________________
‘મહારાજ ! ભૂલ ન કરો. સમજી જાઓ. આપ વિચાર બદલો, કાં મારું પદ લઈ લો. આગ ગમે તેવી નિર્બળ હોય, પણ એમાં હાથ નાખીએ તો દાઝીએ જ.' “કૂકડો હશે તો જ વહાણું વાશે, એમ હું માનતો નથી. સિપાઈઓ ! શકદેવને ઝરૂખામાંથી નીચે નાખી દો. એવા દ્રોહીને સજા કરવા માટે પણ હું મારો હાથ તેને અડકાડવા તૈયાર નથી. ઝરૂખામાંથી નીચે પટકાયેલા અને હાથ, પગ ને મસ્તકથી ચૂરચૂર થયેલા અને આ મહેલના છઠ્ઠા ભૃગૃહમાં પૂરી રાખજો. અવસર આવ્યે એનો ન્યાય તોળીશું.’
શકદેવ આ સાંભળીને ન ડર્યો, ન ભાગ્યો. રાજસેવકો ઝનૂનપૂર્વક આગળ વધ્યા. એ આત્માને વેચી બેઠેલા નરદેહ હતા. ગઈકાલે જેની આશા પોતે ઉઠાવતા હતા, એ મહામંત્રીને તેઓએ ઝાલ્યા, ઊંચા કર્યા ને ઝરૂખામાંથી નીચે ફેંકી દીધા. થોડી વારમાં બીજા સેવકો ઝરૂખા નીચેથી નીકળી આવ્યા. તેઓ ઇશારો થતાં શકદેવને ત્યાંથી ગાંસડીની જેમ ઉપાડી અદશ્ય થઈ ગયા.
જાઓ ! મારી આજ્ઞાનો તરત અમલ કરો.' રાજા દર્પણર્સને પોતાના અંગરક્ષકોને કહ્યું : અને દુષ્ટદમન તરફ જોતાં એ બોલ્યો : ‘જાઓ, પ્રજામાં સત્વર ડિંડિમિકા ઘોષ કરો કે શકદેવ ગાંધારમાં ઘોડા ખરીદવા ગયા છે, ને તેઓ પાછા ન વળે ત્યાં સુધી દુષ્ટદમન મહામંત્રી તરીકે કામ કરશે.'
થોડા વખતમાં જ એ કબૂતરી શી સરસ્વતીને રાજસેવકો ઉપાડીને લઈ આવ્યા! રાજા દર્પણસેને ઝરૂખામાંથી નીચે નજર કરતાં ખોંખારો ખાધો. સરસ્વતીએ નજર ઊંચે કરી, ને પછી ઘૃણાથી મોં ફેરવી લીધું.
‘વાહ વિધાતાએ પણ સુંદરીઓને કેવી અજબ સર્જી છે ! હરેક અવસ્થામાં એનું સૌંદર્ય મધુ ચાખવા જેવું આહ્લાદક હોય છે.”
સરસ્વતીએ ઊંચે ન જોયું, ઉત્તર પણ ન આપ્યો. એ મનમાં કંઈક બોલી રહી. ‘લઈ જાઓ એને દ્વિતીય ભૂગૃહમાં !' રાજા દર્પણસેને હુકમ કર્યો. રાજસેવકો સરસ્વતીને ત્યાંથી લઈ ચાલ્યા.
‘મહારાજ !શહેરમાં પૂરતો બંદોબસ્ત કરાવું કે ? કદાચ કાલક લોકોને ઉશ્કેરી મૂકે.’ નવા મહામંત્રી દુષ્ટદમને કહ્યું.
‘કાલકની તોછડાઈ અને ચોખલિયાપણાથી આખું નગર એનાથી વિરુદ્ધ છે. મેં પણ પાણી પહેલાં પાળ બાંધી છે. લોકો પાસેથી જ સરસ્વતીના અપહરણની મંજૂરી મેળવી છે.’
મહારાજ ! પ્રજા પર ભરોસો નહિ. એ બે બાજુની ઢોલકી વગાડનાર છે.' મંત્રીએ કહ્યું.
