________________
‘સુંદરી ! થોભો. તમારો જવાબ અંબુજાની ઇચ્છા પ્રમાણે જ આપીશ. વાસંતી પૂર્ણિમા નજીક છે, એ વખતે આપણે બંને એકલાં નૌકાવિહારે જઈશું.' કાલકે પોતાના નિરધારની સ્પષ્ટતા કરી.
‘વાવાઝોડાંથી ડરશો તો નહિ ને ?’ સુનયનાએ ગર્વમાં મનમોહક અંગમરોડ રચતાં કહ્યું. પુરુષને મીઠો પાનો ચઢે તેવાં એ ભાષા અને ભાવ બંને હતાં. ‘પુરુષ-શક્તિની પિછાન થઈ લાગતી નથી તમને ?'
‘મેં તો જીવનમાં સદા મારા ચરણમાં ગુંજારવ કરતા ભ્રમર જ જોયા છે. મારે કંટાળીને એમને હાથની ઝાપટ મારી મારીને દૂર હઠાવવા પડ્યા છે !' સુનયનાએ કહ્યું.
‘સુનયના ! ગર્વ ભયંકર વસ્તુ છે એટલે ગર્વ નથી કરતો. અંબુજાએ નૌકાવિહારની વાત લખી એ એક રીતે સૂચક છે, એમાં મારી સાધનાની પરીક્ષા છે. જો રાગ તરફ જવું હોય તો રૂપરાશિ સામે ખડો જ છે, સ્વીકાર કરું અને ધન્ય થઈ જાઉં અને રાગ તરફ મને રાગ ન થતો હોય તો નિરાંતે વિરાગ તરફ જાઉં. એને મહાદેવીનું બીજું સૂચન છે.'
ભલે, તો અત્યારે હું વિદાય લઉં ?’ સુનયનાએ કહ્યું. એના રાગભર્યા અંતરમાં કાલકની સુંદર છબી કોતરાઈ ગઈ હતી.
‘હા, મારે પણ મુનિજન પાસે જવું છે.' કાલકે કહ્યું. સરસ્વતી જે અત્યાર સુધી મૌન હતી, તેના તરફ જોતાં કાલકે કહ્યું : ‘કાં સરસ્વતી ?'
‘હા ભાઈ !’ સરસ્વતીએ જવાબ વાળ્યો, પણ હજી એ ઊંડા વિચારમાં પડી હતી.
‘તું શું વિચારી રહી છે. સરસ્વતી ?'
‘રાગ અને વિરાગની વાત !' સરસ્વતીએ જવાબ આપ્યો.
‘શું તમારો આકર્ષણનો છોડ પ્રફુલ્લી ગયો છે ?’ સુનયનાએ વચ્ચે ટકોર કરી. ‘મારો આકર્ષણનો છોડ હજી પ્રફુલ્યો નથી.’ સરસ્વતી બોલીને મીઠું હસી. ‘તો તેની અત્યારે શી ચિંતા ? કોઈ છોડ મોડા પાંગરે છે ને તેના પર મોડાં ફૂલ આવે છે.'
‘જરૂર. વળી કોઈ પર તો સમૂળગાં ફૂલ જ આવતાં નથી.’ સરસ્વતી બોલી : 'ભાઈ ! સ્ત્રીઓનું સિંગારના ઝબૂક દીવડા જેવું જીવન જોઈ મને કંઈ કંઈ થાય છે. જેટલી સ્ત્રીઓ નીરખી એ બધી જાણે માયાની મૂર્તિઓ ! યૌવન જાણે એમનાથી જીરવાય નહિ ! યૌવન અને બોજ રૂપ લાગે, એ બોજ કોઈના માથે નાખી દેવો, એ 124 – લોખંડી ખાખનાં ફૂલ
જ એના જીવનની જાણે સાર્થકતા !'
સરસ્વતી આટલું બોલીને થોભી. કાલક અને સુનયના એની અજબ વિચારસરણી જોઈ અજબ થઈ ગયાં.
