________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
ક્ષાયિક સમકિતમાં જેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો સંપૂર્ણ નાશ થાય છે, તેમ છઠ્ઠા ગુણસ્થાને જીવના રાગ અને દ્વેષના પુદ્ગલ સ્કંધો પૂર્ણતાએ અલગ થાય છે. આમાં પ્રશ્ન થાય કે આ કાર્યમાં સપ્રમાદ અને અપ્રમાદ સ્થિતિમાં શું ફરક પડે છે?
અંતરંગમાં વિચારતાં પ્રભુ સ્પષ્ટતા કરાવે છે કે છઠ્ઠા ગુણસ્થાને રાગદ્વેષના સ્કંધો પૂર્ણતાએ અલગ થાય છે એ સાચું, પણ એની સાથે જે આજ્ઞારસ મળ્યો છે તે પૂર્ણ નથી. એ રસનું બંધારણ જીવના પુરુષાર્થ પર આધારિત છે. પાંચ કે છ ગુણસ્થાને જીવ જેટલા પ્રમાણમાં પ્રમાદી હોય છે તેટલા પ્રમાણમાં આજ્ઞારસમાં મોહનાં પુદ્ગલ પરમાણુઓ ભળે છે. અને જેટલા પ્રમાણમાં એ મોહરસ આજ્ઞારસમાં ભળેલો હોય છે તેટલા પ્રમાણમાં જીવને પોતાના સદ્ગુરુ પ્રત્યે રાગભાવ અને મારાપણું થયા કરે છે.
જીવ છઠ્ઠા ગુણસ્થાને આવે છે ત્યારે તેના આત્મા પર મુખ્યત્વે સર્વ સદ્ગુરુનો આજ્ઞારસ છવાયેલો હોય છે. મોટે ભાગે સદ્ગુરુ સપુરુષ હોય છે; પરંતુ અમુક સદ્ગુરુ સપુરુષની અવસ્થાએ પહોંચ્યા હોતા નથી. તેથી જીવે એવો કંઈક પુરુષાર્થ કરવો ઘટે કે જેથી તેને મળેલો સર્વ સદ્ગુરુ આજ્ઞારસ સર્વ સત્પરુષ આજ્ઞારસમાં પરિણમે.
વિચારતાં સમજાય છે કે સદ્ગુરુમાં અન્ય જીવો કરતાં વધારે કલ્યાણભાવ પ્રવર્તતો હોય છે, તેથી તેમનામાં મોહના ક્ષયોપશમ સાથે જ્ઞાન દર્શનનાં આવરણનો ક્ષયોપશમ પણ વિશેષ હોય છે. તેની મદદથી ગુરુ જીવને સામેથી યોગબળ આપે છે, સહાય કરી શકે છે. તેથી સગુરુની આજ્ઞારસ પામવો સુલભ બને છે. જીવ પોતાની ધર્મરુચિ, પ્રેમભાવ વધારી આજ્ઞારસ સહેલાઈથી મેળવી લે છે.
પણ સત્પરુષ કે જેઓ સદ્ગુરુ નથી તેમના કલ્યાણભાવની માત્રા ઓછી હોય છે, અને જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ પણ પ્રમાણમાં ઓછો હોય છે, તેથી તેઓ ઇચ્છુકને યોગ્ય માત્રામાં યોગબળ આપી શકતા નથી, આથી સર્વ પુરુષોનો આજ્ઞારસ ત્વરાથી મેળવવા માટે જીવે એવા સગુરુનું શરણું સ્વીકારવું ઘટે કે જે પોતે સત્પરુષ હોય,
૨૭