________________
સમાજની એક વ્યવસ્થા છે, એમાં ઊંચ-નીચની ભ્રમણા ધરવી ખોટી છે.’
‘ખરી વાત કહી, ગુરુદેવ !' અંબુજા પોતાની મોટી મોટી અણિયાળી આંખો ઘુમાવતી બોલી. એનું શબ્દતીર કાલકને અનુલક્ષીને હતું. પણ કાલક તો ગુરુદેવની વાણીને ચાતક સ્વાતિ જળને ઝીલે તેમ ઝીલી રહ્યો હતો.
ગુરુદેવે આગળ ચલાવ્યું, “પરદેશી ક્ષત્રપે પેલી સુંદર કન્યાને પાછી વાળતાં કહ્યું : ‘હું ચોર નથી. તને ચોરીને ઉપાડી જવા માગતો નથી. થોડા દિવસોમાં ઉજ્જૈની પર ચઢી આવવાનો છું. જીતીશ તો તને વરીશ, હારીશ તો અગ્નિસ્નાન કરીશ.'
‘આનું નામ ખરો ક્ષત્રિય !' કાલકે કહ્યું, એના શબ્દોમાં જરાય દેશ નહોતો. દર્પણ કાલકની સરળતાને પ્રશંસાની નજરે નિહાળી રહ્યો. અંબુજા તો એની ભોળી પ્રકૃતિ પર આફરીન બની રહી : ઘડીમાં જાણે અગ્નિપાત્ર ને ઘડીમાં જાણે જળપાત્ર !
સરસ્વતી પોતાના ભાઈના કુશળક્ષેમની ચિંતા કરતી, એક પછી એકના મોં સામે જોયા કરતી હતી.
ગુરુદેવે આગળ કહ્યું, ‘કાલક, એ ક્ષત્રપનું નામ ‘ગોંડોવાનીસ.' એ એકલો અહીં આવ્યો હતો, પણ કોઈ મંત્રદ્રષ્ટા ગુરુએ એને એક વિદ્યા આપી હતી. એ વિદ્યાનો એ મહાન સાધક હતો. એ વિદ્યા સિદ્ધ કરવાથી આખો માણસ પલટાઈ જતો. એના નેત્રમાંથી સૂર્ય પેદા થતો. મનમાંથી ચંદ્ર, મુખમાંથી અગ્નિ, પ્રાણમાંથી વાયુ અને કાનમાંથી આકાશ પેદા થતાં. આ વિદ્યાનું માધ્યમ ગર્દભ રહેતો. એ પરથી એ ગર્દભી વિદ્યા કહેવાતી, આપણે ત્યાં અશ્વ એમ ત્યાં ગર્દભ સવારીનું મહત્ત્વનું વાહન હતો. આ ગર્દભી વિદ્યાના બળે એણે ભારતમાં શાસન જમાવ્યું. ક્ષત્રિયોને હરાવ્યા, ઉજ્જૈનીમાં આધિપત્ય જમાવ્યું અને પેલી રજપૂત કન્યાનું પાણિગ્રહણ કર્યું. એના વંશજો એ ‘ગર્દભિલ્લા’ ક્ષત્રિયો. દર્પણ એ ગર્દભિલ્લા ક્ષત્રિયોનો વંશજ છે.'
મહાગુરુએ દર્પણના કુળની કહાણી પૂરી કરી અને છેલ્લે કહ્યું : ‘ગર્દભિલ્લા ક્ષત્રિયના વંશજો આજે અવન્તિના ગણતંત્ર પર શાસન કરે છે. એ વંશના દરેક શાસનકર્તા રાજાને એ વિદ્યા પિતૃપરંપરાથી વરે છે.’
દર્પણને એ વિદ્યા વરી છે ?' કાલકે પ્રશ્ન કર્યો.
‘અવશ્ય. એ પ્રાથમિક ભૂમિકા વટાવી ગયો છે, અને ઠીક ઠીક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.'
અમને એ પ્રાપ્ત થઈ શકે ખરી કે ?’
‘ના, એ તો આમ્નાયની વિદ્યા છે, ને એમાં પિતૃપરંપરા જરૂરી છે.’ મહાગુરુએ
16 D લોખંડી ખાખનાં ફૂલ
કહ્યું .
‘આપ જેવા મહાગુરુથી પણ અગમ્ય ?’
‘અવશ્ય. ભારતીય પરંપરાના ગુરુઓ એ આમ્નાયથી પરાંગમુખ છે. કાલક, એક વાત યાદ રાખ કે જેટલી સહેલાઈથી હું મારું અંતશ્ચિત વાંચી શકું એટલી સહેલાઈથી દર્પણનું અંતર ન વાંચી શકું.'
આ વખતે રાજકુમાર કાલકને દર્પણને વિશે મહાચક્ર રાત્રિના અપવાદની યાદ આવી. દર્પણે પોતાની બહેન અંબુજા સાથે સૂઈને પરીક્ષા પસાર કરી અને ગુરુને ગંધ પણ ન આવી.
દર્પણ અમને એ વિદ્યાનો થોડો આસ્વાદ જરૂર કરાવે, ગુરુજી !' કાલકે કહ્યું. ‘અમારી પણ એ જ માગણી છે.' સરસ્વતીએ કહ્યું.
‘જરૂર બતાવીશ !' દર્પણનો અભિમાની આત્મા બોલી ઊઠ્યો. એણે વધારામાં કહ્યું, ‘ભારતના ક્ષત્રિયોને નમાવનાર મહાન ક્ષત્રપોની શક્તિનો એ મૂલમંત્ર છે.'
કાલકે દર્પણનાં ગર્વભર્યાં વચનોનો કંઈ જવાબ ન વાળ્યો. હવે જવાબ શું વાળે ? એણે જ દર્પણને પોતાનાં વાક્યોથી જે આઘાત પહોંચાડ્યો હતો, એનો જ આ પ્રતિકાર હતો. સરળસ્વભાવી કાલક બધું વીસરીને આ નવીન વિદ્યાપ્રયોગ જોવા માટે તલપાપડ થઈ રહ્યો.
અંબુજા કાલકને નીરખી રહી હતી. પોતાના ભાઈ માટે માન હોવા છતાં, એને કાલક માટે દિલમાં ભાવ હતો. એ વિચારતી હતી કે સોનામાં સુગંધ ભળે જો ક્ષત્રપકન્યા ક્ષત્રિય વરને વરે ! ક્ષત્રિયકન્યા ક્ષત્રપ વરને વરે ! કેવું સુંદર !
મનમાં આ વિચારોની એક વાદળી ઊપસી આવી. રૂપાળી અંબુજા થનગની રહી. પોતે કાલકની થાય, સરસ્વતી દર્પણની થાય, કેવી સુંદર જોડી જામે ! સરસ્વતી જેવી ઠાવકી છોકરી મળતાં ઉદ્ધત ને ઉછાંછળો દર્પણ કંઈક ઠાવકો થાય અને પોતે કાલકને મળે તો... તો... પોતાની મનભર કલ્પનામાં અંબુજા પોતે ગૂંચાઈ ગઈ ! પણ ત્યાં તો તેને મહાગુરુનો એકદમ શ્યામ થતો પડછાયો નજરે પડ્યો.
મહાગુરુ કંઈક બબડતા, પૃથ્વીથી કંઈક ઊંચે, હવામાં ચલતા જઈ રહ્યા હતા. થોડી વારમાં એ અદૃશ્ય થઈ ગયા.
આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ D 17