________________
લોખંડી ખાખનાં ફૂલ
બેકકવર ટાઇટલ ભાગ-૧ “પ૮૬ પૃષ્ઠ અને બે ભાગમાં પથરાયેલી ‘લોખંડી ખાખનાં ફૂલ' શ્રી જયભિખ્ખની પ્રસ્તારયુક્ત ઐતિહાસિક નવલકથાઓમાં લોકપ્રિય તથા એમાંના કેટલાક કથાંશને કારણે ચર્ચાસ્પદ બનેલી કૃતિ છે. આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંના સમયને કથાવિષય બનાવતી પ્રસ્તુત નવલકથા ઇતિહાસમાં બહુ પ્રચલિત નહીં એવી પણ લેખકદૃષ્ટિએ નોંધપાત્ર નીવડેલી ઘટનાને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. ઇતિહાસનો તંતુ એમાં આછોપાતળો છે. જૈન કથાનકોમાં પ્રચલિત કથાંશને ઉપયોગમાં લઈને લખાયેલી આ કૃતિ એક સિંહપુરુષ ધર્માચાર્યની વાતને વર્ણવે છે, જેણે એક અમાનુષી, ભાનભૂલ્યા, દુરાચારી રાજવીના અન્યાય, અત્યાચારને દૂર કરીને ધર્મની ગયેલી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરી હતી.
સત્યની તલવારથી અને ધર્મની ઢાલથી સંસારની રક્ષા કરનાર ભગવાન મહાવીર અને બુદ્ધને થઈ ગયે ચારસોએક વર્ષ પસાર થયાં હતાં. એમણે પ્રવર્તાવેલો ધર્મ ધીમે ધીમે સમાજમાંથી નિર્મૂળ થતો જતો હતો. ધર્મને નામે વામાચાર અને અનચાર બધે પ્રસરી ગયા હતા. ધાર્મિક આડંબરો અને કલહોએ આખા સમાજને ઘેરી લીધો હતો. પૂજા કરતાં પાખંડનું જોર વધી પડ્યું હતું. મંત્ર-તંત્રની બોલબાલા હતી. નરમેઘ, પશુબલિ, નગ્નસુંદરીઓની પૂજા, મદ્યપાન અને માંસાહાર ધર્મનાં અંગ લેખાતાં હતાં. ધર્મના ઓઠા નીચે અધર્મ પોતાનો પગદંડો જમાવી રહ્યો હતો. દેશ ઉપર અધર્મની એક ભયંકર શત્રુસેના કબજો જમાવી રહી હતી. નરવી માનવતાને માથે ભય તોળાઈ રહ્યો હતો. એવા સમયે પોતાનાં માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકીને ધર્મની વિનષ્ટ થતી જતી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરનાર કાલભાચાર્ય જૈન મુનિ આર્ય કાલક-ની કથા પ્રસ્તુત કૃતિમાં વણી લેવાઈ છે. જેને મન જીવન એ સમર્પણ યજ્ઞની આહુતિ હતી એવા આ ‘કમ્મ શૂરા સો ધમ્મ શુરા’ આર્ય કાલકની ધર્મ દ્વારા દેશોદ્ધાર અને વિશ્વોદ્ધારની વિભાવના અહીં આલેખાઈ છે.
(લે. નટુભાઈ ઠક્કર, ‘જયભિખ્ખ વ્યક્તિત્વ અને વાડ્મય')
જયભિખુ
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-380 009