‘ભાઈ ! આપણે સ્ત્રી માટે કલ્પનાઓ પણ કેવી કરી છે ? એ જન્મી ત્યારથી જાણે પુરુષરૂપી યજ્ઞ માટે પશુ જન્મ્યું ! એને પુરુષની રીતે તૈયાર કરી. એનાં અંગોને પુરુષની નજરને ગમે તે રીતે વિકસાવ્યાં. એના રૂપને પુરુષનો કામપશુ તૃપ્ત થાય તે રીતે શણગાર્યા, અને એક દહાડો પુરુષયજ્ઞમાં એ પુષ્ટ પશુને હોમી દીધું. વાત થઈ પૂરી !'
‘અરે સરસ્વતી ! રાજકુમાર કરતાં તું વળી અદ્ભુત નીકળી. સુનયના સરસ્વતીના વિચારોથી પ્રભાવિત થઈ ગઈ. એણે પ્રશ્ન કર્યો : ‘તો શું સ્ત્રી-પુરુષનું મિલન અયોગ્ય છે ?'
‘ના, સ્ત્રી-પુરુષનું મિલન એ સંસારનો અમરત્વનો વારસો છે, પણ આજે એ મિલનમાં કામાચાર પ્રવેશ્યો છે. કામથી લગ્ન થાય છે, એ સાચું પણ આજે તો કામ માટે જ લગ્ન થાય છે. માણસના જીવનની અમરવેલ સંતાન-એ સંતાન તો ત્યાં ગૌણ બન્યું છે. સ્ત્રી કામને જુવે છે, પુરુષ રૂપને પરખે છે. એક રૂપને પકડવા માગે છે, બીજાનું વશીકરણ કરવા ઇચ્છે છે.’ સરસ્વતીએ પોતાની વાત પળવાર થોભાવી, ને વળી થોડીવારે બોલી :
‘રાજકુળોમાં તો આ કામાચારે અને અનાચારે હદ વાળી છે. ત્યાં સંતાનની અમર વાંછા નથી; કેવળ રૂપભોગની વાસના છે. હું રાજપુત્રોને જોઉં છું, ને મને વિષધર ફૂંફાડતા લાગે છે. એમના ભોગ-વિલાસ જોઉં છું, ને મને હૈયે ડામ લાગે છે. રોગ, શોક અને સંતાપે રાજ કુળમાં ઘર ઘાલ્યાં છે. એક પણ રાજ કુળને હું સાચું હસતું, સાચું જીવન જીવતું, અનિંદ્ય કર્મ આચરતું જોતી નથી ! અને યથા રાજા તથા પ્રજા! વામાચાર, કામાચાર અને અનાચારથી આખું વાતાવરણ દૂષિત થઈ ગયું છે.’
‘તો તમારે તો હવે સાધ્વીજીવન જ જીવવું જોઈએ.' બટકબોલી સુનયનાથી આ સ્ત્રી-નિંદા સહન ન થઈ. એણે ઘા કર્યો.
‘હું મારા મનમાં એ જ મંથન કરી રહી છું. જો ભાઈ રાગના પંથે જાય તો એને શુભેચ્છા પાઠવી હું વિરાગના માર્ગે વળું. જો એ વિરાગના માર્ગે પ્રયાણ કરે, તો એની પાછળ પાછળ ચાલી નીકળું.' સરસ્વતીએ સ્પષ્ટતા કરી દીધી.
‘પણ બહેન ! રૂપવતી સ્ત્રી સાધ્વી થાય તોય એને માથે ડર તો છે જ. પુરુષભ્રમર તો એવાં રૂપ, રંગ, રસભર્યાં પુષ્પો શોધતો જ હોય છે. એને રૂપવતી સ્ત્રીની કોઈ પણ અવસ્થાની તમા હોતી નથી. એ ફૂલને ભ્રમર ક્યારે આકરો ડંખ મારે એ બે ઘોડાનો સવાર D 125