________________
કેવળી પ્રભુનો સાથ
અંતવૃત્તિસ્પર્શ કર્યા પહેલાં જીવને કાં આશ્રવ તોડવાની અથવા તો નિર્જરાને વધારવાની પ્રક્રિયા આવડતી હોય છે, પણ બંને સાથે કરી શકવાની શક્તિ તેનામાં હોતી નથી. પણ અંતવૃત્તિસ્પર્શ કરવાની પહેલી પરમાર્થિક સિદ્ધિ માટે જીવે આ બંને ક્રિયા સાથે કરી ઉત્તમ સંવર કરવો ખૂબ જરૂરી છે. આ માર્ગની જાણકારી તેને રુચક પ્રદેશની પ્રાપ્તિ કરતી વખતે અતિ અતિ અલ્પ અંશે થઈ હોય છે, અને તે પણ અસંખ્યાતમાના માત્ર આઠ જ પ્રદેશ પર. આના કારણે જ્યારે જીવ અંતરવૃત્તિસ્પર્શ કરવાનો હોય છે ત્યારે એ કાં તો અકામ નિર્જરાના પહેલા માર્ગે અથવા તો બીજા માર્ગે આવતો હોય છે. તેથી તે નિર્જરાને વિશેષ કરે છે, અથવા તો આશ્રવને મંદ કરે છે. જે જે જીવો આ વખતે પોતાના આશ્રવને મંદ કરે છે તેઓ ભાવિમાં લગભગ પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામે છે; કેમકે તેઓ નવાં કર્મનાં આશ્રયદ્વાર બંધ કરતા હોવાથી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞામાં વિશેષ રહી શકે છે, અને એ રીતે અરિહંતાદિ પંચપરમેષ્ટિનો વિનય કરી, પોતાનાં કર્મોની નિર્જરા કરવા માટે એમનો સાથ મેળવે છે. આ સિવાયના જીવો કર્મ નિર્જરા વધારે છે, પણ કર્મનો સંવર કરવામાં તેઓ પ્રમાદી રહે છે, તેમ છતાં પોતાનાં પૂર્વ સંચિત કર્મોના ક્ષયના અનુસંધાનમાં તેઓ સ્વચ્છંદને તોડતા જાય છે.
અંતરૂવૃત્તિસ્પર્શ કરવા માટે, જે જીવ નિર્જરા કરવા માટે પ્રમાદી થાય છે અને કર્મનો સંવર વધારે કરે છે તેને શ્રી અરિહંતપ્રભુ નિર્જરા ઉત્તમ દાનરૂપે આપે છે, પરિણામે તે જીવ એ સમયે નિર્જરા સાથે ઉત્તમતાએ સંવરનું વેદન કરી શકે છે. એ જ પ્રમાણે અંતરવૃત્તિસ્પર્શ કરતી વખતે જે જીવ સંવર કરવામાં પ્રમાદી થાય છે અને કર્મની નિર્જરા કરવામાં વ્યસ્ત રહે છે, તે જીવને શ્રી અરિહંત પ્રભુ સંવરનું ઉત્તમ દાન આપે છે, અને તેના આશ્રવનાં જોરને તોડે છે. પરિણામે તે જીવને ઉત્તમ સંવરના દાનના આધારથી આશ્રવનું જોર ઘટે છે, અને પોતાથી થતી નિર્જરાનું જોર વધતાં બંને સમાન બની જાય છે. તે દ્વારા મહાસંવરના માર્ગનું આરાધન તેના થકી થાય છે, જેથી તેને અપૂર્વ આત્મશુદ્ધિ થાય છે, અને અંતરવૃત્તિસ્પર્શની પરમાર્થિક સિદ્ધિ મળે છે.
૯૮