________________
62
અણનમ યોદ્ધાઓ
વાવંટોળની જેમ યુદ્ધ જિતાયું. આંધીની જેમ આખી ઉજ્જૈનીને ઘેરી લીધું. ચકલું પણ બહાર નીકળી શકે તેમ નહોતું.
કેટલોક સમય બંને તરફથી તીર સંદેશા ચાલ્યા. કિલ્લા તરફ આગળ વધનારાઓનો બરાબર સામનો થવા લાગ્યો. નવા યુદ્ધની તૈયારી માટે આખી રાત ધમાલ થતી હોવાના અવાજો ઉજ્જૈનીમાંથી સંભળાતા રહ્યા,
પણ છેલ્લા દિવસોમાં કિલ્લા પર કશી હલચલ દેખાતી નહોતી, ક્યાંય હોકારા-પડકારા સંભળાતા નહોતા, સાવ શાંતિ પ્રસરેલી હતી. રાતની શાંતિમાં પણ ક્યાંય ખલેલ દેખાતી નહોતી.
એક દહાડો મધરાતે કિલ્લા પરથી કેટલાક માણસો નીચે કૂદતા દેખાયા. તરત શક ચોકીદારો દોડ્યા. તેઓ છાવણીમાં ઘૂસી જાય, તે પહેલાં તેમનો કબજો લેવા દોડ્યા.
પણ આશ્ચર્ય ! પડેલાં માણસો એમ ને એમ પડ્યા હતા. કોઈ હાલતું ચાલતું નહોતું.
શક ચોકીદારોનો શક વધ્યો. તેઓ દોડ્યા, અને એ લોકોને ઘેરી લીધા.
અરે, આશ્ચર્ય તો જુઓ, હજી પણ એ લોકો જમીન પર જાણે ઊંઘતા પડ્યા હતા. ખરી બનાવટ ! દર્પણસેનનું આ નવું કૌતુક લાગ્યું.
સંભાળપૂર્વક ધીરે ધીરે કેટલાક શક સૈનિકો પાસે ગયા. એકને જમીન પરથી ઉપાડીને પકડ્યો. અરે ! એ ઊભો ન જ થયો. જોરથી ઊભો કર્યો તો જાણે મરી ગયો હોમ, એમ સહેજ ઢીલો મૂકતાં નીચે ઢળી પડ્યો.
વાહ રે લોકો ! અજબ જાદુ જાણો છો. જીવને ઊંચે ચઢાવનારા યોગીઓ વિશે
અમે જાણીએ છીએ. આર્યગુરુને સાદ કરો. આ લોકોની યોગનિદ્રા દૂર કરે!”
તરત ગુરુને તેડું થયું. શકરાજ સાથે ગુરુ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ આવીને બધા પર એક નજર નાખીને કહ્યું,
“અરે ! આ બધા યોગનિદ્રામાં પડ્યા નથી, મરી ગયા છે.’ ‘હૈં, મરી ગયા છે ?” બધાને આશ્ચર્ય થયું. ગુરુ વધુ નજીક સર્યા, એમણે બધા પર તીક્ષ્ણ નજર ફેરવી અને બોલ્યા,
‘અવન્તિના આ મહાયોદ્ધાઓ છે. રાજા દર્પણસને આ બધાને છેલ્લી લડાઈમાં હારના કારણભૂત ગણી ફાંસી આપી છે, હીરદોરીએ લટકાવી મારી નાખ્યા છે. ને એમની લાશ કિલ્લા બહાર ફેંકી એમ કહેવા ચાહ્યું છે કે, આખરે તમારા આ હાલ છે. કાગડા-કૂતરાને મોતે જ શો.'
‘ગુરુ ! આપે આ ક્યાંથી જાણ્યું ?' ચોકીદારોએ પ્રશ્ન કર્યો.
‘મૂર્ખ લોકો ! ગુરુ તો ભૂત, વર્તમાન અને ભાવિના જાણનારા છે. એમનું કહ્યું કદી ખોટું કર્યું છે ? આપણી સાચા સેનાપતિ ગુરુ છે.' શકરાજે ચિડાઈને કહ્યું.
ધન્ય ગુરુ ! ધન્ય ગુરુ !'
પણ ગુરુની નજ૨ વળી બીજી ફરતી હતી. દૂર અંધકાર પર એ નજર જઈને ઠરી હતી. અંધકાર પુરુષરૂપ લઈને આવતો હોય તેમ કોઈ શ્યામ આકાર ચાલ્યો આવતો હતો.
કોણ વાસુકિ ?' ગુરુ બોલ્યા, એમણે આવતા આકારને તરત પીછાણી લીધો. ‘જય ગુરુદેવ !' સામેથી અવાજ આવ્યો..
‘ગુરુદેવ ! અવન્તિના સૈન્યમાં બેદિલી ફેલાણી છે. એ અંદરખાનેથી રાજા માટે નારાજ છે. રાજાએ એને તરછોડી નાખ્યું છે ને એની મદદ વગર પોતે શું કરી શકે, તે બતાવવા તૈયાર થયો છે.’ વાસુકિએ કહ્યું.
શું બતાવવા તૈયાર થયો છે ?”
‘ગુરુદેવ ! કિલ્લાના ઉત્તરભાગમાં આપ કંઈ જોઈ શકો છો ?’ વાસુકિએ એ તરફ આંગળી ચીંધતાં કહ્યું.
અનેક નજરો કિલ્લાના ઉત્તરભાગમાં નોંધાઈ રહી. શકરાજ બોલ્યા, “કોઈ પશુનું મોં લાગે છે.’
ના, એ ગર્દભીનું મુખ છે. આખરે રાજા જાત પર ગયો કાં ? એ ગર્દભી વિદ્યાની સાધનામાં બેઠો છે.' ગુરુ બોલ્યા. ‘ગુરુ ! આપે કેમ જાણ્યું ?' કેટલાકોએ પ્રશ્ન ર્યો.
અણનમ યોદ્ધો 451