને તેટલી મોજ માણવી, નહિ તો સામાન્યમાં અને આપણામાં શો ફેર ?'
કાલક કહેતો : ‘વાહ રે અક્કલના દેવાળિયા લોકો ! કબૂલ કરું છું કે પરભવનું ભાતું લઈને તમે અહીં જન્મ્યા, પણ એ ભાથુ શું તમે આમ ઉડાવી દેવા માગો છો ? નવી મુસાફરી માટે નવું ખરીદવા માગતા નથી ?*
રાજ કુમારો કહેતા : ‘ભાઈ ! તું ધર્માવતાર છે. અમારા અને તારામાં ફેર રહેવાનો. અમે તો મળ્યું તો માણી લેવું, એમાં માનીએ છીએ. તું મળ્યું તો ત્યાગી જાણવું, એમાં માને છે. અમારા મતથી તું જેટલો રાજા છે, એનાથી વધુ સાધુ છે.”
આ ભાવનાનું પરિણામ ચોખું તરી આવ્યું. માણવામાં માનનારા છેલ્લે પાટલે જઈ ઊભા. ગમે તેટલું મળે તોય એમને અસંતોષ રહેવા લાગ્યો. આજ સારામાં સારું ભોજન લીધું, પણ કાલે જાણે એનાથી વધુ સારાની ઝંખના જાગી જ સમજો. આજે દેશભરમાંથી સર્વોત્તમ સુંદરી બોલાવી, તોય કાલે એનાથી વધુ રૂપવતી સુંદરીની ઝંખના જાગી જ સમજો. એટલે એમની હાયવોય અટકી જ નહિ. અગ્નિ જાણે ધૃતથી તૃપ્ત જ ન થયો.
154 1 લોખંડી ખાખનાં ફૂલ
આવા માણસોનું મન આખરે રોગી બની જાય છે. એને પોતાની પાસેના પંખી કરતાં, પારકાની પાસે રહેલું પંખી ઉત્તમ લાગે છે. એ પારકાનાં પંખી માટે પ્રયત્ન કરે છે અને એમાં ભયંકર હૈયાશોક વહોરે છે. ક્યારેક તો એમાંથી ક્લેશની મોટી હોળી પણ પેટાવી દે છે !
રાજકુમાર કાલક કહેતો, ‘મિત્રો ! તમે અગ્નિને ઘીથી તૃપ્ત કરવા માગો છો, પણ એમ અગ્નિ કદી તૃપ્ત ન થાય. એ તો વધુ ભભૂકે. એ માટે તો તમારે સંયમ અને સદાચારનાં નીર વહાવવાં ઘટે. જેવો રાજા તેવી પ્રજા થાય છે. તમે સદાચારનું દેવાળું કાઢી બેઠા છો, સંયમનું નામ તમારી પાસે નથી ને અનાચારના તમામ પ્રકાર તમારી પાસે હાજર છે. તમે સંયમહીન અને અનાચારી ઠરતી પ્રજાને દંડ દો છો, પણ તમારા અનાચારનું અને દંડનું તમે શું વિચાર્યું ?'
રાજ કુમારો કહેતા : ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ ? આપણે તો મોટા; આપણો દોષ કેવો ?”
‘ભૂલો છો, રાજ કુમારો ! તમે ભીંત ભૂલો છો.’ કલિક કહેતો, ‘પ્રકૃતિનો ગુનેગાર એની સજામાંથી કદી છટકી શકવાનો નથી, પ્રકૃતિ પાસે માફી નથી. એની સજા તો ભોગવ્યે જ છૂટકો છે, અને તમે તમારાં કૃત્યોની એક રીતે સજા ભોગવી પણ રહ્યા છો. દારૂ પીનારને જેમ દુનિયા જુ દી લાગે છે, એવું જ તમારું છે. બાકી તમારી પાસે સાચું સુખ, સાચો સંતોષ, સાચું જીવન નથી. અંતરમાં તમે એ બધું કબૂલ કરો છો, એ બધા અનાચારોથી પાછા વળવા ઇચ્છો છો, પણ વ્યસન તમારે માથે ચઢી બેઠાં છે. કૂતરાને ગમે તેટલું મારો પણ પાછું તમારી પાસે આવીને ઊભું રહે, એવી તમારી સ્થિતિ છે. થોડો સમય પસાર થાય કે પાછા તમે હતા તેવા ને તેવા. ભલે તમે પ્રજાના રાજા છો, પણ તમારા પોતાના રાજા તમે રહ્યા નથી. તમારા ઉપર હલકામાં હલકી ચીજો રાજ કરે છે.'
રાજ કુમારો હસીને કહેતા : ‘પહેલાંના વખતમાં કોઈનાં પાપનું પ્રાયશ્ચિત્ત કોઈ કરતું. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગેરે જગત-પુરુષોનું તો તું જાણે છે. જગત કાજે જીવ્યા ને મર્યા. અમારાં પાપોનું પ્રાયશ્ચિત્ત તું કર !'
| ‘કરીશ. એક દહાડો એમ જ કરવું પડશે. હું જુદી જાતનો રાજવી થવા નિર્માયો છું, એમ મને લાગી રહ્યું છે.’ રાજ કુમાર કાલક કહેતો.
કાલકનાં વચનમાં કોઈ અશ્રદ્ધા ન ધરાવતું.
રાજકુમારોનો શ્રદ્ધેય કાલક હંમેશાં પ્રાતઃકાલમાં જાગ્રત થતો ને સ્વાધ્યાય કરતો. છેલ્લા વખતથી બે મુનિવરોના સંપર્ક પછી એ એમની વાણીને વાગોળતો થયો હતો.
એ રાતને પ્રભાત ન હોત તો - 1 155