208 – લોખંડી ખાખનાં ફૂલ
‘ચિંતા નહિ, મારું નામ બીજું તો જાણો છો ને, મહામંત્રી ?' ‘હા, આપનું બીજું નામ રાજા ગર્દભિલ્લ ! ગર્દભી નાવિદ્યાના સાધક અને
ધારક.’
‘આખા નગર સામે એકલો બાકરી બાંધી શકું તેમ છું. તમારા કોઈના જોર પર કૂદનારો હું કંગાળ રાજવી નથી હોં !' દર્પણસેને ખુમારીપૂર્વક કહ્યું. એ વાણીમાં નવા બનેલા મહામંત્રીનું હડહડતું અપમાન હતું. પણ સંસારમાં સુવર્ણ અને સત્તાના ગુલામો માનાપમાનને કદી લેખતા જ નથી.
“અમે જાણીએ છીએ. એક તરફ, આખી સેના અને એક તરફ આપ એકલા-બરાબર છો.’સેનાપતિએ પણ તક જોઈને પ્રશંસા કરી લીધી. રાજના કૃપાપ્રસાદમાં એ પાછળ ન રહી જાય, એની ચિંતામાં એ હતો.
‘સાધ્વી પરત્વે વિધિનું લગ્નબંધન જરૂરી હોય તેમ મારું માનવું નથી : બાકી દાંપત્ય-મંત્રોચ્ચારની જરૂર હોય તો સેવક હાજર છે.' રાજપુરોહિત પણ પોતે પાછળ ન પડી જાય એની ચિંતામાં જ હતા. એમણે પોતાની વફાદારી આ રીતે પ્રગટ કરી દીધી. સહુ શાહી મહેરબાનીનાં વાદળો પોતાના આંગણામાં વરસાવવાની ઝંખનામાં હતા, એટલે ભક્તિની ભરતી બતાવવા ભરચક કોશિશ કરતા હતા.
મંત્ર તો ગર્દભી વિદ્યાનો મંત્ર, એની પાસે બાકી બધા મંત્રો થૂંક ઉડાડવા બરાબર છે. હું મહાગુરુ મહામઘનો કૃપાપાત્ર, સિદ્ધકુટીનો શિષ્ય છું. મને શું સામાન્ય માણસના જેવાં વિધિ-વિધાનો શોભે ખરાં ? પુરોહિતજી ! શું રાજા પણ જે સ્ત્રી એનાં દિલમાં તોફાન જગાવી ગઈ હોય, એની સાથે પ્રેમોપચાર લગ્નમંત્રો દ્વારા જ કરી શકે ?' દર્પણર્સને મોજમાં આવીને પ્રશ્ન કર્યો.
‘જી ના. રાજાને તો વિવાહિતા, અવિવાહિતા ને વારવનિતા ત્રણ પ્રકારની સુંદરીઓ મેળવવાનો જન્મસિદ્ધ હક છે. સાગરને અનેક તરંગો હોય, પણ દરેક તરંગને સાગર સાથે બાંધી ન શકાય.' પુરોહિતે શાસ્ત્રજ્ઞાન પ્રગટ કર્યું. આમ સત્તા અને સુવર્ણ એકચક્ર પ્રભાવ પાડી રહ્યાં. ત્યાં નીચેથી અવાજ આવ્યો :
*ઓ બાપુ ! હું સેવક કલ્યાણદાસ આવ્યો છું.'
‘આવો મહાજન ! દર્પણસેનનાં દ્વાર અભંગ છે.’ રાજા દર્પણર્સને કહ્યું. એના મનમાં એમ હતું કે આ મહાજન પણ પોતાની વફાદારી પ્રગટ કરી, લાભેલોભે પૂંછડી પટપટાવવા આવ્યો હશે !
‘બાપુ ! હું મહાજન, રાજરાજેશ્વરને પણ કડવામીઠા બે શબ્દ કહેવાનો અમને વંશપરંપરાનો હક છે.'
‘શું અત્યારે એ હક અદા કરવા આવ્યા છો, કલ્યાણદાસ ?’
પૃથ્વીનો પ્રભુ D 209