________________
આરોગ્યાં, મદ્ય પીધાં, માંસ જમ્યાં ને જ્યારે છેલ્લી વિધિ માટે તૈયાર થયાં, ત્યારે મને એક પળ ભાન થયું કે દર્પણનો લાલ રૂમાલ મારી પાસે છે. મારી લીલી કંચુકી એને મળે. આજની રાત માટેની અમારી જોડી-ભાઈબહેનની જોડી ! મેં ગુરુનો ઉપદેશ યાદ કર્યો. અરે ! અહીં મહાચક્રમાં વળી ભાઈ-બહેન કેવાં ! અહીં તો વિરાજે છે પ્રકૃતિ ને પુરુષ બે જ માત્ર !
‘પ્રિય કાલક ! એ રાત મારી કેમેય ન વીતી ! એ પછી અમે આશ્રમમાં ન રહી શક્યાં, અમે ત્યાંથી વિદાય લીધી, અને ઉજ્જૈનીમાં આવ્યાં. મારું અંતર સહેજ ભારે હતું પણ વ્યથા કોઈ નહોતી. દર્પણની પ્રગતિ જોઈ મારું અંતર રાજી થતું હતું. એમાં દર્પણ ઉતાવળો થયો. તમારામાં જે ઇંદ્રિય-સંયમ અને મનનો કાબૂ છે, એ તો અમારામાં છે જ નહિ . મનમાં એક વાત વસી કે પૂરી કર્યો છૂટકો. દર્પણ ધીરજ ધરી ન શક્યો. પિતાજીને વાનપ્રસ્થ કરી પોતે ગાદીએ બેઠી ! સાચી રીતે તો પિતાજીને નગર બહાર એક મહેલમાં નજરકેદ કર્યા. મારી માતા તો હયાત નથી, પણ પિતાના હૃદય પર કારમો જખમ થયો. એ જખમની શુશ્રુષા માટે હું તેમની સાથે રહી. આમ મારા દિવસો પસાર થવા લાગ્યા.
‘એક દહાડો તમારી નગરીથી સમાચાર લઈને અમારો દૂત આવ્યો, એમાં તારા માટે યોગ્ય કન્યાની શોધનો સંદેશો હતો. દર્પણ કૂદી રહ્યો. એણે મને બોલાવી, બધા સમાચાર આપ્યા, ને ગુરુએ ખાસ મારા માટે તારી પાસેથી લીધેલું વચન પણ યાદ કરાવ્યું. ચિત્રકારને બોલાવી મારી અર્ધનગ્ન છબી પણ તાબડતોડ તૈયાર કરવા ફરમાન કર્યું. મને તો તારે ખાતર નગ્ન થવું પડે એનો શોચ જ નહોતો. પળવાર કોઈ સ્વર્ગીય સ્વપ્નમાં સરી પડી. પણ મારો એ આનંદ લાંબો ન ટક્યો. મને સ્ત્રી વિશેની તારી વાત યાદ આવી.
‘અમારા પિતાજી ત્યાં ઉપસ્થિત હતા, એટલે એ વખતે તો હું કંઈ ન બોલી, પણ મધ્યાહ્ને એકાંત મળી ત્યારે મેં દર્પણને કહ્યું : ‘દર્પણ ! મારા લગ્નની કંઈ માથાકૂટ ન કરીશ.'
‘કેમ ?’ દર્પણે જરા મિજાજમાં પ્રશ્ન કર્યો.
‘હું લગ્નને લાયક નથી.’
‘કોણ કહે છે ?’ દર્પણે ઘાંટો કાઢીને કહ્યું. એનો ઘાંટો એટલે ? પિંજરામાંનાં મેના-પોપટ મડદાં થઈને ત્યાં ને ત્યાં ઢળી પડ્યાં. બીજી છોકરી હોત તો એય બિચારી છળી જાત, પણ હું તો લોઢા સામે લોઢા જેવી હતી. એણે આગળ કહ્યું : ‘લક્ષ્મી ચાંલ્લો કરવા આવી હોય, એ વખતે કોણ મૂરખ મોં ધોવા જાય ? કાલક જેવો પતિ રાજકુળોમાં ક્યાં શોધ્યો જડે તેમ છે ? આપણું કહેણ જાય એટલી જ વાર છે !
