________________
34
મ્યાનનાં મૂલ ઘણાં
મધુરી દોડીને તલવાર લઈ આવી. રાજાએ દોડીને તલવાર હાથમાં લીધી. પણ એ તો માત્ર મ્યાન જ નીકળ્યું. રાજાએ મધુરીને ગુસ્સામાં ધક્કો માર્યો અને એ દોડ્યો, ‘તલવાર, તલવાર’ એ બુમ પાડી રહ્યો.
ગર્દભી વિદ્યાના સ્વામીના અવાજ થી આખો પ્રાસાદ કંપી રહ્યો. જાણે દાસદાસીઓ મોત માથે આવીને ખડું હોય એમ બેબાકળાં નાસભાગ કરવા લાગ્યાં.
રાજા એક સેવક પાસેથી તલવાર લઈને પાછો ફર્યો, અને શયનખંડમાં આવીને તરત જ પલંગ પર ઝીકી પણ એ ઘા ખાલી ગયો.
પલંગ પર કોઈ નહોતું. પણ પલંગની બાજુ માં એક નવસ્ત્રી નારી ખડી હતી. રાજાએ એને જોઈ, અને આશ્ચર્યથી બોલ્યો,
| ‘ઓહ દગો ! સુનયના તું ? વિષકન્યા ? મને ખંજવાળ કેમ આવે છે. તે હવે હું સમજ્યો. શું મારા પર જ પ્રયોગ ? મને જ મારવો હતો ? રે રંડા! મારી બિલ્લી અને મને મ્યાઉં !'
સુનયના પોતાના દેહને હાથથી ઢાંકતી બોલી, ‘રાજા ! તારે તલવારની ક્યાં જરૂર છે ? તારે મન તો મ્યાનનાં મૂલ ઘણાં છે. હું મ્યાન છું, દેહ છું; આત્મા નથી. મારું વિષ બીજાને હણી શકે, પણ તારા જેવા મંત્ર-તંત્ર વાદીને ખત્મ ન કરી શકે, ફક્ત ખંજવાળ જ ઉપજાવે.’
રાજા તલવાર લઈને આગળ ધસ્યો, ‘ઓ દુષ્ટા ! પતિતા ! પાપિષ્ઠા ! મારી છરી અને મારું ગળું !'
“ખાડો ખોદે તે પડે, મારા કરતાં તું રજમાત્ર ઊંચો નથી. ફક્ત તારી પાસે પરભવની પૂંજી વધારે છે એટલું જ; મારી પાસે આ ભવ કે પરભવ બેમાંથી એકે
ભવની પૂંજી નથી.સુનયના બોલી. એ જાણે ભયથી પર થઈ ગઈ હતી.
“ચાંડાલિની ! તારા મોઢામાં ભવ-પરભવની વાત ? ૨ કાગડી, નક્કી તું કાલક જેવા કાગડાનાં પડખાં પંપાળી આવી છે !' રાજાએ કહ્યું, એના ક્રોધનો પારો ઊંચો જતો હતો, પણ સુનયનાની નિર્ભયતા પાસે વારંવાર એ ઊતરી જતો હતો.
- ‘કાગ તો તું છે કે હું ? તને વિષ્ટાનાં જ સ્વપ્ન આવે, ખબરદાર, કાલક જેવા હંસ માટે કંઈ પણ બોલ્યો છે તો ! એ મારો ગુરુ છે ” સુનયના બે માથાની થઈને બોલી રહી.
વાહ ગુરુ ! વાહ ચેલી !' દર્પણ આગળ વધી ગયો ને સુનયનાને નીચે પછાડીને એના ઉપર એણે તલવારનો ઘા કર્યો, ‘લે દુષ્ટા ! મર કમોતે !'
‘સ્ત્રી નથી, સ્ત્રીનું પ્રેત છું. ભરવામાં જ મારું સુખ છે. ઓ દર્પણ ! હવે તો જરા સમજ, ભૂંડા !” સુનયના આટલું બોલતાં બોલતાં, તલવારના ઘામાંથી અતિ લોહી વહી જતાં બેભાન બની ગઈ.
વિષકન્યાના જખમને પાટો પણ ન બંધાય; બાંધનાર જીવથી જાય. સુનયના કરુણ કમોતથી ધીરે ધીરે મરવાની. રાજકારણમાં અને રાજ મહેલોમાં તો આવી અગણિત હત્યાઓ થતી હોય છે; એમાં એક વધારો ! એ કાદ દુર્ભાગી જીવના મોતની અહીં કોડીની પણ કિંમત નહોતી. આ તો મોરનાં રૂપાળાં પીછાં છે. ભલે ખરી જાય. મોર સલામત તો પીછાં અનેક !
સુનયનાને તલવારનો એક ઘા કરીને રાજા આગળ વધ્યો. એણે બૂમ પાડી, ‘ક્યાં છે સરસ્વતી ? એનાં વસ્ત્ર ઉતારી લઈને એને શયનખંડમાં હાજર કરો.”
રાજા દર્પણની વાઘ જેવી ત્રાડના મહેલમાં પડછંદા જાગ્યા, દાસદાસીઓ ધ્રુજી ગયાં, પણ કોઈ આગળ ન વધ્યું. પથ્થરનાં પૂતળાંની જેમ બધા પોતપોતાને સ્થાને ઊભાં રહ્યાં.
રાજાએ ફરી જોરથી ગર્જના કરી : ‘સરસ્વતીને હાજ૨ કરો !'
ગર્દભી વિદ્યાના સ્વામીની આ બૂમથી ઊંચે લટકાવેલાં હાંડી-ઝુમ્મર ખડખડ કરતાં નીચે તૂટી પડ્યાં. રાજા એક ઝુમ્મર નીચે દબાતો દબાતો બચી ગયો. એ આઘો ખસતાં બોલ્યો, ‘મારી બિલ્લી અને મને જ મ્યાઉં ! મારાં દાસ-દાસી અને મારી આજ્ઞા-બહાર !!
રાજાને પોતાના જ અંતઃપુરમાં આજ નવો અનુભવ થતો હતો. જગત જેના બળથી કંપતું હતું, એની જ આજ્ઞાનો અનાદર અંતઃપુરની સુકોમળ સ્ત્રીઓથી થતો હતો. દર્પણને આચાર્ય કાલકના શબ્દો યાદ આવ્યા, ‘માણસની કમજોરી, કારુણ્ય ને ચાતુરી શયનગૃહમાં જેમ જણાય છે. એમ રાજાના અંતઃપુરમાં પણ પરખાય છે.
માનનાં મૂલ ધણાં 0 257