________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
બીજી બાજુ તેમણે અનાદિકાળથી વેદેલા સંસારનો રાગ તોડવા માટેનો પુરુષાર્થ કરવા દુ:ખ તથા પ્રતિકૂળ સંજોગોના દબાણમાં પણ સમતા રાખવા તેઓ પ્રયત્ની બને છે. પરિણામે સંસારનાં સુખ અને શાતા ભોગવવાની તેમની ઇચ્છા ઘટતી જાય છે, વૈરાગ્ય તથા સંસારથી છૂટવાના ભાવ દૃઢ થતા જાય છે. આમ બળવાન થતા વૈરાગ્યનો તાપ મિથ્યાત્વને ઓગાળે છે. ધર્મારાધન કરવામાં જીવ શાંતિ અને શાતા મેળવતો થાય છે, અને જે કંઈ થાય છે તે યોગ્ય જ થાય છે એવી ભાવપ્રક્રિયા આત્મામાં સક્રિય થાય છે.
આ વર્ષમાં કૃપાળુદેવ શ્રી સોભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ તથા પ્રભુશ્રીના પરિચયમાં આવ્યા. તેઓ બધા કૃપાળુદેવની અંતરંગ શૈલીથી તથા તેમના વિશિષ્ટ ગુણોથી ખૂબ આકર્ષાયા. તેઓ બધા વચ્ચે પરમાર્થ સંબંધ બંધાયો. પરંતુ આ જ વર્ષમાં તેમના વિશ્રામરૂપ પરમાર્થ સખા શ્રી જૂઠાભાઇનો વિયોગ તેમને ખમવો પડ્યો. લિંગદેહજન્ય જ્ઞાનના આધારે તેમણે જૂઠાભાઈના અવસાનના સમયની નોંધ ત્રણ મહિના પહેલાં લખી રાખી હતી. અને તે સમયમાં માત્ર થોડા કલાકનો જ ફેર થયો હતો. આ હકીકત તેમના આત્માની નિર્મળતા સૂચવે છે. તેમ છતાં થયેલો જૂઠાભાઈનો વિયોગ તેમને ખૂબ કઠણ તથા દુ:ખદાયી લાગ્યો હતો. તેમનાં આ વચનો તેની શાખ આપે છે, -
“એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું .... એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો.” “મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમ રાગી હતો, સંસારનો પરમ જુગુણિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરંગમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો, આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાલાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું.”
૨૩૭