________________
16.
બે ઘોડાનો સવાર
રૂપના ઝરણ સમી સુનયના ! શાન્તિના અવતાર સમી સરસ્વતી ! પુરુષાર્થની પ્રતિમા શો કાલકકુમાર !!
આ ત્રિપુટી લાંબો સમય ગાઢ મૌનમાં બેસી રહી, છતાં જિલ્લાનો વાણીવ્યાપાર ન ચાલે એટલે બીજું કંઈ ન ચાલે, એવો નિયમ નથી ! સહુનાં મન પોતપોતાની આગવી ભૂમિકા પર ઘોડાં દોડાવતાં હતાં.
વસંતની સુંદર ઋતુ હતી. કહેવાય છે, કે આ ઋતુમાં અંગ વિનાનો - અનંગ કામદેવ, પ્રિય રતિને લઈને વિહરવા નીકળે છે. એના હાથમાં પંચશર હોય છે. એ પંચશરમાં અરવિંદ, અશોક, નવમાલિકા, આમમંજરી અને નીલોયલનાં ગુચ્છ ગૂંથેલાં હોય છે. રમતિયાળ અને રેઢિયાળ કામદેવ જ્યાં ત્યાં પોતાનાં શર ફેંકે છે; ને વ્યક્તિ કે વેશને જોયા વિના જેને તેને ઘાયલ કરે છે !
આ દિવસો એવા હોય છે, કે રૂપાળો જુવાન કાળીકૂબડી કન્યાને અપ્સરા સમ લેખી એના પર વારી જાય છે. આ દિવસો એવા હોય છે કે ઋષિઓનો તપોભંગ થઈ જાય છે, ને રૂપાળી અપ્સરાઓને એ શોધતા ફરે છે : આ દિવસો એવા હોય છે, કે વૃદ્ધને પણ તરુણાવસ્થા યાદ આવે છે, ને એય કોઈ તરુણીને શોધવા નીકળી પડે છે ! કામદેવ વૃદ્ધોની ને યોગીઓની આવી વલે કરે છે, તો સામાન્ય મનુષ્યના સંસારની તો વાત જ શી કરવી ?
એમાં જેનું જાગતું જોબન હોય, એને માટે આવો સમય ભારે કસોટી કરનારો નીવડે છે.
દૂર દૂર આંબાવાડિયામાં કોયલો ટહુકતી હતી. સુગંધિત ઉપવનોમાંથી ઉન્મત પવન ગંધભાર લઈને વહેતો હતો. મનમાં મદ જાગી રહ્યો હતો. આવા સમયે હાથીને બળપૂર્વક સાંકળે બાંધવા પડે છે, તોય મદથી છકેલા હાથીઓ સાંકળને
સૂતરની દોરીની જેમ તોડી નાખે છે, તો પછી મનમાતંગનું તો પૂછવું જ શું ?
ઋતુ, સમય, સ્થળ, પવન આવાં સુંદર, એમાં સુનયના જેવી મદભરી આકાંક્ષિત નારીની હાજરી ! ભલભલા યોગીના મનનો હાથી સાંકળ તોડીને ભાગે એવી પરિસ્થિતિ હતી !
બારી વાટે આવતો પવન ફડાકા બોલાવતો હતો, અને હવાના માર્ગમાં બેઠેલી સુનયનાના ઉત્તરીયને ઉડાવતો હતો. સંગેમરમરની શિલા જેવી છાતી પરથી ઉત્તરીય ખસી જઈને રૂપ-સુંદરીના વક્ષસ્થળની શોભાને પ્રગટ કરતો હતો.
પૂનમના ચંદ્ર જેવા સુનયનાના મુખ પર અનેક અલકલટો ઝૂલા લેતી હતી : અને સુનયનાનો કેળના ગર્ભ જેવો હસ્ત વારંવાર ઊંચો થઈને એને સમારવાના વ્યર્થ પ્રયત્નમાં લાગ્યો હતો.
શાન્ત સ્વભાવની સરસ્વતી આ મનોહરતાનું પોતાની રીતે મૂલ્યાંકન કરી રહી હતી, ત્યારે મીઠી મીઠી હવાથી આંખો જાણે ઘેરાઈ ગઈ હોય, વૃક્ષનો આધાર શોધતી કુમળી વેલી જાણે ઢળી પડવા માગતી હોય ? એમ સુનયના આળસ મરડી રહી. એ આળસમાં એણે દેહને ધનુષ્યની જેમ મરડી નાખ્યું. કામદેવે જાણે સુનયનાના સુંદર દેહને ધનુષ્ય બનાવી, પોતાના ભાથાનું મોહક અમોઘ તીર ફેંક્યું.
પણ ગમે તેવાં તાતાં તીર ફેંકાય, સામે કાલ કકુમાર જેવો વીર નર હતો. યુવાની હતી, મદભરી યુવાની હતી, રૂપભરી યુવાની હતી, ઐશ્વર્યભરી યુવાની હતી, સત્તાભરી યુવાની હતી. યુવાની રૂપી રાણીએ ભલભલા મહારથીઓને પોતાના ચરણ પાસે નમાવ્યા હતા, પણ એ બીજા, કાલ કે નહિ !
કાલ ક સ્વસ્થ હતો, નીતર્યા પાણી જેવો ! એણે રૂપનાં તીરથી બચવા ભીરુની જેમ આંખો બંધ કરી નહોતી. એ ઋતુને આસ્વાદી રહ્યો હતો, આ રૂપમૂર્તિન અવલોકી રહ્યો હતો, પણ જેમ કોઈ ચીતરેલી છબી જોતો હોય તેમ એ બધું જોતો હતો.
વાતાવરણમાં સંગીત હતું. પવનમાં વીણાના મધુર ઝંકાર હતા. એ સંગીત સાંભળવા સહુ જાણે સ્તબ્ધ હતાં. આ મૌન ક્યારે તૂટત તે કંઈ કહી શકાય તેમ નહોતું, પણ તેટલી વારમાં દ્વારપાલે દ્વાર ખખડાવ્યું. કાલક કુમારે બેઠાં બેઠાં દ્વારપાલને પ્રવેશ કરવાની અનુમતિ આપી.
દ્વારપાલ અંદર આવ્યો. એણે ઝૂકીને કહ્યું : ‘ઉપવનમાં કોઈ મુનિ પધાર્યા છે. વનપાલ ક વધામણી આપી ગયો છે.”
‘સુંદર વધામણી ! હું એની રાહમાં જ હતો.’ કાલકે કહ્યું. ‘સ્વામીને ક્યાંથી ખબર ?' દ્વારપાલે પૂછ્યું. એ વૃદ્ધ અને વિશ્વાસુ ભૂત્ય હતો.
| બે ઘોડાનો સવાર 1 121