________________
કેવળી પ્રભુનો સાથ
ભાવથી અને પોતાની શક્તિથી જીવ વર્તમાનકાળમાં તીવ્ર પશ્ચાત્તાપરૂપે વેદી લે છે. આમાં વિશેષ ફાયદો એ છે કે જીવ પૂર્વે બાંધેલા અશુભ કર્મને પોતાની સગવડતાએ, પોતાની શક્તિના પ્રમાણમાં સહેલાઈથી ભોગવી શકે છે. ભાવિકાળે જ્યારે એ કર્મ ઉદયમાં આવે ત્યારે એનું સ્વરૂપ અને સામર્થ્ય કેવાં હશે, જીવની પરિસ્થિતિ એ પ્રસંગે કેવી હશે તેની અટકળ થઈ શકતી નથી. જો જીવનું સામર્થ્ય એ વખતે યથાયોગ્ય ન હોય અને કર્મનું પ્રાબલ્ય સવિશેષ હોય તો એ વખતે જીવ પરવશપણે વર્તી, અઢળક કર્મની વૃદ્ધિ કરી નાંખે છે. સમજીને પશ્ચાત્તાપથી ક્ષમાપના કરતા રહેવાથી આ પ્રકારની કર્મવૃદ્ધિના ભયથી જીવ બચી જાય છે. પોતાની શક્તિ ખીલી હોય ત્યારે જ જીવ પોતાના દોષ જોઈ શકે છે અને સાચો પશ્ચાત્તાપ કરી શકે છે, જેથી કર્મ નબળું અથવા તો હળવું થાય છે. વળી જો આ રીતે કર્મને નબળું પાડયું ન હોય અને લાંબા ગાળા પછીથી એ કર્મ ભાવિમાં ઉદયમાં આવે તો તેટલા કાળ સુધીનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચડે છે અર્થાત્ એ કર્મનું સ્વરૂપ અમુક પ્રમાણમાં મોટું થાય છે. પશ્ચાત્તાપ કરી કર્મને હળવાં કરતાં રહેવાથી કર્મની વૃદ્ધિ કરનાર વ્યાજથી બચી જવાય છે, અને જો પશ્ચાત્તાપ અતિ ઉગ્ર હોય છે તો મુદ્લરૂપ કર્મની ચૂકવણી પણ થતી જાય છે. આ સાથે વિશેષ અગત્યની વાત તો તે છે કે જીવ જેટલા સમય માટે ક્ષમાપના કરતો રહે છે, પશ્ચાત્તાપ વેદતો રહે છે તેટલા સમય માટે તે બીજા શુભાશુભ ભાવોથી પર રહી શકે છે. એટલે કે એ સમય દરમ્યાન નવીન કર્મબંધ અતિ અલ્પ પ્રમાણમાં થાય છે અને જે થાય છે તે શુભ પ્રકારનાં હોય છે. આમ સહ્રદય પશ્ચાત્તાપથી એક બાજુ નિર્જરા અને બીજી બાજુ અબંધ દશા, એવો દ્વિવિધ લાભ જીવને થાય છે. પરિણામે આત્માને કર્મના બોજાના અનુભવમાં હળવાશ વર્તાય છે. પશ્ચાત્તાપની વેદી પરથી પસાર થવાથી આત્માને શાંતિ તથા હળવાશનું વેદન થાય છે તેનાં કારણો અહીં સમજમાં આવી શકશે.
ક્ષમાપના કરવાથી થતા લાભ
યોગ્ય પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાપના કરવાથી જીવને ઘણા ફાયદા થાય છે. યથાર્થ વિચારણા ક૨વાથી નીચે જણાવેલા મુદ્દાની સમજણ સ્પષ્ટ થશે.
૭૮