________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પોતાને આવા અદ્ભુત યોગની પ્રાપ્તિ થઈ છે, તેથી વર્તતા અનુપમેય આનંદને અહીં તેમણે વ્યક્ત કર્યો છે. માર્ગનું નિઃશંકપણું થતાં ઘણાં ખરાં વિઘ્નો ટળી જાય છે અને ભાવિમાં આત્માની શુદ્ધિ વિશેષતાએ કરવા માટેની ભૂમિકા રચાઈ જાય છે.
માર્ગની નિઃશંકતા આવવાને લીધે તેમને એ સ્પષ્ટ થયું કે સંસારમાં રહેવાથી તથા તેની રુચિ રાખવાથી જીવના કષાયો વધે છે, અને કષાયથી જ કર્મબંધન વધે છે. તેથી માર્ગનું દઢત્વ થવા સાથે તેમની સંસારની અરુચિ વધી, મતમતાંતરોથી દૂર રહેવાનો પુરુષાર્થ વધ્યો, જ્ઞાન તથા દર્શનને વિશુદ્ધ કરવાનો અભિલાષ વધ્યો, પરિણામે અનેક આત્મિક ગુણો તેમનામાં ખીલવા લાગ્યા. તેમનો નિર્ણય થયો કે, –
“કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ (શ્રાવકધર્મની ઉત્પત્તિ) થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચયી થવું, અલ્પ આવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.” (માહ ૧૯૪૬. આંક ૧૦૩).
આ પ્રકારે આકરા લાગતા સંસારમાં તેમને પૂર્વકર્મનાં જોરને કારણે રહેવું પડ્યું હતું, તે તેમના માટે વિષમ અને દુ:ખદ સ્થિતિ હતી. સંસારના ત્યાગનો વિચાર તેમને કર્મના જોરને કારણે મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો હતો, તે ખેદ તેમણે આ રીતે વ્યક્ત કર્યો હતો, –
તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિક્તર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊગ્યો હતો; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને
૨૩૫