________________
પ્રકરણ ૬
ક્ષમાપના
જીવ જ્યારે સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ કરે છે ત્યારે તેના અનુસંધાનમાં તે પરિભ્રમણ શાથી થાય છે તેની વિચારણા તેને જાગે છે. વિચારણા કરતાં કરતાં તેને અત્યાર સુધીની પરિભ્રમણ વધારનારી જે જે ભૂલો પોતે કરી છે તેની સમજ મળતી જાય છે. તેથી તેવી ભૂલો કરતાં અટકવાનું તે નક્કી કરે છે. સંસારની વૃદ્ધિ થાય તેવાં કાર્યો કરતાં અટકવાથી કર્મનો સંવર થાય છે, પરંતુ તેનાથી પૂર્વમાં બાંધેલા કર્મોની નિર્જરા થતી નથી. જો એક પછી એક ઉદયમાં આવતાં કર્મને ભોગવીને ખપાવતાં જવાનો માર્ગ ગ્રહણ કરવામાં આવે તો બાંધેલા સર્વ કર્મની નિવૃત્તિ કરતાં ઘણો કાળ પસાર થઈ જાય. એ સમય દરમ્યાન જીવ જો અવળું વર્તન કરી બેસે તો ઘણાં નવાં કર્મો બંધાઈ જાય. સામાન્ય રીતે બધા જીવોના સંબંધમાં આવું જ બનતું હોય છે. ઉદિત થતાં જૂનાં કર્મો ભોગવતાં જાય અને નવાં અનેક કર્મો વધારતાં જાય, આ પ્રમાણે સંસારની ઘટમાળ ચાલ્યા જ કરે. પરિણામે સંસાર પરિક્ષીણપણાને પ્રાપ્ત થાય નહિ. આ રીતે વધતા જતા સંસારને ક્ષીણ કરવા માટે શ્રી વીતરાગ પ્રભુએ સુંદર રાહ દર્શાવ્યો છે. ઉદયમાં આવતાં કર્મોને ભોગવીને ખેરવતાં જવાં, નવાં કર્મો વિશેષતાએ ન બંધાય તે માટેની કાળજી વધારતા જવી, સાથે સાથે જૂના સત્તાગત કર્મો વિશેષ ઝડપથી ખરે તે માટે કર્મ વધારનારી ભૂલોનો એકરાર કરી, પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માંગતાં જવી. આ પ્રકારે પશ્ચાત્તાપ કરવાથી જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે બાબતનું દુ:ખ જીવ અંતરંગમાં વેદે છે. આ વેદના ભોગવતી વખતે જે કર્મપરમાણુઓ અન્ય રીતે અશાતા આપવાના હતા તે રૂપાંતરિત થઈ પશ્ચાત્તાપરૂપ અશાતા આપી ખરી જાય છે. એટલે કે કર્મનાં જે પરમાણુઓ ભાવિમાં ઉદિત થઈ અશાતા આપવાના હતા, તેને પોતાના
૭૭