________________
ઉજ્જૈની એ સંન્યાસીની કસોટી કરશે, બહેન ! અમે જ એને જોઈને મોહી પડ્યાં. નામ-ઠોમ તો તમારી પાસેથી સાંભળ્યાં. અલકાએ કહ્યું.
‘મારી અલકા ! સાધુધર્મ જ આજે કસોટીધર્મ છે.'
‘પણ અહીં તો આવા પડછંદ અને રૂપસુંદર પુરુષને બચવું મુશ્કેલ છે. સુનયના જરા વિચારવંત છે, એટલે એની વાતોમાં આવી ગઈ હશે. મારે તો વિચારબિચાર માર્યા ફરે; આચારની જ વાત. હું કાલે એની પરમ ઉપાસિકા બની મારી વાટિકામાં નિમંત્રવાની છું. આ વિલાસ-નગરીને વૈરાગ્યનાં તોરણ બાધવા આવનારની ફજેતી કેવી થાય છે, તે તમને વિના વિલંબે જ બતાવીશ અને વધારામાં મહારાજ દર્પણસેન પાસેથી ઇનામ મેળવીશ.”
‘તારું સાહસ દુઃસાહસ ઠરશે. છતાં, તારો માર્ગ નહિ રોકું. યત્નને સિદ્ધિ વરેલી છે. પણ પછી તારો અનુભવ મને કહેવરાવજે !'
‘હસ્તિની બહેન ! પછી એને તમારા પરિચયમાં નહિ આવવા દઉં.’
કાં ?”
‘સૂર્ય પાસે આગિયાનું જોર ન ચાલે.' અલકા બોલી. એના શબ્દોમાં હસ્તિનીની ખુશામત હતી.
શું તું એને પાંજરાનો પોપટ કરી નાખીશ ?” ‘હા, પાંખો જ કાપી લઈશ, કે પછી ઊડી જ ન શકે. પછી મનમાની રીતે એની સાથે રમીશ.” અલકાએ કહ્યું.
‘વારુ, તને આખેઆખો સંન્યાસી સુવાંગ સોંપ્યો, બસ ? પણ દર્પણસેનથી જરા ચેતતી રહેજે. એનો આ પરિચિત છે. રાજા, વાજાં ને વાંદરાં : ત્રણથી ચેતતાં રહેવું સારું !'
એને માટે પણ મેં વિચાર કરી લીધો છે.” ‘શું, કાગડાને દહીંથરું બતાવવાનું વિચારી રહી છો ?' હસ્તિની બોલી. “હા. તમે એ ક્યાંથી જાણ્યું ?”
‘તમારા ધંધા હું સમજું છું ને ? કોણ એ દહીંથરું છે, ભલા ?’ હસ્તિની બોલી. ‘માલ સારો હશે તો ઇનામ પણ મોટું મળશે.”
‘આ સંન્યાસી સાથે પેલી છોકરી છે ને !'
“કોણ ? પેલું માથું મુંડાવેલી છોકરી ? અરે મૂરખીઓ, એ તો રાજસંન્યાસી કાલકની બહેન છે, સરસ્વતી સરસ્વતીનો અવતાર છે.' હસ્તિનીએ કહ્યું. ‘ગમે તે હોય પણ રૂપ કેવું છે ?”
180 | લોખંડી ખાખનાં ફૂલ
‘રૂપ જરૂર છે, પણ સાધ્વી છે. સાધ્વી સર્વથા નિર્ભય હોય. નિર્ભયને ભય કેવો ? કાલકનું બળ તું જાણે છે ?”
‘સાધ્વી હોય કે માધવી હોય, ઉદર માટે બિલાડીની વસ્તીમાં નીકળવું જેટલું ભયજનક, એટલું જ આજ કાલ જુવાને રૂપવતી સ્ત્રીઓ માટે આવાં નગરોમાં ફરવું ભયજનક છે. જોજો, ક્યાંક થપ્પડ ખાઈ ન બેસે તો મને સંભાળજો !'
‘અલકા, તારી વાત સાચી છે. આજકાલ સ્ત્રી અને પુષ્પ સમાન સ્થિતિએ છે. જેમ સુમનને હરકોઈ સુંઘવાનો અધિકાર રાખે છે, એમ સ્ત્રી વિશેની સમજ આજ કાલ એવી જ છે. સુમન તાજું એટલું વધારે આકર્ષક. એને માથે ઘલાય, ગળે પહેરાય, કંકણ બનાવી હાથ શણગારાય, પણ એ વાસી થયું કે ફેંકી દેવાનું. આજના સમાજ માં નારીની પણ આવી જ સ્થિતિ છે-કેવળ જાણે વિલાસની પૂતળી !” હસ્તિનીએ વિશ્લેષણ કરવા માંડ્યું.
‘સાચી વાત છે, બહેન ! પણ એ કેમ ભૂલી જાઓ છો કે એ સ્થિતિ છે, તો આપણા માન છે : નહિ તો બ્રહ્મચારીઓ અને સંયમી સાધુઓના દેશમાં અભિસારિકા, વારવનિતા અને ગણિકાઓનું શું કામ ?”
‘ગમે તેમ, પણ અલકા ! આ આર્ય કાલક અને એની બહેન સરસ્વતી જુદી માટીનાં લાગે છે.’ હરિતનીએ હજી પોતાનો અભિપ્રાય કાયમ રાખ્યો હતો.
‘વારુ, મામાનું ઘર કેટલે ? તો દીવો બળે એટલે. નરની પરીક્ષા હું કરીશ. નારીની પરીક્ષા વળી બીજો કોઈ કરશે.” અલકાએ ઉત્સાહમાં કહ્યું.
‘ના, ના અલકા ! નરની પરીક્ષા કરીએ એટલું જ બસ છે, વગર મફતની નારીની પરીક્ષાની માથાકૂટમાં ન પડીશ. આવી સ્ત્રીઓ શીલ પાસે પ્રાણને પણ ગણકારતી નથી.’ કલિકા બોલી.
તો એક ઓછી. એમાં પૃથ્વીનું શું રસાતાળ જવાનું છે ?” અલકા એના સ્વભાવ પર આવીને બોલી.
“વાહ રે અલકા ! તું તો જાણે ક્ષત્રિયાણી બની ગઈ !' હસ્તિનીએ વખાણ કરતાં કહ્યું.
‘ક્ષત્રિયો આપણા ચરણ ચુમતા થયા એટલે આપણે ક્ષત્રિયાણી બની ગયાં !? કલિકા બોલી, ન જાણે એના અંતરમાં સમભાવનો ક્યાંકથી પ્રાદુર્ભાવ થયો હતો. ‘મેં તો હવે આપણા ધંધામાં કોઈને પણ ન પાડવાનો નિર્ણય કર્યો છે.”
“શું શિકારી શિકાર કરી કરીને છેવટે થાક્યો ? કલિકા, તેં કાળો કેર વર્તાવ્યો છે, એ હું જાણું છું. એક પણ રાજાની રાણીને પેટ પુત્ર જ પાકતો નથી, એ બધાં તારો જ કામો છે ! એક દહાડો તું નક્ષત્રી પૃથ્વી કરીશ.' અલકાએ કહ્યું.
નરનાં શિકારી I l8I