________________
કેવળી પ્રભુનો સાથ
આમ જોઈએ તો ભક્તિમાર્ગ એ જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, કે યોગમાર્ગ કરતાં આગળ વધવા માટે ઉત્તમ માર્ગ છે. તેની સાથે ભક્તિમાર્ગ એ આજ્ઞામાર્ગ, નિર્ગથમાર્ગ, નિર્વાણમાર્ગ, સયોગી પરિનિર્વાણમાર્ગ અને અયોગી પરિનિર્વાણમાર્ગ તરફ આગળ વધવા માટે સેતુરૂપ બને છે. અને એથી જ ભક્તિમાર્ગને આરાધી આગળ વધનાર જીવ ત્વરાથી આત્મવિકાસ કરી શકે છે. તે જીવને વિકસવા માટે શ્રી સદગુરુ તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોનો અમૂલ્ય સાથ મળે છે, જે તેનાં ઉપશમ સમ્યક્ત્વને ક્ષયોપશમ સમ્યકત્વરૂપ બનાવે છે. ક્ષયોપશમ સમકિત લેવાથી જીવનાં મિથ્યાત્વનાં દળિયાં અને સર્વ અનંતાનુબંધી કષાયો સત્તામાં ચાલ્યા જાય છે, તે ઉપશમરૂપ થઈ જાય છે; અને તેને સ્વાત્માની પ્રતીતિ સ્પષ્ટપણે અનુભવાય છે. આમ આ માર્ગે આગળ વધવાથી પછીનો તેનો વિકાસ પણ ઝડપથી થતો જાય છે.
આવો ભક્તિરૂપી સેતુ જીવમાં વિનય કેળવે છે; જે સાધનથી તે માનરૂપી મહાશત્રુને પહેલેથી જ પરાજિત કરતો જાય છે. આ પરથી એક નિયમ આપણને સમજાય છે. જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ કે ક્રિયામાર્ગથી આગળ વધતો જીવ પહેલા શક્તિનો સંચય કરે છે. એટલે કે તે પહેલાં કાર્યની જાણકારી મેળવે છે – શક્તિ ગ્રહણ કરે છે અને તે શક્તિની માત્રામાં કાર્યની ઇચ્છા કરે છે.
ભક્તિમાર્ગમાં વર્તતો જીવ આનાથી જુદું વર્તે છે. ભક્તિમાર્ગનો પાયો યાચનાથી બંધાય છે. માગણીના પ્રકારને આધારે ભક્તિમાર્ગનો રસ્તો ઘડાય છે. યાચનાનું મુખ્ય લક્ષણ એ છે કે યાચક કાર્ય કરવાની ઇચ્છા પહેલાં કરે છે, અને પછીથી તે દાતા પાસે એ કાર્યની સિદ્ધિ કરાવવા માટે જાણકારી તથા શક્તિની માગણી કરે છે. દાતા જો પરમ વીર્યવાન હોય અને સાથે કરુણાભાવથી સભર હોય તો તે યાચકને સાચી જાણકારી આપે છે, શક્તિ આપે છે અને કાર્યસિદ્ધિ કરવામાં સહાય પણ કરે છે. તેથી જીવને આ માર્ગે આગળ વધવું ઘણું સહેલું લાગે છે, કેમકે તેને સબળનું પીઠબળ મળે છે. તે ઉપરાંત તેને એક અપૂર્વ ચાવી પણ મળે છે, તેને નિશ્ચય થાય છે કે, મારી જાણકારી વગર, શક્તિ વગર, પણ પરમ વિનયથી હું સામર્થ્યવાન દાતા પાસે દુષ્કરમાં દુષ્કર કાર્યની સિદ્ધિ માગીશ તો પણ તે કરુણામય દાતા મને એ સિદ્ધિ જરૂર
૧૧૬