________________
58
વિજય-પ્રસ્થાન
તમારાં કયા ભવનાં ભાગ્ય જાગ્યાં કે તમારા તરફ એમને સહાનુભૂતિ જાગી ! નહીં તો, અહીં નાચનારીઓનાં ટોળાંનાં ટોળાં આવે છે.’ યવની બોલી. વાતમાં વખત ઠીક ઠીક ચાલ્યો ગયો હતો. છેવટે એણે કહ્યું, ‘હવે ઝડપ કરો.”
‘વાસુકિ ! ચાલો, તૈયાર થઈ જઈએ. મહામના પુરુષોને મળવું એ તો રસિક જીવનનો રસભર્યો લહાવો છે. અવન્તિના સેનાપતિજીને તું પણ મળી લે.” મઘા બોલી. | ‘પુરુષને સાથે લેવાનો નિષેધ છે.” યવની બોલી. ‘એ તો મારો ભાઈ છે; એને પણ ઉર્જની જોવું છે.”
એનો જુદો બંદોબસ્ત કરાવી દઈશ.' યવની બોલી. ‘તો, એનો બંદોબસ્ત પહેલાં કરો, પછી મારી વાત.” મઘાએ જાણે હઠ લીધી.
‘સારું ! અરે ચોકીદાર ! જા, સેનાપતિજી પાસેથી રાજ્યનાં મહત્ત્વનાં મથકો જોવા માટેની મુદ્રા લઈ આવ ! સાથે એક રાજસેવકને પણ લેજો આવજે !'
થોડીવારમાં મુદ્રા સાથે એક સેવક આવ્યો. એણે યવનીના હાથમાં મુદ્રા મૂકી.
યવનીએ વાસુકિના હાથમાં મુદ્રા મૂકતાં કહ્યું, ‘આ માણસ ને આ મુદ્રા. હરો ફરો ને ઉજ્જૈનીમાં લહેર કરો. તમને પૂછે એને ભગવાન પૂછે.’
મઘાને એકલી છોડતાં વાસુકિનો જીવ જરા ખચકાતો હતો. એ બોલ્યો,
‘મઘા ! એકલી સ્ત્રી માટે આ સાહસ ગણાય કે નહિ ? મને ગુરુનો ઠપકો ન મળે એ જોજે .”
‘સાહસમાં જ જન્મી છું. સાહસની મને મોજ છે. ગુરુદેવનું નામ યાદ કર! એ નામમાં જ ફતેહ છે !'
બંને સાથે નીકળ્યાં. એક એક બાજુ ગયું, બીજું બીજી બાજુ ! વર્ષાની રાતે ચાંદની ખીલી હતી. વાદળો વરસીને વિદાય લઈ ગયાં હતાં. કેવડાની મહેક મનને બહેલાવી રહી હતી. ચંદ્ર ખીલી નીકળતાં ઉજ્જૈનીનાં ઉધાનોમાં જાણે દિવસ ઊગ્યો.
એ મોડી રાતે ઉજ્જૈનીના રાજબાગમાં મઘા સેનાપતિ સાથે ફરતી જોવાઈ. એ હસી હસીને વાતો કરતી હતી. ચંદ્ર કરતાં ચંદ્રમુખી વધુ સુંદર લાગતી હતી.
ઉજ્જૈનીમાં મથા અને વાસુકિની કેટલીય રાત્રિ અને કેટલાય દિવસો પસાર થઈ ગયા. મહાન નર્તકી તરીકે મઘા વિખ્યાતિ પામી. એ મહાકાલેશ્વરમાં પર્વતિથિએ અચૂક નાચતી.
દેવના પરિબળથી પૂજારી બહુમાન પામે, એમ વાસુકિનાં પણ બહુમાન થતાં. મઘાને મળવા માટેનો સરળ માર્ગ વાસુકિ જ હતો. વાસુકિ ચાહે તો તરત મુલાકાત કરાવી દેતો.
મઘાએ શીલવાન નર્તકી તરીકે ખ્યાતિ મેળવી હતી. એ કહેતી કે હું શિવાર્પણ થયેલી સ્ત્રી છું. મારો રૂપદર્શન થઈ શકે, દેહસ્પર્શન નહિ, રૂપદર્શન માત્રથી પણ મઘા સામા પુરુષને મુગ્ધ કરી દેતી.
કેટલાંય દિવસ-રાત્રિો આ રીતે વ્યતીત થઈ ગયાં, ઉજજૈનીનું પૂરતું નિરીક્ષણ થઈ ગયું હતું. હવે વાસુકિએ વિચાર કર્યો કે મથા અહીં રહે, અને પોતે સમાચાર આપવા વિદાય લે.
આ નિર્ણય પ્રમાણે બને તેટલું ઝીણવટભર્યું અવલોકન કરીને, વિજન વગડા ગજવતો, નિર્જન નગરીઓ જગવતો વાસુકિ દડમજલ દ્વારકામાં આવી પહોંચ્યો. એણે રસ્તે રસ્તે પોતાની નાત-જાતનાં જે મળ્યાં તેને તૈયાર રહેવા હાકલ કરી. તલવાર બાંધી, પેટે માટે, ગમે તે તરફે લડનારા લોકોને એણે પગારદાર તરીકે રોકી લીધા. વિસામા, ચોકીઓ ને નવાણોની નોંધ પણ કરી લીધી.
ગઈકાલનો જાણીતો ચાંચિયો આજ એક મોટા ગુપ્તચર કે સેનાપતિનાં છટા અને કૌશલ્ય ધરાવતો થયો હતો. સહુ કહેતા કે એ બધો આર્યગુરનો પ્રતાપ છે.
ગુરુ ક્યાં છે ?’ વાસુકિએ દ્વારકામાં પ્રવેશ કરતાં જ પ્રશ્ન કર્યો.
426 3 લોખંડી ખાખનાં ફૂલ