________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
આનાથી વિપરીત જે જીવ છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને અપ્રમાદી રહી પોતાનું આરાધન કરે છે, તેની પ્રક્રિયા જુદી રીતે થાય છે. તે જીવ આજ્ઞાધીન હોવાથી પોતાના સદ્ગુરુની કૃપાથી પોતાની સંસારી સ્પૃહા ક્રમે ક્રમે ત્યાગતો જાય છે. આ ત્યાગથી અને વર્તતા આત્મામાં સ્થિર થવાના ભાવથી તે જીવ જે શાતાવેદનીય છઠ્ઠા ગુણસ્થાને આશ્રવે છે તેનો મોટો ભાગ પરમાર્થ પુણ્યનો અને નાનો ભાગ સંસારી પુણ્યનો બાંધે છે. સંસારી પુણ્ય સંસારી શાતા રૂપે ભોગવવાનું હોય છે; અને પરમાર્થ પુણ્ય આત્મસ્થિરતા તથા આત્મશુદ્ધિ વધારવા માટે વપરાતું હોય છે. આમ હોવાથી તેના આત્મપ્રદેશો પર સંસારી શાતાવેદનીય પુણ્યનો બળવાન જથ્થો એકઠો થતો નથી. આવા સંજોગોમાં તે જ્યારે શુક્લધ્યાનનો સ્પર્શ પામે છે ત્યારે સંસારી શાતા-અશાતા બંનેના વર્તતા નકારનાં કારણે શુક્લધ્યાનમાં શાતા અને અશાતા વેદનીય એમ બંને કર્મ બાળે છે, કેટલાય સંસારી શાતાવેદનીય કર્મને પરમાર્થ પુણ્યમાં પલટાવે છે, એટલું જ નહિ પણ, બળવાન આત્મશુદ્ધિ અને યોગના પ્રભાવથી જે પુણ્યનો આશ્રવ થાય છે તેનો મોટો ભાગ પરમાર્થ પુણ્યનો અને અલ્પ ભાગ સંસાર પુણ્યનો આવે છે. આમ એના આત્મા પર સંસારી શાતાવેદનીય કર્મનાં પરમાણુઓ ઘટતાં જાય છે અને પરમાર્થ પુણ્યનાં પરમાણુઓ વધતાં જાય છે. તે પુણ્યના પ્રભાવથી જ્યારે આત્મા સાતમાથી છઠ્ઠા ગુણસ્થાને આવે છે ત્યારે તેની સંસારસ્પૃહા ઘણી વિશેષ ઓછી થઈ ગઈ હોય છે. એટલે એને જે કંઈ પણ સંસારી પ્રવૃત્તિ કરવાનો ઉદય આવે છે તે માત્ર પૂર્વ કર્મની નિર્જરા માટે થાય છે. પરિણામે નવાં સંસારી શાતાવેદનીય ઘણાં અલ્પ બંધાય છે, અને પરમાર્થ શતાવેદનીય વિશેષ બંધાય છે. આમ વારંવાર આ પ્રક્રિયા થાય તો તે જીવ શુક્લધ્યાનમાં જાય ત્યારે કેવળજ્ઞાન પહેલાં ભોગવવું પડે એવું તેનું પરમાર્થ પુણ્ય સ્થિરતા પામવામાં વપરાય છે અને બાકીનું પુણ્ય કેવળજ્ઞાન પછી ભોગવી શકાય એવા પરમાર્થ પુણ્યમાં પલટાતું જાય છે. કેવળજ્ઞાન મેળવવા જરૂરી હોય તેટલું પરમાર્થ પુણ્ય સચવાય છે, અને બાકીનું કેવળજ્ઞાન પહેલાં ભોગવવાનું પરમાર્થ પુણ્ય પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાથી, જીવનાં આજ્ઞાધીનપણાથી અને પુરુષાર્થથી કેવળજ્ઞાન પછી ભોગવી શકાય એવા પરમાર્થ પુણ્યમાં પલટાતું જાય છે.
૪૯