116 E લોખંડી ખાખનાં ફૂલ
મેં કહ્યું : ‘કદાચ કાલક મને વરવા તૈયાર હોય, પણ હું એને વરવા તૈયાર
નથી.'
દર્પણ બોલ્યો : “કેમ, કાલક ખોટો છે ?'
મેં કહ્યું : ‘ના, હું ખોટી છું.'
દર્પણ બોલ્યો : ‘આ બુઢા લોકોની સાથે રહીને તારી અકલ પણ બૂઢી થઈ ગઈ
છે. તને ખોટી કોણ કહે ? તારા રૂપ પાછળ તો અનેક રાજકુમારો દીવાના છે.’ મેં કહ્યું : ‘દર્પણ ! જૂની વાતો યાદ ન કરાવીશ. મારો પતિ લેખ કે મારો બંધુ લેખ, માત્ર તું જ છે. કાલક રામ છે. એને પવિત્ર સીતા ખપે; મારા જેવી બંધુભોગિની... કાલકને ન ખપે.'
દર્પણ એક પળ વિચારમાં પડી ગયો, સાવ ઢીલો પડી ગયો અને મને સમજાવતો હોય તેમ નરમાશથી ને મીઠાશથી એ બોલ્યો :
‘અંબુજા ! મહાચક્ર વખતની વાતો સ્મરવી ન ઘટે. ધર્મને ખાતર લોક માથું આપે છે, પછી આ શું છે ? વળી આ વાત કોણ જાણે છે ? જે જાણે છે એ કોઈ દિવસ કોઈને જાણ કરવાના નથી. તૈયાર થઈ જા ! કાલક મળવો નથી.’
મેં એને મક્કમતાથી કહ્યું : ‘માથું આપવું સહેલું છે, લજ્જા આપવી સહેલી નથી. કાલક સાથેના લગ્નની વાત હરિંગજ નહિ બને. મને એ કૃત્ય પાપરૂપ લાગે છે. કાલક જેવા ભારતીય આત્માઓ અને મહાપાપ લેખે છે. કાલક મને પ્રિય છે, હું કાલકને નહિ છેતરું.'
દર્પણ બોલ્યો : ‘શું અને તું બેસ્વાદ લાગીશ ? રે બહાવરી ! જ્યાં જુવાની છે, જ્યાં દિલ છે, ત્યાં આગળપાછળનું કંઈ કોઈ જોતું નથી : ત્યાં તો પાપ પણ પુણ્ય થઈ જાય છે. આજ સુધી તો તું કાલક પ્રત્યેના પ્રેમનાં ગીતડાં ગાતી હતી !'
‘દર્પણ ! આગ્રહ ન કર. કાલક પર મને પ્રેમ છે, માટે જ હું કાલકને નહિ
છેતરું.'
આખરે દર્પણ એના સ્વભાવ પર ગયો; એ બોલ્યો, ‘રે નાદાન ! તું કાલકને વરીશ, તો સરસ્વતીનું પણ ઠેકાણું પડશે. હું આજે જ પત્ર લખું છું. સ્ત્રીઓ હંમેશાં નિર્બળ સ્વભાવની ને ભીરુ હોય છે. મેં મારી બહેનને પરાક્રમી લેખી હતી. અસ્તુ, પત્રનો ઉત્તર આવે એ પહેલાં મન સ્વસ્થ કરી લેજે, નહિ તો પિતાની સેવાથી પણ વંચિત થઈશ, અને પાતાલપ્રાસાદના સપ્તમ ભૂમિગૃહમાં જીવન ગુજારવું પડશે.’ ‘ભલે, એવી ધમકીથી ડરે એ બીજી !' મેં કહ્યું.
બીજી નહિ, તું જ ! અંબુજા ! જેવો મારો પ્રેમ ઉત્કટ છે, એવો મારો રોષ પણ પ્રચંડ છે.’ દર્પણે આખરી ચેતવણી આપી.
મને ભૂલી જજે ! E 117