________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ભક્તિનો પહેલો માર્ગ સ્વીકારતા હોય છે, તે માર્ગથી તેઓ ચારિત્રની ખીલવણી કરવા પર ભાર મૂકે છે. આવા વિરલા જીવોને જ્ઞાન તથા દર્શનની ખીલવણી મુખ્યતાએ દાનરૂપે અથવા સહજતાએ મળે છે. તેઓ પ્રાર્થના કરવા પ્રતિનું વલણ લઈ, તેના પર ભાર મૂકે છે. પરિણામે તેમની પ્રગતિ ઘણા ઘણા વેગથી થાય છે. આવા જીવો જ્યારે આજ્ઞામાર્ગમાં આગળ વધે છે ત્યારે તેઓ પૂર્ણ આજ્ઞા, પરમ આજ્ઞા, નિર્ગથ માર્ગ, નિર્વાણ માર્ગ અને પરિનિર્વાણ માર્ગમાં સહજતાથી જઈ શકે છે, અને જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે કેવળજ્ઞાન મેળવ્યા પછી બધાજ આત્માઓ આ માર્ગ સ્વીકારે છે. તેથી જ્યારે આવા વિરલા જીવોને આ શુધ્ધ માર્ગનું સાતત્ય (consistency) રહે છે ત્યારે તેઓને શક્તધ્યાનમાં સંસારી પુણ્યને કેવળજ્ઞાન પહેલાં ભોગવાય તેવા પરમાર્થ પુણ્યમાં અને તે પરમાર્થ પુણ્યને કેવળજ્ઞાન પછી ભોગવી શકાય તેવા પરમાર્થ પુણ્યમાં ફેરવવાનો અવકાશ મળે છે, કારણ કે જે ચારિત્રનું પાલન કેવળજ્ઞાન પછી અનિવાર્ય છે, તે જ ચારિત્ર તેમને કેવળજ્ઞાન લેતાં પહેલાં જ ખીલી જાય છે.
આ અપૂર્વ માર્ગમાં સત્સંવ, સત્કર્મ અને સદ્ગુરુ પ્રતિનો વિનયભાવ વધુમાં વધુ ખીલતો હોવાથી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના નિસ્પૃહ કલ્યાણનાં પરમાણુઓ વધુમાં વધુ માત્રામાં જીવ ગ્રહણ કરી શકે છે. જેના લીધે તેનો માનભાવ સતત ઓગળતો જાય છે, અને અન્ય જીવોની સરખામણીમાં તેનો માનભાવ અતિ અલ્પ રહે છે. આ માર્ગમાં ચાલતા જીવોને ક્ષપક શ્રેણિમાં જવાનું અભયવચન મળે છે; અને સિદ્ધિ મેળવ્યા પહેલાં જ પંચપરમેષ્ટિપદમાં સ્થાન મેળવવાની તેની સંભાવના થાય છે, એટલું જ નહિ પણ પંચપરમેષ્ટિપદની શ્રેણિમાં પણ અગ્રસ્થાને રહેવાની તેની શક્યતા વધી જાય છે. - શ્રી પંચપરમેષ્ટિ ભગવંત પણ આ રીતે મુક્તિનો માર્ગ ભક્તિમાર્ગથી મેળવે છે. આ માર્ગમાં સર્વ જીવાત્મા માટે કલ્યાણના ભાવ કરવાનો તથા કલ્યાણ કરવાનો અવકાશ સૌથી વિશેષ રહેલો છે. તેથી પંચપરમેષ્ટિ ભગવંતો મુખ્યતાએ ભક્તિમાર્ગથી જ આગળ વધતા હોય છે, તેની સાથે તેઓ કેટલીકવાર જ્ઞાનમાર્ગ તથા ક્રિયામાર્ગનો સથવારો પણ લેતા હોય છે.
૧૦૭