________________
એમના ઘેર પહોંચી જતી : સાથે આ ભવ સુખે નિર્ગમન કરી શકાય તેટલું સુવર્ણ, મણિ કે રત્નનું ભાથું લઈ આવતી. લોકો કહેતા કે ગરબડ ન કરી તો ઘીના ઠામમાં ઘી પડી ગયું. છાલો વીંછી ચઢાવવાનો કંઈ અર્થ !
કેટલાક પિતા કે પતિ ચોખલિયા નીકળતા, તો એ હેરાન થતા, ને સુંદરી જીવનભર કારાગાર વેઠતી; કાં તો એને શિખામાં આપઘાત કરવો પડતો.
સંસારની જે શોભા સમો લેખાતો, કવિઓ જેનાં ઇંદ્રપુરીના નામે ગુણગાન ગાતા, એ સપ્તભૂમિકા પ્રાસાદ ખરેખર સંસારની ગંદકીનું મોટામાં મોટું ધામ હતું.
આ ગંદકીના મહાધામનો અધિદેવ દર્પણ હતો. અત્યારે એણે તાજું નાન કર્યું હતું. મેઘનો આસ્વાદ આજે છોડ્યો હતો, કારણ કે એ જાણતો હતો કે સાધ્વી સ્ત્રીને રીઝવવાની રીત અનોખી હોય છે.
રાજાએ આખા દેહ પર સુગંધી તેલ લગાડ્યું હતું. એક રેશમી અધોવસ્ત્ર પહેરી, ઉપર સોનાનો મોટો રત્ન જડ્યો કંદોરો પહેર્યો હતો.
વિશાળ છાતી પર ઝીણું પારદર્શક અંગરખું પહેર્યું હતું ને ઉપર ઉત્તરીય નાખ્યું હતું. મોટી ભોગળ જેવા એના બે હાથ હાથીની સૂંઢની જેમ ઝૂલતા હતા.
હાથ પર મુદ્રિકા અને બાવડા પર બાજુબંધ હતાં. મસ્તક પર આછા વાળ હતા ને એના પર હીરાજડિત મંડિલ મૂકેલું હતું. કાનમાં સુંદર કર્ણફૂલ હતાં.
રાજાએ પ્રવેશ કર્યો કે એક દાસી પોતાના લાંબા કાળા વાળ બિછાવીને નતમસ્તક ઊભી રહી.
રાજાએ એ કેશ પર મોજ ડી સહિત પગ મૂક્યા. તરત નતમસ્તક થયેલી દાસીએ પોતાના બે હાથ પ્રસારી મોજડી કાઢી લીધી. રાજા મોજ ડી ઉતારીને આગળ વધ્યો.
તરત એથીય વધુ સ્વરૂપવાન દાસી હાથમાં થાળ લઈને રખાવી. થાળ સુવર્ણનો હતો ને એટલો ચકચકિત હતો કે દાસીના દેહનો એમાં પડછાયો પડતો હતો.
આમ તો રાજા આજ ખુશમિજાજ માં હતો; પણ ઝીણવટથી નીરખનારને એ સચિત પણ લાગતો. એની નજર દૂર દૂર રહેલા ખંડ પર હતી. ખંડમાં સંપૂર્ણ શાંતિ હતી, અને એક ખૂબ શણગારેલી સ્ત્રી અંદર આંટા મારતી હતી.
રાજાને જરા હસવું આવી ગયું : ‘રે સરસ્વતી ! ક્યાં ગયું તારું સાધ્વીપણું? સ્ત્રીનો તમામ રંગ કાચો ! જરા પાણી પડ્યું કે આખું પોત રંગ બેરંગ ! અલંકાર, આભૂષણ, વસ્ત્રવિલેપન મળ્યાં કે કાચંડાના રંગની જેમ પળવારમાં બદલાઈ ગઈ સમજો !” રાજા ઉત્સાહમાં આગળ વધ્યો.
252 3 લોખંડી ખાખનાં ફૂલ
એક દાસી આવી. એના હાથમાં એક થાળ હતો. થાળમાં એક મોદક અને મંત્રપૂત પાણી હતું.
પાણી ગર્દભી વિદ્યાની નિત્યોપાસના પછીનું ચરણામૃત હતું. મોદક વાજિકરણનો હતો. એ મોદકમાં એવી શક્તિ હતી કે એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે રતિક્રીડા કરી શકે.
રાજા મોદક મોંમાં મૂકી ચરણામૃત પી આગળ વધ્યો.
વાઘ જેવો રાજા પણ પ્રત્યેક કાર્યના પ્રારંભમાં આ વિધિ સાચવવાનું ન ચૂકતો. બહુ બળવાન માણસો વધુ પડતા વહેમી હોય છે.
રાજા આગળ વધ્યો અને ખંડના બારણે પહોંચ્યો કે ખંડના દીવાઓ એક પછી એ ક રામ થવા લાગ્યા.
રાજાએ પૂછવું, ‘દીવાઓ કેમ બુઝાય છે ?'
રાજાની ખાસ માનીતી દાસી મધુરી ત્યાં ઊભી હતી. એણે મનમાં કહ્યું, ‘રે. રાજા ! કાળા નાગના શ્વાસોશ્વાસથી તો ગમે તેવા અત્તરના દીવા પણ બુઝાય છે.” પણ પ્રગટ રીતે બોલી, ‘આગંતુક સુંદરીની એવી ઇચ્છા છે.'
‘શું તેના કહેવાથી દીવા બુઝાયા છે ?' રાજાને ઉત્સુકતા જાગી. હાજી . તેઓએ કહ્યું કે એક સાધ્વીને દીવાની પણ શરમ લાગે.'
“વાહ રે સાધ્વી ! અરે, સાધ્વી હોય કે મહાસાધ્વી હોય, સ્ત્રીનું મન જ બહુ પરિવર્તનશીલ છે !' રાજાએ હસતાં હસતાં કહ્યું ને પૂછયું, ‘મધુરી ! ક્યાં છે નવાં રાણી ?*
રાજાના નિર્લજ્જ વર્તાવને રોજ ખમી રાખનારી, દુનિયામાં દેવ થઈને પૂજાતા અને અંતઃપુરમાં કામી ગર્દભથી પણ ઊતરતું જીવન જીવતા રાજાઓની કુત્સિત કામચેષ્ટાઓને સંદા સહન કરનારી તુચ્છાતિતુચ્છદાસી આજ આટલા વાર્તાલાપથી પણ મનમાં ને મનમાં ખિન્ન થઈ રહી. એ બબડી : ‘વિધાતા શા માટે આવા રાક્ષસોને પૃથ્વીને પાટલે મનમાં ને મનમાં પેદા કરતી હશે ?'
મધુરી આ વિચારોમાં પળવાર ગૂંચવાઈ ગઈ, એટલે રાજાના પ્રશ્નનો તરત જવાબ ન આપી શકી.
રાજાએ ફરી પ્રશ્ન કર્યો, ‘મધુરી ! ક્યાં છે નવાં રાણી ? સાંભળ્યું નહીં? કયા વિચારમાં પડી છે ?”
મધુરી સાવધ થઈ ગઈ, બોલી, ‘મહારાજ , વિચાર અત્યારે બીજો કેવો? નવાં રાણીનો જ વિચાર . મહારાજ ! નવાં રાણી માટે ચોટલો લાવવો પડશે ને? બોડાં રાણી આપને ગમશે ?”
સ્ત્રી જે છે તે નથી 253