________________
કેવળી પ્રભુનો સાથ
છએ આંતરતપમાં સૌ પ્રથમ તપ છે પ્રાયશ્ચિત્ત. આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અજ્ઞાન અને રાગદ્વેષને કારણે જીવ એવી અને એટલી ભૂલો કરી નાખે છે કે તેને અનેક પ્રકારે અશાતા તથા સંસાર વધી જાય છે. અને તેની મુશ્કેલીઓનો પાર રહેતો નથી. વળી, આ બધી ભૂલો એક પછી એક ભોગવતો જ રહે તો તેનો અનંત કાળ પસાર થઈ જાય, અને તેનાથી સંસારથી છૂટાય જ નહિ. આવી સ્થિતિથી બચવા માટે શ્રી પ્રભુએ પ્રાયશ્ચિત્ત નામનું તપ જણાવ્યું છે. પ્રાયશ્ચિત્ત એટલે ભૂતકાળમાં થયેલી ભૂલો માટે પશ્ચાત્તાપ કરી, ક્ષમા માગી, સ્વેચ્છાએ તે માટે દંડ સ્વીકારવો. આ તપ કરવાથી જીવનાં મનપરિણામ શુદ્ધ થાય છે, કેમકે તેમાં ભૂલનો એકરાર કરવાથી જીવ પોતાનો દોષ સ્વીકારે છે, આવી ભૂલ કરવી જોઈતી નહોતી એમ નક્કી કરે છે, સાથે સાથે વિનમ્ર બની કરેલી ભૂલની ગુરુજન સમક્ષ અથવા તો જેનો અપરાધ કર્યો હોય તેની પાસે ક્ષમાની યાચના કરે છે, અને તેનાથી તેને થોડી હળવાશ થાય છે. પશ્ચાત્તાપ કરવાથી ભૂલનું અમુક અંશે વેદન થાય છે, અમુક અંશે તેની નિર્જરા થાય છે, અને ક્ષમા માગવાથી માનભાવ છૂટી જીવમાં વિનમ્રતાનો ગુણ ખીલે છે. અને આવો દોષ ફરીથી ન થાય તેના દઢત્વ માટે તે જીવ ગુરુ કે ગુરુજન સમક્ષ દંડની માંગણી કરી, તેનો સ્વીકાર તથા પાલન પણ કરે છે. સામાન્યપણે કોઈ જીવને શિક્ષા સહન કરવી ગમતી નથી, તેથી જ્યારે તે ઇચ્છાપૂર્વક દંડ સ્વીકારે છે ત્યારે ફરીથી આવી ભૂલ ન કરવા માટે કૃતનિશ્ચયી બને છે. પરિણામે તેને નવાં કર્મબંધ ઘાતીકર્મની અપેક્ષાએ ઓછાં ને ઓછાં થતાં જાય છે. વળી, પોતે પ્રાયશ્ચિત્ત કરવાથી ભાવિમાં ભોગવવાના દંડને વર્તમાનમાં ભોગવી નિર્જરાવી નાખે છે તેથી આ પ્રક્રિયા દ્વારા તે પૂર્વસંચિત કર્મોની નિર્જરા ઘણી ત્વરાથી કરી શકે છે.
પ્રાયશ્ચિત્ત પછીનું બીજું આંતરતપ તે વિનયતપ છે. વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ વગેરે. સમ્યક્ જ્ઞાન, દર્શન તથા ચારિત્ર પ્રતિ બહુમાન આદિનો ભાવ તે નિશ્ચયથી વિનયતપ છે; અને સમ્યક્ જ્ઞાન, દર્શન તથા ચારિત્રના ધારક સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્ર પ્રતિનો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ આદિ વેદવા તે ઉપચારથી વિનયતપ છે. સામાન્યપણે જીવને
૩૩૮